<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

'હું ફક્ત પિતાની સેવા કરવા આવી છું': બિહારમાં RJDનું નેતૃત્વ સંભાળવાની ચર્ચા અંગે રોહિણી આચાર્યની સ્પષ્ટતા

આગળ લાંબુ જીવન પડ્યું છે, ભવિષ્ય વિશે અત્યારથી કંઈ ન કહી શકાય": સોશિયલ મીડિયા પર ચાલતી અટકળોને લાલુ યાદવની પુત્રીએ ફગાવી

પટના:  બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળ  ના સુપ્રિમો લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ પટના ખાતે માધ્યમો સાથેની ખાસ વાતચીતમાં પક્ષનું નેતૃત્વ સંભાળવા અંગે ચાલતી ચર્ચાઓ અને અટકળો પર વિરામ મૂક્યો છે. સોશિયલ મીડિયા પર ચાલતી વિવિધ ચર્ચાઓ અંગે સ્પષ્ટતા કરતા રોહિણીએ જણાવ્યું હતું કે તેઓ માત્ર પોતાના પિતાના સ્વાસ્થ્યની સંભાળ રાખવા અને તેમની સેવા કરવા માટે બિહાર આવ્યા છે, નેતૃત્વ સંભાળવાની કે રાજકારણમાં સક્રિય થવાની આવી કોઈ વાત નથી.

રોહિણી આચાર્યએ પોતાના પટના આગમન અંગે વિગત આપતાં જણાવ્યું કે, પિતા લાલુ પ્રસાદ યાદવ લાંબા સમયથી તેમને બોલાવી રહ્યા હતા પરંતુ સમયના અભાવે તેઓ આવી શક્યા ન હતા. હવે સમય મળતાં જ તેઓ પિતાની સંભાળ રાખવા અને તેમની સાથે સમય વિતાવવા આવ્યા છે. તેઓ સવારની મોર્નિંગ વોકથી લઈને રાત્રિના ભોજન સુધી ૨૪ કલાક પિતાની સેવામાં સમર્પિત છે. ભવિષ્યમાં રાજકારણમાં પ્રવેશવા અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે આગળ ઘણું લાંબુ જીવન પડ્યું છે અને અત્યારે તેમની પ્રથમ પ્રાથમિકતા માતા-પિતાની સેવા કરવાની છે. ભવિષ્યમાં શું થશે તે અત્યારથી કહી શકાય નહીં.

સોશિયલ મીડિયા પર સક્રિય રહેવા અને રાજકીય ટિપ્પણીઓ કરવા અંગે રોહિણીએ ઉમેર્યું કે, કોઈપણ ભારતીય ભલે ગમે ત્યાં રહેતો હોય, તે પોતાના દેશ અને રાજ્યના વિકાસ માટે ચિંતિત રહે તે સ્વાભાવિક છે. તેમણે રાજકારણ પર વધુ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો પરંતુ દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોને પોતાનું ૧૦૦% સમર્થન જાહેર કર્યું હતું. નોંધનીય છે કે અગાઉ RJD દ્વારા ૬ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી ત્યારે રોહિણી આચાર્યની નારાજગી અને આરોપોને લઈને ભારે રાજકીય ચર્ચાઓ જાગી હતી.

(7:53 PM IST)