<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

મને મારો પતિ નહીં, દિયર પસંદ છેઃ ખોળામાં છોકરું લઈને મહિલા લગ્ન કરવા માટે મંડપમાં પહોંચીઃ પતિએ પણ સાથ આપ્‍યો

આ ઘટના છે ઉત્તર પ્રદેશના બાગપતમાં મુખ્‍યમંત્રી સામૂહિક વિવાહ યોજનાની જ્‍યાં એક મહિલા પોતાના પતિ અને ખોળામાં છોકરું લઈને સામૂહિક વિવાહ માટે અરજી કરવા આવી

બાગપત તા.૩૧: ખોળામાં છોકરું, સાથે પતિ અને મહિલાએ એવી ડિમાન્‍ડ કરી કે સૌ કોઈ ચોંકી ગયા. આ ઘટના છે ઉત્તર પ્રદેશના બાગપતમાં મુખ્‍યમંત્રી સામૂહિક વિવાહ યોજનાની જ્‍યાં એક મહિલા પોતાના પતિ અને ખોળામાં છોકરું લઈને સામૂહિક વિવાહ માટે અરજી કરવા આવી હતી. પણ લગ્ન તેને પોતાના પતિ સાથે નહીં પણ તેના નાના ભાઈ એટલે કે પોતાના જ દિયર સાથે કરવા હતા. આ બધાની વચ્‍ચે સૌથી ચોંકાવનારી વાત એ હતી કે મહિલાનો પતિ પણ તેના આ નિર્ણયમાં તેને સાથ આપી રહ્યો હતો અને તેણે અધિકારીઓને ત્‍યાં સુધી કહ્યું કે, મારી પત્‍નીને હું નહીં મારો નાનો ભાઈ પસંદ છે.

હકીકતમાં જોઈએ તો, મુખ્‍યમંત્રી સામૂહિક વિવાહ યોજના અંતર્ગત લગ્ન માટે મળેલી અરજીઓની તપાસ થઈ રહી છે. આ દરમ્‍યાન અધિકારીઓ સામે આ મામલો આવ્‍યો. તપાસમાં જાણવા મળ્‍યું કે, મહિલા પહેલાથી પરિણીત છે અને તેને એક બાળક પણ છે. તેમ છતાં તે આ યોજના અંતર્ગત પોતાના દિયર સાથે લગ્ન કરવા માગતી હતી. જ્‍યારે અધિકારીઓએ તેને પૂછ્‍યું કે, પહેલો પતિ હોવા છતાં તે બીજા લગ્ન કેવી રીતે કરી શકે છે, તો મહિલાએ જણાવ્‍યું કે, ગામમાં પંચાયત સામે તેમના છૂટાછેડા થઈ ચૂક્‍યા છે.

મહિલાએ અધિકારીઓને જણાવ્‍યું કે, ગામમાં પંચાયત બેઠી હતી અને પંચોએ તેના અને તેના પતિના છૂટાછેડા કરી દીધા હતા. તેના પુરાવા તરીકે તેણે સાદા કાગળ પર લખેલો પંચાયતનો ચુકાદો પણ દેખાડ્‍યો. મહિલાનું કહેવું હતું કે તેને પોતાનો પતિ પસંદ નથી અને તે દિયર સાથે લગ્ન કરવા માગે છે.

આ મામલામાં સૌથી નવાઈની વાત એ હતી કે જ્‍યારે મહિલા સાથે આવેલા તેના પતિએ પણ તેની વાતમાં સહમતિ દર્શાવી. તેણે અધિકારીઓને કહ્યું કે, પત્‍ની સાચું બોલી રહી છે. તેને હું નહીં પણ મારો નાનો ભાઈ પસંદ છે. પતિએ પણ દાવો કર્યો કે, થોડા દિવસ પહેલા પંચાયતમાં બંનેના છૂટાછેડા થઈ ચૂક્‍યા છે. જો કે અધિકારીઓએ સ્‍પષ્ટ કરી દીધું કે પંચાયતમાં થયેલો નિર્ણય કાનૂની છૂટાછેડા માનવામાં આવતા નથી. બીજા લગ્ન માટે કાનૂની પ્રક્રિયા અંતર્ગત છૂટાછેડા થવા જોઈએ. મહિલા પાસે છૂટાછેડા સાથે જોડાયેલા કાનૂની દસ્‍તાવેજ નહોતા, એટલા માટે તેની અરજી ફગાવી દેવામાં આવી.

(10:40 AM IST)