News of Saturday, 5th September 2026
દુનિયા પર ‘અસાધારણ’ અલ નીનોનો ખતરો ફેબ્રુઆરી સુધી ટકવાની સો ટકા શક્યતા: હવામાનમાં ભારે ઉથલપાથલ ફરી મંડરાઈ રહી છે
પ્રશાંત મહાસાગરમાં અલ નીનો મજબૂત રીતે સ્થાપિત થઈ ચૂક્યો છે અને આગામી મહિનાઓમાં તે અત્યંત શક્તિશાળી બનવાની પૂરેપૂરી શક્યતા : પ્રશાંત મહાસાગરમાં ગરમીનો મહાભંડાર ઉકળ્યો: વર્ષના અંતે અલ નીનો સર્વોચ્ચ શિખરે પહોંચશે: દુષ્કાળ-પૂર અને પ્રચંડ હીટ વેવનો ભય સતત વધુને વધુ ગંભીર બની રહ્યો છે

જીનિવા, તા. ૫ : અલ નીનો અત્યંત શક્તિશાળી બનવાની આગાહી વચ્ચે વિશ્વમાં તાપમાન, વરસાદ અને હવામાનની પ્રણાલીમાં મોટા ફેરફારની ચેતવણી અપાઈ છે. આ સ્થિતિ ફેબ્રુઆરી, ૨૦૨૭ સુધી જળવાઈ રહેવાની શક્યતા લગભગ સો ટકા છે.
ઉષ્ણકટિબંધીય પ્રશાંત મહાસાગરમાં અલ નીનો મજબૂત રીતે સ્થાપિત થઈ ચૂક્યો છે અને આગામી મહિનાઓમાં તે અત્યંત શક્તિશાળી બનવાની શક્યતા છે. વિશ્વ હવામાન સંસ્થાની નવી આગાહી પ્રમાણે આ હવામાન ઘટના ફેબ્રુઆરી, ૨૦૨૭ સુધી યથાવત્ રહેવાની શક્યતા લગભગ સો ટકા છે. સંસ્થાએ પોતાની આગાહીમાં આટલી નિશ્ચિતતા પ્રથમ વખત વ્યક્ત કરી છે.
મધ્ય અને પૂર્વીય વિષુવવૃત્તીય પ્રશાંત મહાસાગરની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં ઘણું વધારે નોંધાયું છે. મહત્વપૂર્ણ નીનો ત્રણ દશાંશ ચાર ક્ષેત્રમાં મે-જુલાઈ દરમિયાન તાપમાન સામાન્ય કરતાં સરેરાશ ૧.૫ અંશ સેલ્સિયસ અને જુલાઈમાં ૨ અંશ સેલ્સિયસ ઊંચું રહ્યું હતું. જુલાઈના અંતથી ઓગસ્ટના મધ્ય સુધી સાપ્તાહિક તફાવત વધીને લગભગ ૨.૨થી ૨.૬ અંશ સેલ્સિયસ સુધી પહોંચ્યો હતો.
દરિયાની સપાટી નીચે કેટલાક વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં ૮ અંશ સેલ્સિયસથી પણ વધુ નોંધાયું છે. ગરમ પાણીનો આ વિશાળ જથ્થો અલ નીનોને વધુ શક્તિશાળી બનાવી શકે છે. આગાહી મુજબ તે ૨૦૨૬ના અંત સુધીમાં સર્વોચ્ચ શિખરે પહોંચશે, પરંતુ તેની હવામાન તથા આર્થિક અસરો વર્ષ ૨૦૨૭ દરમિયાન પણ અનુભવાઈ શકે છે.
વિશ્વ હવામાન સંસ્થાના મહાસચિવ સેલેસ્ટે સાઉલોએ ચેતવણી આપી છે કે આ અસાધારણ અલ નીનો વિશ્વભરના સમુદાયો, અર્થતંત્રો અને પુરવઠા વ્યવસ્થાને મોટો ફટકો આપી શકે છે. દુષ્કાળ, વિનાશક પૂર, અતિભારે વરસાદ, જમીન અને સમુદ્રની હીટ વેવ્સનું જોખમ વધવાની ભીતિ છે. ખેતી, મત્સ્યઉદ્યોગ, વેપાર, આરોગ્ય, ઊર્જા, પરિવહન, જળસંપત્તિ અને આપત્તિ વ્યવસ્થાપન સહિત અનેક ક્ષેત્રો પ્રભાવિત થઈ શકે છે.
સંસ્થાએ જોકે સ્પષ્ટ કર્યું છે કે અલ નીનો અત્યંત શક્તિશાળી હોય એટલે દરેક દેશ કે વિસ્તારમાં તેની અસર સમાન તીવ્રતાની જ હશે એવું જરૂરી નથી. સ્થાનિક હવામાન, ઋતુ, ઘટનાનો સમયગાળો અને અન્ય મહાસાગરીય પરિબળો અસરનું સ્વરૂપ નક્કી કરશે. ‘સુપર અલ નીનો’ શબ્દ સંસ્થાની સત્તાવાર વર્ગીકરણ પદ્ધતિનો ભાગ નથી.
બ્રિટનમાં આગામી પાનખર અને શિયાળાની શરૂઆત દરમિયાન વધુ વરસાદી, તોફાની અને પવનવાળા વાતાવરણની શક્યતા દર્શાવવામાં આવી છે.
એશિયાના કેટલાક દેશોમાં સામાન્ય કરતાં ઓછા વરસાદનું જોખમ છે. ભારતે પણ ખેતી, આરોગ્ય, પાણી, વીજળી અને અર્થતંત્ર સાથે જોડાયેલા જોખમોની તૈયારી માટે ઉચ્ચસ્તરીય આંતરમંત્રાલય સમીક્ષા હાથ ધરી છે.
વર્ષ ૨૦૨૩-૨૪ના શક્તિશાળી અલ નીનોએ વર્ષ ૨૦૨૪ને નોંધાયેલું સૌથી ગરમ વર્ષ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ વખતે ખતરો વધુ ગંભીર હોવાથી હવામાન સંસ્થાઓ, સરકારો અને માનવતાવાદી તંત્રને વહેલી ચેતવણી, જોખમ વ્યવસ્થાપન તથા જીવન-આજીવિકા બચાવવાની તૈયારીઓ તાત્કાલિક મજબૂત કરવા જણાવાયું છે.
(9:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
