હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પટનામાં પત્નીને ટ્રિપલ તલાક આપનાર પતિને બે વર્ષની કડક કેદની સજા: કોર્ટે ફટકાર્યો આકરો દંડ
પટના જિલ્લાનો પ્રથમ ઐતિહાસિક ચુકાદો, એસિડ ફેંકવાના આરોપમાંથી મુક્ત કરાયેલો પતિ હાઇકોર્ટના દરવાજા ખટખટાવવાની તૈયારીમાં

પટના : બિહારની રાજધાની પટનાની એક અદાલતે પત્નીને ગેરકાયદેસર રીતે ટ્રિપલ તલાક આપવાના ચર્ચિત કેસમાં આકરો ચુકાદો સંભળાવતા દોષિત પતિને બે વર્ષની સખત કેદની સજા ફટકારી છે. એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ રાજીવ રંજન સહાયે ગુરુવારે આરોપી નૌશાદ અહેમદને મુસ્લિમ મહિલા (લગ્ન અધિકારોનું રક્ષણ) અધિનિયમ, ૨૦૧૯ તેમજ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૨૩ અને ૩૪૧ હેઠળ દોષિત ઠેરવી ૬,૫૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે, જે દંડ ન ભરવાના કિસ્સામાં આરોપીને વધારાની એક મહિનો અને ૨૨ દિવસની જેલ સજા ભોગવવી પડશે.
આ ઘટનાની વિગતો અનુસાર, સિમરી ગામના રહેવાસી નૌશાદ અહેમદ સામે સપ્ટેમ્બર ૨૦૨૨માં ફુલવારી શરીફ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ હતી, જેમાં ૨૧ વર્ષના લગ્નજીવન અને ત્રણ બાળકો હોવા છતાં ૫ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ તેણે પત્નીને ટ્રિપલ તલાક સંભળાવી દીધા હતા. પીડિતાએ પતિ પર હુમલો કરવા અને એસિડ ફેંકવાનો પ્રયાસ કરવાનો પણ ગંભીર આરોપ મૂક્યો હતો. પોલીસે ૩૧ જુલાઈ ૨૦૨૩ના રોજ ચાર્જશીટ રજૂ કરી હતી, જોકે અદાલતે પુરાવાના અભાવે આરોપીને એસિડ હુમલાના પ્રયાસના આરોપમાંથી મુક્ત જાહેર કર્યો હતો.
બીજી તરફ, આરોપી નૌશાદ અહેમદના વકીલ શેખર કુમારે આ ચુકાદા અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે ફરિયાદ પક્ષ ગંભીર આરોપો સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો હોવા છતાં અન્ય કલમો હેઠળ દોષિત ઠેરવવાનો નિર્ણય આશ્ચર્યજનક છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમનો અસીલ હાલ જામીન પર મુક્ત છે અને કોર્ટના આદેશની સત્તાવાર નકલ મળ્યા બાદ આ નીચલી કોર્ટના નિર્ણયને હાઇકોર્ટમાં પડકારવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે પટના જિલ્લામાં ટ્રિપલ તલાક કાયદા હેઠળ દોષિત ઠેરવવાની આ પ્રથમ ઐતિહાસિક ઘટના બની છે. કેન્દ્ર સરકાર દ્વારા જુલાઈ ૨૦૧૯માં સંસદના બંને ગૃહોમાંથી આ બિલ પસાર કરીને તલાક-એ-બિદ્દતને ગેરકાયદેસર અને રદબાતલ ઠેરવી મહત્તમ ૩ વર્ષ સુધીની કેદની જોગવાઈ અમલી બનાવવામાં આવી હતી, ત્યારે હવે આરોપી પક્ષ દ્વારા હાઇકોર્ટમાં અપીલ દાખલ કરવાની કાયદાકીય તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
