તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 8th September 2026
માનવતા મરી પરવારી: ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં ટ્રેન સામે કૂદીને મહિલાએ કર્યો આપઘાત, ઘટનાસ્થળે લોકો મદદ કરવાને બદલે રીલ અને ફોટા પાડવામાં મશગુલ રહ્યા
ઉન્નાવની મીનાક્ષી યાદવના કરૂણ મોતથી સોશિયલ મીડિયા પર રોષનો માહોલ: જો ફોટો પાડનારે સમયસર બચાવ્યો હોત તો જીવ બચી જાત

રાયબરેલી તા.08: આજની ડિજિટલ અને સંવેદના શૂન્ય દુનિયાનો એક અત્યંત શરમજનક અને હૃદયદ્રાવક કિસ્સો ઉત્તર પ્રદેશના રાયબરેલીમાંથી સામે આવ્યો છે, જ્યાં માનવતા તાર-તાર થઈ ગઈ છે. રાયબરેલી રેલવે ટ્રેક પર જિંદગીથી કંટાળીને આપઘાત કરવા બેઠેલી એક ૩૫ વર્ષીય મહિલાની મદદ કરવાને બદલે આસપાસના લોકો સ્માર્ટફોનમાં તેના ફોટા અને વીડિયો વાયરલ કરવામાં વ્યસ્ત રહ્યા. થોડી જ પળોમાં નીલાંચલ એક્સપ્રેસ ટ્રેન ધસમસતી આવી અને મહિલાનો ભોગ લીધો, જેણે સમગ્ર દેશના સંવેદનશીલ નાગરિકોને હચમચાવી દીધા છે.
મળતી માહિતી મુજબ, ઉન્નાવ જિલ્લાના મૌરાવા થાણા વિસ્તાર હેઠળના લોહરામઉ (રાનીખેડા) ગામની રહેવાસી ૩૫ વર્ષીય મીનાક્ષી યાદવ (પતિ વીરેન્દ્ર યાદવ) કોઈપણ કારણસર માનસિક આઘાતમાં સરી પડી હતી અને રાયબરેલી રેલવે ટ્રેક પર ચૂપચાપ બેસીને પોતાના મોતની રાહ જોઈ રહી હતી. આસપાસથી પસાર થતા લોકોએ તેને બચાવવા માટે એક ડગલું પણ આગળ ન વધાર્યું, પરંતુ કોઈ અજાણ્યા શખ્સે માનવતાવેડા મૂકીને મહિલાનો ટ્રેક પર બેઠેલા હોવાનો 'છેલ્લો ફોટો' પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો. થોડી જ મિનિટોમાં પૂરઝડપે આવેલી નીલાંચલ એક્સપ્રેસ નીચે આવી જવાથી મીનાક્ષીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું અને શરીરના ટુકડા થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ જીઆરપી (ગવર્નમેન્ટ રેલવે પોલીસ)ના થાણા અધ્યક્ષ સચિન કુમાર પોલીસ કાફલા સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. મૃતદેહ પાસેથી મળી આવેલા મોબાઈલ ફોનના માધ્યમથી જ પોલીસે પરિવારજનોનો સંપર્ક કરીને આ દુર્ઘટનાની જાણ કરી હતી. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો ફોટો વાયરલ થતાં જ સામાન્ય જનતામાં ભારે રોષ ફેલાયો છે. લોકો સવાલ કરી રહ્યા છે કે જો ફોટો કેદ કરનાર શખ્સે કેમેરાની ઘેલછા બાજુ પર મૂકીને મહિલાને બૂમ પાડીને કે હાથ પકડીને ટ્રેક પરથી ખસેડી હોત, તો આજે એક માસૂમ મહિલાનો જીવ બચી ગયો હોત. હાલ જીઆરપી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને મહિલા રાયબરેલી સુધી કેવી રીતે પહોંચી અને આ આત્યંતિક પગલું ભરવા પાછળનું અસલી કારણ શું હતું તથા સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ કરનાર શખ્સ કોણ હતો તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે.
(6:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
