તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th September 2026
માનવ તસ્કરી પર કેન્દ્રીય ગૃહ મંત્રાલય લાલચોળ : રાજ્યોને આકાઓ સામે કડક કાર્યવાહી કરવા અને સંપત્તિ જપ્ત કરવા નિર્દેશ
નકલી જોબ એજન્સીઓ, ડિજિટલ ટ્રેપ અને ગેરકાયદેસર નેટવર્ક પર ત્રાટકવા DGP-મુખ્ય સચિવોને ૫ પાનાની એડવાઈઝરી જારી: BNS કલમ ૧૧૧ હેઠળ એક્શન લેવા આદેશ

નવી દિલ્હી : દેશભરમાં સતત બદલાઈ રહેલા માનવ તસ્કરીના સ્વરૂપ અને સંગઠિત ગુનાહિત સિન્ડિકેટ પર લગામ કસવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અત્યંત કડક નિર્દેશો જારી કર્યા છે. ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યોના મુખ્ય સચિવો અને પોલીસ મહાનિર્દેશકો (DGPs) ને પાંચ પાનાની વિગતવાર સલાહ (Advisory) મોકલવામાં આવી છે. આ એડવાઈઝરીમાં સ્પષ્ટ જણાવાયું છે કે હવે માત્ર પીડિતોને રેસ્ક્યૂ કરવાથી ચાલશે નહીં, પરંતુ તસ્કરી નેટવર્કના માસ્ટરમાઇન્ડ, મુખ્ય સૂત્રધારો અને નાણાકીય મદદગારો પર ત્રાટકીને તેમની ગેરકાયદેસર સંપત્તિઓ જપ્ત કરવાની રહેશે.
ગૃહ મંત્રાલયે નવા ફોજદારી કાયદા ભારતીય ન્યાય સંહિતા (BNS), ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ (BSA) ની જોગવાઈઓનો આક્રમક રીતે ઉપયોગ કરવા નિર્દેશ આપ્યો છે. ખાસ કરીને સંગઠિત ગુનાઓ સંબંધિત BNS ની કલમ ૧૧૧ હેઠળ કાર્યવાહી કરીને ટ્રાફિકિંગ નેટવર્કના આકાઓ સુધી પહોંચવા અને તેમની મિલકતો ટાંચમાં લેવા જણાવાયું છે. તપાસ એજન્સીઓને કોર્ટમાં કેસ મજબૂત બનાવવા માટે શરૂઆતથી જ ડિજિટલ Forensics, એન્ક્રિપ્ટેડ ચેટ્સ, નાણાકીય વ્યવહારો, જીઓ-લોકેશન અને સર્ચ-જપ્તી પ્રક્રિયાનું વીડિયો રેકોર્ડિંગ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ ઉપરાંત વિદેશમાં નોકરીઓની આડમાં ચાલતી નકલી ભરતી એજન્સીઓ, સોશિયલ મીડિયા તથા ડિજિટલ પ્લેટફોર્મ પર અપાતી શંકાસ્પદ જાહેરાતો અને ઓનલાઈન ટ્રેપ પર સતત નજર રાખવા ટાંકવામાં આવ્યું છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે માનવ તસ્કરી માત્ર મહિલાઓ અને જાતીય શોષણ સુધી સીમિત નથી, પરંતુ ઈંટના ભઠ્ઠા, ખાણો અને કાપડ ઉદ્યોગ જેવા અસંગઠિત ક્ષેત્રોમાં પુરુષો તથા બાળકો પાસે કરાવાતા મજૂર શોષણ પર પણ અચાનક તપાસ હાથ ધરવી પડશે. દરેક રાજ્યમાં એન્ટિ-હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ્સને વધુ સંસાધનો આપી મજબૂત કરવા અને જો માનવ તસ્કરીના કેસમાં કોઈપણ જાહેર સેવકની બેદરકારી સામે આવશે તો તેમની સામે વિભાગીય તપાસ અને કાનૂની કાર્યવાહી કરવાનો સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે.
(9:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
