<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

છ મહિનામાં દુનિયાના ૧૬ દેશોમાં ભૂખમરો મોઢુ ફાડશે

મોંઘવારીનો માર અને યુદ્ધની આગ વચ્‍ચે બે ટંકના ભોજનના પણ ફાંફાં! યમન, સુદાન, ગાઝા, અફઘાનિસ્‍તાન, પાકિસ્‍તાન, ઈરાન, લેબનોન, સીરિયા અને ઇરાક સહિતના દેશોમાં ખાદ્ય સંકટ વધી શકે છે

ન્‍યુ યોર્ક,તા.૨૮: વિશ્વના અનેક દેશોમાં યુદ્ધ, મોંઘવારી અને કુદરતી આફતોના કારણે સામાન્‍ય લોકોની મુશ્‍કેલીઓ વધી રહી છે. હવે આ સ્‍થિતિ વચ્‍ચે ભૂખમરાનું જોખમ પણ ગંભીર બની રહ્યું છે. સંયુક્‍ત રાષ્ટ્ર (UN)એ ચેતવણી આપી છે કે આગામી છ મહિનામાં દુનિયાના ઓછામાં ઓછા ૧૬ દેશોમાં ભૂખમરાની સ્‍થિતિ વધુ ખરાબ થઈ શકે છે. આ સંકટની સૌથી વધુ અસર ગરીબ અને યુદ્ધગ્રસ્‍ત વિસ્‍તારોમાં રહેતા લોકો પર પડવાની આશંકા છે.

યુએનના ફૂડ એન્‍ડ એગ્રીકલ્‍ચર ઓર્ગેનાઇઝેશન (FAO) અને વર્લ્‍ડ ફૂડ પ્રોગ્રામ (WFP)ના રિપોર્ટમાં આ ચિતા વ્‍યક્‍ત કરવામાં આવી છે. રિપોર્ટ મુજબ યમન, સુદાન, ગાઝા, અફઘાનિસ્‍તાન, પાકિસ્‍તાન, ઈરાન, લેબનોન, સીરિયા અને ઇરાક સહિતના દેશોમાં ખાદ્ય સંકટ વધી શકે છે. મધ્‍યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ, લોકોનું સ્‍થળાંતર, મદદ પહોંચવામાં મુશ્‍કેલી અને અલ નીનોની અસરને કારણે સ્‍થિતિ વધુ ગંભીર બની રહી છે.

ભૂખમરાનું એક મોટું કારણ સતત ચાલી રહેલા યુદ્ધો છે. અનેક વિસ્‍તારોમાં ઘેરાબંધીને કારણે લોકોને ખાવા-પીવાની વસ્‍તુઓ અને જરૂરી મદદ મળી શકતી નથી. બીજી તરફ ઇંધણના ભાવ વધવાથી ખેતી, પરિવહન અને ખાદ્ય સામગ્રીની કિમતમાં વધારો થયો છે. અલ નીનોની અસરથી વરસાદ અને હવામાનમાં ફેરફાર થતાં પાકનું ઉત્‍પાદન પણ ઘટવાની આશંકા છે. આ તમામ કારણો મળીને ખાદ્ય સંકટને વધુ ગંભીર બનાવી રહ્યા છે.

રિપોર્ટ મુજબ ગાઝામાં યુદ્ધવિરામ બાદ પણ સામાન્‍ય લોકોની મુશ્‍કેલીઓ ઓછી થઈ નથી. ત્‍યાંની મોટી વસ્‍તી ખોરાકની અછતનો સામનો કરી રહી છે. બીજી તરફ સુદાનમાં લગભગ બે કરોડ લોકો ભૂખમરાના જોખમ હેઠળ છે. ખાસ કરીને દક્ષિણ દારફુરના વિસ્‍થાપિત લોકોની સ્‍થિતિ અત્‍યંત ખરાબ છે. લોકો પાસે પૂરતું ભોજન અને જરૂરી સુવિધાઓ ઉપલબ્‍ધ નથી. યમનમાં પણ સરકારી નિયંત્રણ હેઠળના વિસ્‍તારોમાં લાખો લોકો ખાદ્ય સંકટનો સામનો કરી રહ્યા છે.

યમનમાં પણ સંઘર્ષ સતત વધી રહ્યો છે. હુથીઓના આરોગ્‍ય મંત્રાલયના જણાવ્‍યા અનુસાર, દક્ષિણ-પヘમિ યમનના ગીચ વિસ્‍તારમાં થયેલા હુમલામાં ૧૧ લોકોનાં મોત થયા હતા, જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. યુદ્ધ, મોંઘવારી અને ખાદ્ય પુરવઠાની સમસ્‍યા યથાવત રહેશે તો આગામી સમયમાં લાખો લોકો માટે બે ટંકનું ભોજન મેળવવું પણ મુશ્‍કેલ બની શકે છે

(11:31 AM IST)