તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
ધર્મ કરતા માનવતા અને બાળકની સુખાકારી સર્વોપરી: મદ્રાસ હાઈકોર્ટે મુસ્લિમ બાળકીના પાલક તરીકે હિન્દુ દંપતીની નિમણૂક કરી
'બાળકનું કલ્યાણ એ જ કોર્ટ માટે પરમ ધર્મ' - હાઈકોર્ટે ફેમિલી કોર્ટનો નિર્ણય પલટાવ્યો; ગરીબ માતાએ પોતાની દીકરીના સારા ભવિષ્ય માટે હિન્દુ દંપતીને સોંપી હતી જવાબદારી

મદુરાઈ: મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે એક ઐતિહાસિક અને હૃદયસ્પર્શી ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે જ્યારે કોઈ બાળકના ભવિષ્ય અને કલ્યાણની વાત આવે છે, ત્યારે ધર્મ કે જ્ઞાતિના અવરોધો ગૌણ બની જાય છે. કોર્ટે એક નાની મુસ્લિમ બાળકીના કાયદેસરના વાલી (Guardian) તરીકે એક હિન્દુ દંપતીની નિમણૂક કરી છે. જસ્ટિસ એન. આનંદ વેંકટેશ અને જસ્ટિસ કે.કે. રામકૃષ્ણનની ખંડપીઠે જણાવ્યું હતું કે, "અદાલત માટે પ્રાથમિક પરિબળ બાળકની સુખાકારી છે, નહીં કે તેનો ધર્મ."
આ કેસની વિગતો કોઈ ફિલ્મી વાર્તા જેવી છે. એસ. બાલાજી અને તેમની પત્ની, જેમને સંતાન નહોતું, તેઓ બાળકીની સગી માતાને છેલ્લા એક દાયકાથી ઓળખતા હતા. બાળકીની માતા મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે અને પતિના અવસાન બાદ ત્રણ બાળકોને ઉછેરવા માટે સંઘર્ષ કરી રહી હતી. પોતાની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે, તેણે પોતાની ત્રીજી દીકરીને જન્મના થોડા સમય બાદ જ સ્વેચ્છાએ આ હિન્દુ દંપતીને સોંપી દીધી હતી જેથી તેને સારું શિક્ષણ અને જીવન મળી શકે.
જ્યારે આ દંપતીએ મદુરાઈની ફેમિલી કોર્ટમાં કાયદેસરના વાલી બનવા અરજી કરી, ત્યારે ફેમિલી કોર્ટે સપ્ટેમ્બર 2025માં આ અરજી ફગાવી દીધી હતી. ફેમિલી કોર્ટનું માનવું હતું કે દંપતી 'અજાણ્યા' છે અને બાળકીનો ધર્મ અલગ છે. જોકે, હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન બાળકીની સગી માતાએ પોતે હાજર રહીને સંમતિ આપી હતી અને જણાવ્યું હતું કે તે પાયાની જરૂરિયાતો પૂરી કરવામાં અસમર્થ હોવાથી તેણે હોશકોશમાં આ નિર્ણય લીધો છે.
હાઈકોર્ટના ન્યાયાધીશોએ જ્યારે દંપતી અને બાળકી સાથે વાતચીત કરી ત્યારે એક અનોખો પ્રેમ જોવા મળ્યો હતો. બાળકી આ હિન્દુ દંપતીને 'મમ્મી-પપ્પા' કહીને બોલાવતી હતી, જ્યારે તેની સગી માતાને 'આન્ટી' કહેતી હતી. કોર્ટે અવલોકન કર્યું કે 'ગાર્ડિયન એન્ડ વોર્ડ્સ એક્ટ, 1890' મુજબ વાલી બનવા માટે ધર્મનો કોઈ બાધ નથી. બાળકની લાગણીઓ અને તેના સુરક્ષિત ભવિષ્યને ધ્યાનમાં રાખીને, હાઈકોર્ટે ફેમિલી કોર્ટનો નિર્ણય રદ કર્યો અને હિન્દુ દંપતીને બાળકીના કાયદેસરના વાલી તરીકે જાહેર કર્યા. આ ચુકાદાની સોશિયલ મીડિયા પર પ્રશંસા થઈ રહી છે, કારણ કે તે સામાજિક સમરસતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
(6:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
