News of Friday, 1st May 2026
"ચેલો તો તમારો જ છું": મધ્યપ્રદેશ કોંગ્રેસમાં દિગ્વિજય સિંઘે જીતૂ પટવારીને આપી ખાસ શિખામણ, મંચ પર જાહેરમાં જામી 'ગુરુ-ચેલા'ની જુગલબંધી
સંગઠનમાં વાલ્મીકિ અને મસોઢ સમાજને સ્થાન આપવા સલાહ: દિગ્વિજયે કહ્યું- 'તમારી પકડ દિલ્હી સુધી છે', જીતૂ પટવારીના વળતા જવાબથી હાસ્યનું મોજું ફરી વળ્યું

ભોપાલ, તા.૦૧: મધ્યપ્રદેશ કોંગ્રેસની એસસી (SC) સેલની બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંઘ અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ (PCC Chief) જીતૂ પટવારી વચ્ચે મંચ પર રસપ્રદ નોકઝોક જોવા મળી હતી. આ કાર્યક્રમ દરમિયાન દિગ્વિજય સિંઘે જીતૂ પટવારીને સંગઠનમાં નિમણૂકો બાબતે મહત્વની સલાહ આપી હતી. તેમણે ટકોર કરી હતી કે, પ્રદેશ કોંગ્રેસ કમિટીમાં વાલ્મીકિ અને મસોઢ સમાજનો કોઈ સભ્ય નથી, તેથી આગામી નિમણૂકોમાં આ સમાજના લોકોને પણ સ્થાન મળવું જોઈએ.
'દિલ્હીમાં તમારી પકડ મજબૂત છે' જીતૂ પટવારીને શિખામણ આપતા દિગ્વિજય સિંઘે હળવા અંદાજમાં કહ્યું કે, "જીતૂ પટવારીની પકડ દિલ્હીમાં એટલી મજબૂત છે કે તેઓ કે.સી. વેણુગોપાલ પાસે ગમે તે લખાવી શકે છે અને તેમને ગમે તે વાત માટે સહમત કરી શકે છે". આ સાંભળીને જીતૂ પટવારીએ તુરંત જ જવાબ આપ્યો હતો કે, "સાહેબ, ચેલો તો તમારો જ છું ને!". પટવારીના આ નિવેદન પર દિગ્વિજય સિંઘે વળતો પ્રહાર કરતા કહ્યું કે, "ચેલો તો ખાંડ (શક્કર) થઈ ગયો અને ગુરુ ગોળ જ રહી ગયા".
મોટા સંગઠનાત્મક ફેરફારના સંકેત મંચ પરથી થયેલી આ મીઠી નોકઝોકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે, દિગ્વિજય સિંઘની આ સલાહ બાદ મધ્યપ્રદેશ કોંગ્રેસમાં જલ્દી જ મોટા સંગઠનાત્મક ફેરફારો જોવા મળી શકે છે. ખાસ કરીને પછાત અને વંચિત સમાજને પક્ષના માળખામાં પ્રતિનિધિત્વ આપવાની દિશામાં જીતૂ પટવારી કોઈ મોટો નિર્ણય લઈ શકે છે.
ભાજપનો આક્ષેપ અને કોંગ્રેસનો બચાવ કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ વચ્ચેની આ જુગલબંધી પર ભારતીય જનતા પાર્ટીએ આકરા પ્રહાર કર્યા છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસના નેતાઓમાં શિસ્તનો અભાવ છે અને તેઓ જાહેરમાં એકબીજા પર કટાક્ષ કરી રહ્યા છે. બીજી તરફ, કોંગ્રેસે બચાવ કરતા જણાવ્યું કે આ કોઈ જૂથબંધી નથી, પરંતુ બંને નેતાઓ વચ્ચેના સૌહાર્દપૂર્ણ સંબંધો અને હસી-મજાકનો ભાગ છે. આ ઘટના બાદ હવે મધ્યપ્રદેશના રાજકારણમાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે.
(5:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
