હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પશ્ચિમ બંગાળના રાજકારણમાં ભારે ઘમાસાણ: અભિષેક બેનર્જીનો ભાજપને પડકાર, ‘મારું ગળું કાપી નાખો તો પણ ઝૂકીશ નહીં’
સીઆઈડી (CID) ની ટીમ પહોંચતા જ ભડક્યા અભિષેક બેનર્જી, એજન્સીઓના દબાણ વચ્ચે કહ્યું - "મને નમાવવા માટે સાત જન્મ લેવા પડશે"

સોનારપુર : પશ્ચિમ બંગાળના બદલાયેલા રાજકીય સમીકરણો વચ્ચે ટીએમસીના સાંસદ અને રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી અને ભાજપ સરકાર વચ્ચેનો સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે. તાજેતરમાં સોનારપુરમાં એક કાર્યકરના ઘરે પહોંચેલા અભિષેક પર હુમલો થયો અને તેમના કપડાં ફાડવામાં આવ્યા, જે ઘટનાએ રાજ્યનું રાજકીય તાપમાન વધારી દીધું છે. આ ઘટનાક્રમ વચ્ચે સીઆઈડી (CID) ની ટીમ નોટિસ લઈને તેમના નિવાસસ્થાને પહોંચતા અભિષેકે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.
પાંચ એજન્સીઓ પાછળ લગાડવાનો આક્ષેપ
મીડિયા સાથે વાત કરતા અભિષેક બેનર્જીએ કટાક્ષ કરતા કહ્યું કે, "પહેલા મારી પાછળ માત્ર ઇડી (ED) અને સીબીઆઈ (CBI) હતા, પરંતુ હવે બંગાળ પોલીસ, કોલકાતા પોલીસ અને કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત કુલ પાંચ એજન્સીઓ મારી પાછળ લગાડી દેવામાં આવી છે." તેમણે વધુમાં ઉમેર્યું કે સીઆઈડી અધિકારીઓ મારા ઘરે આવ્યા હતા અને નોટિસ આપવા માટે મારી રૂબરૂ હાજરીનો આગ્રહ રાખતા હતા, જાણે તેમને ખબર જ ન હોય કે હું ક્યાં રહું છું!
"સાત જન્મ લેવા પડશે"
ભાજપ પર નિશાન સાધતા અભિષેકે ગર્જના કરી હતી કે, "તેઓ વિચારે છે કે અનેક એજન્સીઓ મોકલીને મને બ્લેકમેલ કરી શરણાગતિ સ્વીકારવા મજબૂર કરી દેશે, પરંતુ હું તે પ્રકારનો વ્યક્તિ નથી. તમે મારું ગળું કાપી નાખો અથવા ગમે તે કરો, મને નમાવવા માટે તમારે દસ વાર વિચારવું પડશે અને સાત જન્મ લેવા પડશે." તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ કોઈ પણ સંજોગોમાં ભાજપ સામે ઝૂકશે નહીં અને પોતે દેશદ્રોહી નથી.
સુરક્ષા ઘટાડતા વિવાદોનું કેન્દ્ર બન્યા અભિષેક
ભાજપની નવી સરકાર સત્તામાં આવ્યા બાદ અભિષેક બેનર્જીની સુરક્ષામાં ઘટાડો કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ બંગાળ પોલીસ તેમના ઘરેથી સુરક્ષા માટેના કેમેરા, સ્કેનર્સ, ટીવી અને અન્ય સાધનો લઈ જતી જોવા મળી હતી, જેને લઈને ભારે હોબાળો મચ્યો હતો. ચૂંટણીમાં ભાજપના જંગી વિજય (૨૦૭ બેઠકો) બાદ ટીએમસી માત્ર ૮૦ બેઠકો પર સમેટાઈ ગઈ છે, ત્યારથી મમતા બેનર્જી કરતાં પણ વધુ અભિષેક બેનર્જી ભાજપ સરકારના નિશાના પર હોવાનું રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે. આ ઘટનાક્રમ હવે આગળ કેવા વળાંક લે છે, તેના પર સમગ્ર બંગાળની નજર ટકેલી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
