<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

નાલસારનું આમંત્રણ સ્વીકાર્યું જ નહોતું, એટલે દીક્ષાંત સમારોહમાં જવાનો સવાલ નથીઃ મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે વિવાદનો છેદ ઉડાડ્યો

વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે બાર કાઉન્સિલે નોંધણી રોકવાની ધમકી આપી, સર્વોચ્ચ અદાલતે કહ્યું બાર કાઉન્સિલને કાયદાના વિદ્યાર્થીઓની ઉપરવટ જવાની સત્તા જ નથી: શાંતિપૂર્ણ વિરોધ વિદ્યાર્થીઓનો અધિકારઃ નાલસાર પ્રકરણમાં મુખ્ય ન્યાયાધીશે સંવાદની તરફેણ કરી, બાર કાઉન્સિલની કાર્યવાહી અધિકારવિહોણી ઠરાવી દીધી આખરે

નવી દિલ્હી:  ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે હૈદરાબાદની નાલસાર કાયદા યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ બનવાનું આમંત્રણ સ્વીકાર્યું હોવાના અહેવાલો અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું હતું કે આમંત્રણ માટે ક્યારેય સંમતિ આપી નહોતી, તેથી સમારોહમાં હાજરી આપવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી.

યુનિવર્સિટીના ચારસોથી વધુ વિદ્યાર્થીઓએ મુખ્ય ન્યાયાધીશને આમંત્રિત કરવાની સંભાવનાનો વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓએ તાજેતરનાં વિદ્યાર્થી આંદોલન અને પોલીસ કાર્યવાહી સંબંધિત સુનાવણી દરમિયાન થયેલી કેટલીક ટિપ્પણીઓ સામે વાંધો વ્યક્ત કર્યો હતો. જોકે તેમણે દીક્ષાંત સમારોહનો બહિષ્કાર કરવાની કે કાર્યક્રમમાં વિક્ષેપ ઊભો કરવાની જાહેરાત કરી નહોતી.

વિવાદમાં ભારતીય બાર કાઉન્સિલે પ્રવેશ કરીને રાજ્ય બાર કાઉન્સિલોને નાલસારના વર્ષ ૨૦૨૬ના સ્નાતકોની વકીલ તરીકે નોંધણી નહીં કરવા સૂચના આપી હતી. બાદમાં આ નિર્ણય પાછો ખેંચી કાર્યવાહી બંધ કરવામાં આવી હતી. મુખ્ય ન્યાયાધીશે બાર કાઉન્સિલની દખલને બિનજરૂરી ગણાવી જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ રીતે પોતાનો મત વ્યક્ત કરવાનો અધિકાર છે અને મતભેદનો ઉકેલ સંવાદથી આવવો જોઈએ.

તા. ૩ સપ્ટેમ્બરે સર્વોચ્ચ અદાલતે વધુ સ્પષ્ટ કર્યું કે વકીલ તરીકે નોંધણી થાય તે પહેલાં કાયદાના વિદ્યાર્થીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી કરવાની સત્તા બાર કાઉન્સિલને નથી. ત્રણ ન્યાયમૂર્તિઓની પીઠે જણાવ્યું કે વિદ્યાર્થી સામે પગલાં લેવાની સત્તા સંબંધિત શૈક્ષણિક સંસ્થા અથવા તેના નિયમો હેઠળ નિર્ધારિત સત્તાધિકારી પાસે રહે છે. બાર કાઉન્સિલના વિવાદાસ્પદ પત્રોને અધિકારક્ષેત્ર વિનાના ઠરાવવામાં આવ્યાં છે.

(11:03 PM IST)