<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th September 2026

‘ટ્રમ્પનો વિચાર લઈને ભારત આવ્યો છું, હવે પરિણામ પર ફોકસ’: બેંગલુરુમાં બોલ્યા અમેરિકી રાજદૂત સર્જિયો ગોર

અમેરિકાની આઝાદીના ૨૫૦ વર્ષ અને ભારત-યુએસ ભાગીદારીની ઉજવણી વચ્ચે રાજદૂતે દ્વિપક્ષીય સંબંધો, ડિફેન્સ, એરોસ્પેસ અને ટ્રસ્ટ ફેલોશિપ પર આપ્યો ખાસ ભાર

બેંગલુરુ, તા.૦૭:  કર્નાટકની રાજધાની બેંગલુરુમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે ભારત અને અમેરિકાના સંબંધોને લઈને એક અત્યંત મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમને ભારતમાં ખાસ વિઝન સાથે મોકલ્યા છે. તેમનો મુખ્ય ઉદ્દેશ ભૂતકાળની વાતો કરવાને બદલે ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરીને બંને દેશો માટે નક્કર અને વાસ્તવિક પરિણામો મેળવવાનો છે. અમેરિકાની સ્વતંત્રતાના ૨૫૦ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી ટાણે તેમણે ઉમેર્યું કે આ સમય માત્ર ઉત્સવ મનાવવાનો નથી, પરંતુ બંને દેશોના લોકો માટે પ્રગતિના નવા દ્વાર ખોલવાનો છે. 

ટેકનોલોજી હબ બેંગલુરુના મુક્તકંઠે વખાણ કરતા અમેરિકી રાજદૂતે કહ્યું કે, "આ એક એવું શહેર છે જે રાહ જોવામાં સમય બગાડવાને બદલે કામ કરે છે અને પરિણામ આપે છે." અમેરિકી પ્રશાસન પણ અત્યારે આ જ વિઝન સાથે આગળ વધી રહ્યું છે. પ્રમુખ ટ્રમ્પ અને ભારત વચ્ચેનો સહયોગ પરસ્પર લાભ (Win-Win)ના સિદ્ધાંત પર આધારિત છે. દર અઠવાડિયે બંને દેશો માટે એવી નવી તકો શોધવામાં આવી રહી છે જેનાથી વેપાર, એરોસ્પેસ અને સંરક્ષણ જેવા ક્ષેત્રોને નવો વેગ મળી શકે. 

દ્વિપક્ષીય સહયોગ અંગે વાત કરતા ગોરે ભારપૂર્વક જણાવ્યું કે ભારત જેટલી લશ્કરી કવાયતો (મિલિટરી એક્સરસાઇઝ) અમેરિકા સાથે કરે છે, તેટલી વિશ્વના અન્ય કોઈ દેશ સાથે કરતું નથી. આ સિવાય સ્પેસ રિસર્ચ અને ડિફેન્સ ટેકનોલોજીમાં પણ ભાગીદારી સતત મજબૂત થઈ રહી છે. તેમણે 'TRUST ફેલોશિપ'નો વિશેષ ઉલ્લેખ કરતા તેને ૨૧મી સદીને નવી દિશા આપનારી ક્રાંતિકારી ભાગીદારી ગણાવી હતી, જે હેઠળ બંને દેશોના ટોચના સંશોધકો (રિસર્ચર્સ) એકસાથે મળીને ક્રિટીકલ ટેકનોલોજી પર કામ કરશે. 

વિશ્વની બે સૌથી મોટી લોકશાહીઓ (ભારત અને અમેરિકા) વચ્ચે વધતી આ સઘન ભાગીદારી આવનારા સમયમાં ગ્લોબલ સપ્લાય ચેઈન અને એશિયા-પેસિફિક વિસ્તારની સુરક્ષા પર પ્રભાવશાળી અસર પાડશે.

(3:52 PM IST)