<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

ભુવનેશ્વર નજીક માનવતા શર્મસાર: અકસ્માતનો ભોગ બનેલી યુવતીની છેડતી કરનાર પોલીસ કોન્સ્ટેબલને ટોળાએ ફટકારી ફટકારીને પતાવી દીધો

મદદ કરવાને બદલે અડપલાં ભારે પડ્યા: રોષે ભરાયેલા લોકોએ કોન્સ્ટેબલ અને તેના મિત્રને લોહીલુહાણ કર્યા, હોસ્પિટલમાં સારવાર દરમિયાન કોન્સ્ટેબલનું મોત, મિત્રની હાલત નાજુક

ભુવનેશ્વર: ઓડિશાની રાજધાની ભુવનેશ્વર નજીક એક હૃદયદ્રાવક અને કાયદો હાથમાં લેવાની હિંસક ઘટના સામે આવી છે. બાલીઅંતા પોલીસ મર્યાદામાં આવતા રામચંદ્રપુર બેરેજ પાસે માર્ગ અકસ્માતનો ભોગ બનેલી યુવતી સાથે દુષ્કર્મનો પ્રયાસ અને છેડતી કરવાના આરોપમાં સ્થાનિક લોકોએ એક પોલીસ કોન્સ્ટેબલની હત્યા કરી નાખી છે. મૃતક યુવકની ઓળખ સૌમ્યરંજન સ્વૈન તરીકે થઈ છે, જે કટકની રેલવે પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો.
ઘટનાની વિગત મુજબ, ગુરુવારે સવારે લગભગ ૧૦ વાગ્યે બે યુવતીઓ સ્કૂટી પર જઈ રહી હતી ત્યારે તેમનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બંને યુવતીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા કોન્સ્ટેબલ સૌમ્યરંજન અને તેના જિમ માલિક મિત્ર ઓમ પ્રકાશ મોહંતીએ યુવતીઓને મદદ કરવાને બદલે તેમની સાથે અશ્લીલ હરકતો અને છેડતી કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે ત્યાં હાજર અન્ય લોકોએ આનો વિરોધ કર્યો, ત્યારે બંને આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને લોકો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટનાથી લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. જોતજોતામાં મોટું ટોળું એકઠું થઈ ગયું અને બંને યુવકોને બેરહેમીથી ફટકારવાનું શરૂ કર્યું હતું. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ટોળાના ચુંગાલમાંથી બંનેને છોડાવી ભુવનેશ્વરની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તબીબોએ સૌમ્યરંજનને મૃત જાહેર કર્યો હતો, જ્યારે ઓમ પ્રકાશ હાલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.
ભુવનેશ્વરના પોલીસ કમિશનર એસ. દેવ દત્ત સિંહે જણાવ્યું હતું કે, આ મામલે બે અલગ-અલગ કેસ નોંધવામાં આવ્યા છે. એક કેસ યુવતી સાથે છેડતી અને દુષ્કર્મના પ્રયાસનો છે, જ્યારે બીજો કેસ સૌમ્યરંજનની હત્યાનો છે. પોલીસે આ મામલે અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરી છે અને વધુ તપાસ ચાલુ છે. એક રક્ષક જ જ્યારે ભક્ષક બને ત્યારે જનતાનો આક્રોશ કેવો હોય છે, આ ઘટના તેનું વરવું ઉદાહરણ પૂરું પાડે છે.

(6:57 PM IST)