<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

'હમ દિલ દે ચૂકે સનમ' હવે સિનેમાઘરોમાંથી સીધું ક્લાસરૂમમાં: પાંચમા ધોરણના બાળકો ભણશે ઐશ્વર્યા રાયનું સુપરહિટ ગીત "નિમ્બુડા-નિમ્બુડા"!

ઓડિશાના સરકારી અંગ્રેજી પાઠ્યપુસ્તકમાં કવિતા કે પાઠના બદલે બોલિવૂડનું આઇટમ સોંગ છપાઈ જતાં વાલીઓ અને શિક્ષણવિદો સ્તબ્ધ: સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સ્ક્રીનશોટે શિક્ષણ વિભાગની ગુણવત્તા અને બેદરકારીની પોલ ખોલી નાખી

ભુવનેશ્વર:  ઓડિશાના શિક્ષણ વિભાગમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને સાંભળીને તમે હસવું રોકી નહીં શકો, પણ સાથે જ દેશના ભવિષ્ય સમાન બાળકોના ભણતરની ચિંતા પણ ચોક્કસ થશે. રાજ્યના સરકારી પ્રાથમિક શાળાઓના ધોરણ-૫ ના અંગ્રેજી વિષયના પાઠ્યપુસ્તકમાં એક ચોંકાવનારી બેદરકારી સામે આવી છે. આ પુસ્તકમાં કોઈ શૈક્ષણિક પાઠ, જ્ઞાનવર્ધક વાર્તા કે કવિતાના બદલે બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનની વર્ષ ૧૯૯૯ની સુપરહિટ ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ' નું અત્યંત લોકપ્રિય ગીત "નિમ્બુડા-નિમ્બુડા" છાપી દેવામાં આવ્યું છે. શાળાના માસૂમ વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં બેસીને અંગ્રેજી વ્યાકરણ શીખવાના બદલે આ બોલિવૂડ ગીતની લાઈનોનું મોટે-મોટેથી પઠન કરી રહ્યા છે, જેનો વીડિયો અને ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ હંગામો મચી ગયો છે.

સ્થાનિક મીડિયા ઓડિશા ટીવીના અહેવાલ મુજબ, આ ગંભીર છબરડો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે એક જાગૃત વાલીએ પોતાના બાળકના પાઠ્યપુસ્તકના પાના ફેરવ્યા અને તેમાં દેશી-વિદેશી કવિતાઓ વચ્ચે "નિમ્બુડા-નિમ્બુડા" ના હિન્દી શબ્દો રોમન સ્ક્રિપ્ટમાં છપાયેલા જોયા. આ ઘટનાએ ઓડિશાના પાઠ્યપુસ્તક મંડળ અને શિક્ષણ બોર્ડની સંપાદન (Editing) તેમજ ગુણવત્તા નિયંત્રણ પ્રક્રિયા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. શિક્ષણ નિષ્ણાતો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે કે, સરકારી સ્તરે જ્યારે કોઈ પણ પુસ્તક મંજૂર થાય છે ત્યારે તે સ્ક્રીનિંગ કમિટી, ભાષા નિષ્ણાતો અને પ્રૂફ રીડર્સના અનેક તબક્કાઓમાંથી પસાર થાય છે, તેમ છતાં આટલી મોટી અને હાસ્યાસ્પદ ભૂલ કોઈના ધ્યાને કેમ ન આવી? શું પુસ્તકો તૈયાર કરનારાઓ આંખો બંધ કરીને કામ કરી રહ્યા હતા?

બીજી તરફ, સોશિયલ મીડિયા પર આ વાયરલ સ્ક્રીનશોટે મીમર્સ માટે મોટો ખોરાક પૂરો પાડ્યો છે અને ઈન્ટરનેટ યુઝર્સ ઓડિશાના શિક્ષણ વિભાગની મજાક ઉડાવી રહ્યા છે. કેટલાક યુઝર્સે કટાક્ષમાં લખ્યું કે, "હવે હોમવર્કમાં બાળકોને ડાન્સ સ્ટેપ્સ શીખવાડવામાં આવશે", તો કેટલાકે તેને શિક્ષણ પ્રણાલીની કથળતી વિશ્વસનીયતાનું જીવંત ઉદાહરણ ગણાવ્યું છે. વાલીઓમાં ફેલાયેલા આક્રોશ અને વિવાદ છતાં, શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કે ભૂલનો સ્વીકાર કરતું નિવેદન જાહેર કર્યું નથી. જો કે, સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર અંદરખાને ડેમેજ કંટ્રોલમાં લાગી ગઈ છે અને આગામી દિવસોમાં આ વિવાદાસ્પદ પાઠ્યપુસ્તકો પાછા ખેંચીને નવી પ્રિન્ટિંગ પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત થઈ શકે છે.

(6:05 PM IST)