<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

વ્યભિચાર સાબિત કરવા માટે પતિના મોબાઈલ કોલ ડિટેલ્સ અને હોટેલ રોકાણની વિગતો મેળવવી એ પ્રાઇવસીનું ઉલ્લંઘન નથી : ફેમિલી કોર્ટ અને હાઈકોર્ટના આદેશને કોર્ટે રાખ્યો અકબંધ

સુપ્રીમ કોર્ટે ‘રાઈટ ટુ પ્રાઈવસી’નો દાવો ફગાવી પત્નીની તરફેણમાં આપ્યો ઐતિહાસિક ચુકાદો

નવી દિલ્હી:  પતિ-પત્નીના પવિત્ર સંબંધો, લગ્નેત્તર સંબંધો અને બંધારણીય ગોપનીયતાના અધિકાર  ને લઈને સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને નવો દાખલો બેસાડતો ચુકાદો આપ્યો છે. આ ચોંકાવનારા કિસ્સામાં, જ્યારે એક પત્નીએ તેના પતિને જયપુરની એક હોટલમાં અન્ય સ્ત્રી સાથે રંગેહાથ પકડી પાડી પુરાવા માંગ્યા, ત્યારે પતિએ પોતાની અંગત વિગતો છુપાવવા માટે કાયદાનો આશરો લીધો હતો. તે મામલો છેક દેશની સર્વોચ્ચ અદાલત સુધી પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે બંધારણની કલમ ૨૧ હેઠળ દરેક નાગરિકને ગોપનીયતાનો અધિકાર ચોક્કસ છે, પરંતુ કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનસાથી સાથે કરેલી છેતરપિંડી કે વ્યભિચારને છુપાવવા માટે આ અધિકારનો દુરુપયોગ કરી શકે નહીં.

આ હાઈપ્રોફાઈલ કાનૂની લડાઈની શરૂઆત વર્ષ ૧૯૯૮ માં થયેલા લગ્નથી થઈ હતી, જેમના ઘરે ૨૦૦૦ માં એક પુત્રીનો જન્મ થયો હતો. લગ્નના થોડા સમય બાદ પત્નીને શંકા ગઈ કે તેનો પતિ કોઈ અન્ય મહિલા સાથે પ્રેમ સંબંધમાં છે અને તેની સાથે હોટલમાં રોકાયો છે. પોતાના પતિની બેવફાઈ સાબિત કરવા અને વ્યભિચારના આધારે છૂટાછેડા મેળવવા માટે પત્નીએ ફેમિલી કોર્ટમાં અરજી કરીને પતિના મોબાઈલ કોલ રેકોર્ડ (CDR) અને હોટલ બુકિંગની વિગતો માંગી હતી. ફેમિલી કોર્ટે પત્નીની માંગ સ્વીકારી લીધી હતી, જેની સામે પતિએ એવી દલીલ કરી હતી કે આ પ્રકારની અંગત માહિતી સાર્વજનિક કરવી એ તેની પ્રાઈવસી પર સીધો ત્રાપ છે.

જો કે, ફેમિલી કોર્ટ બાદ દિલ્હી હાઈકોર્ટ અને અંતે સુપ્રીમ કોર્ટે પણ પતિની આ બચાવની દલીલોને સદંતર ફગાવી દીધી છે. ન્યાયાધીશ મનમોહન અને કે. વિનોદ ચંદ્રનની બેન્ચે નીચલી અદાલતોના આદેશને માન્ય રાખતા ચુકાદો આપ્યો કે ન્યાય અને પરિવારની સુખાકારીના હિતમાં ગોપનીયતાના અધિકાર પર તાર્કિક પ્રતિબંધો લગાવી શકાય છે. અદાલતે સ્પષ્ટ કર્યું કે, જ્યારે વાત જીવનસાથીને વ્યભિચારી સાબિત કરવાની હોય, ત્યારે કોઈ પણ વ્યક્તિ પોતાના હોટલ રોકાણ કે કોલ ડિટેલ્સ છુપાવવા કાયદાકીય કવચ મેળવી શકે નહીં. આ ઐતિહાસિક ચુકાદાથી હવે વૈવાહિક વિવાદોમાં છેતરપિંડી આચરતા ગુનેગારો માટે કાયદાનો દુરુપયોગ કરવાનું મુશ્કેલ બનશે.

(7:12 PM IST)