<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

હું ગેંગસ્ટર છું, તારી સાથે જ લગ્ન કરીશઃ ઇટાવામાં સાગરીતો સાથે પહોંચેલા યુવકનો યુવતીને બળજબરીપૂર્વક ઉઠાવી જવાનો પ્રયાસ, એસિડ ફેંકવાની ધમકી

૧૯ વર્ષની યુવતીને એક વર્ષથી પરેશાન કરતો હોવાનો આરોપઃ પિતા અને ભાઈ સાથે પણ મારામારી, ગ્રામજનોએ યુવતીને બચાવી, પોલીસ ફરિયાદ નોંધાઈ

ઇટાવા :ઉત્તરપ્રદેશના ઇટાવા જિલ્લાના જસવંતનગર પોલીસ મથકની હદમાં એક યુવતીને બળજબરીપૂર્વક લગ્ન કરવા માટે દબાણ કરવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.

૧૯ વર્ષીય યુવતીએ નીખિલ નામના ૨૫ વર્ષીય યુવક ઉપર છેલ્લા એક વર્ષથી પોતાને પરેશાન કરવાનો આરોપ મૂક્યો છે. લગ્ન કરવા તૈયાર નહીં થાય તો ચહેરા ઉપર એસિડ ફેંકવાની ધમકી અપાઈ હોવાનો પણ તેનો આક્ષેપ છે.

આરોપી પોતાના સાગરીતો સાથે યુવતીના ઘરે પહોંચ્યો હતો અને તેને બળજબરીપૂર્વક લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીના પિતા અને ભાઈએ વિરોધ કરતાં તેમની સાથે પણ મારામારી કરાઈ હોવાનો આરોપ છે.

યુવતીનાં લગ્ન અન્યત્ર નક્કી થઈ ચૂક્યાં છે. ગ્રામજનોની દરમિયાનગીરીથી યુવતીને બચાવી લેવાઈ હતી. પોલીસ અધિક્ષક બબીતા સિંહે ફરિયાદના આધારે તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. 

 

(7:53 PM IST)