તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th May 2026
સીતામઢીમાં માનવતા શરમાઈ: ૧૧ વર્ષની બાળકી પર રસ્તા વચ્ચે નરાધમનું દુષ્કર્મ, રોષે ભરાયેલા ટોળાએ અનેક વાહનો ફૂંકી માર્યા!
ચોકલેટની લાલચ આપી નશાખોરે માસૂમને પીંખી નાખી; સીતામઢીમાં અંધાધૂંધી અને ભારે તણાવ વચ્ચે SIT ની રચના, આરોપીને પકડવા પોલીસના ઠેર-ઠેર દરોડા

સીતામઢી (બિહાર), તા.૧૩: બિહારના સીતામઢી જિલ્લામાં એક ૧૧ વર્ષની બાળકી પર થયેલા ક્રૂર અને શરમજનક બળાત્કારની ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. મંગળવારે મોડી રાત્રે બનેલી આ ઘટના બાદ સમગ્ર શહેરમાં ભભૂકી ઉઠેલા જનરોષે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને કલાકો સુધી અંધાધૂંધીનો માહોલ જોવા મળ્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વહીવટી તંત્ર દ્વારા ભારે પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.
ચોકલેટના બહાને બોલાવી આચર્યું પાપ
ઘટનાની વિગત મુજબ, માસૂમ બાળકી તેની દાદીના ઘરે જઈ રહી હતી ત્યારે રસ્તામાં જ કાળમુખો નરાધમ ભટકાયો હતો. નશામાં ધૂત આ શખ્સે માસૂમને ચોકલેટ આપવાની લાલચ આપી પોતાની પાસે બોલાવી હતી. બાળકીને એકલી જોઈ નરાધમે શેરીમાં જ તેની સાથે બળજબરી કરી બળાત્કાર ગુજાર્યો હતો. આ લોહીલુહાણ ઘટનાની જાણ થતા જ બાળકીની માતાએ પોલીસ સ્ટેશન દોડી જઈ ફરિયાદ નોંધાવી હતી.
લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો: વાહનોમાં લગાવાઈ આગ
જેવા આ સમાચાર શહેરમાં ફેલાયા કે તુરંત જ લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. રોષે ભરાયેલા સ્થાનિકોએ વિવિધ સ્થળોએ ટાયરો સળગાવીને રસ્તાઓ બ્લોક કરી દીધા હતા. વિરોધ પ્રદર્શન એટલું ઉગ્ર બન્યું હતું કે ઉશ્કેરાયેલા ટોળાએ રસ્તામાં આવતી અનેક ગાડીઓને આગ ચાંપી દીધી હતી. સીતામઢીમાં લગભગ ચાર કલાક સુધી ભારે અફરાતફરી મચી ગઈ હતી, જેમાં વિરોધીઓએ ગુનેગારની તાત્કાલિક ધરપકડ અને તેને ફાંસીની સજા આપવાની માંગ કરી હતી.
SIT ની રચના અને પોલીસ એક્શન
કેસની સંવેદનશીલતા અને ગંભીરતાને જોતા પોલીસ વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. આરોપીની ઓળખ કરી લેવામાં આવી છે અને તેની ધરપકડ કરવા માટે એક ખાસ SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) ની રચના કરવામાં આવી છે. પોલીસની વિવિધ ટીમો આરોપીના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડી રહી છે. હાલમાં શહેરમાં તણાવપૂર્ણ શાંતિ છે અને કોઈ પણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવી છે. અધિકારીઓએ ખાતરી આપી છે કે ગુનેગાર ગમે તેટલો વગદાર હશે, તેને બક્ષવામાં આવશે નહીં.
(5:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
