<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

મેક્સિકોના પ્રશાંત કાંઠે ‘મેરી’ વાવાઝોડું બન્યું ખતરનાક : કલાકના ૧૫૦ કિલોમીટરના પવનથી દરિયાકાંઠે ચિંતા

કેટેગરી-૧ના વાવાઝોડાથી ભારે વરસાદ-ઊંચા મોજાની ચેતવણી : બાજા કેલિફોર્નિયા સહિત અનેક રાજ્યોમાં તંત્ર સતર્ક

મેક્સિકો : પૂર્વ પ્રશાંત મહાસાગરમાં ‘મેરી’ વાવાઝોડું કેટેગરી-૧માં ફેરવાયું છે અને કેટલાક મેક્સિકન રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે.

મેક્સિકોના પશ્ચિમ ભાગમાં હવામાન ફરી ચિંતાજનક બન્યું છે. પૂર્વ પ્રશાંત મહાસાગરમાં સર્જાયેલું ‘મેરી’ વાવાઝોડું કેટેગરી-૧ના ચક્રવાતમાં પરિવર્તિત થયું છે. વાવાઝોડામાં સતત પવનની ઝડપ આશરે કલાકના ૧૫૦ કિલોમીટર સુધી નોંધાઈ છે.

વાવાઝોડું બાજા કેલિફોર્નિયા સુરના કાબો સાન લુકાસથી દક્ષિણ-પશ્ચિમ દિશામાં દરિયામાં આગળ વધી રહ્યું છે. હાલ તે મેક્સિકોના મુખ્ય ભૂભાગથી દૂર જવાની દિશામાં હોવાનું જણાવાયું છે, છતાં તેના પરોક્ષ પ્રભાવથી ભારે વરસાદ, તેજ પવન અને ઊંચા મોજાનું જોખમ યથાવત્ છે.

બાજા કેલિફોર્નિયા સુર ઉપરાંત નાયારિત, જાલિસ્કો, કોલિમા અને મિચોઆકાનના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. દરિયાકાંઠે મોજાં આશરે સાડા ત્રણ મીટર સુધી ઊંચા ઉછળી શકે તેવી ચેતવણી આપવામાં આવી છે.

કેટલાક વિસ્તારોમાં સાવચેતીના ભાગરૂપે શૈક્ષણિક પ્રવૃત્તિઓ ઉપર પણ અસર પડી છે. સ્થાનિક તંત્ર લોકોને દરિયાકિનારા અને નીચાણવાળા વિસ્તારોમાંથી દૂર રહેવા તેમજ સત્તાવાર હવામાન સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી રહ્યું છે.

(12:01 PM IST)