<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

હું ખુદ પાકિસ્‍તાન જઈશઃ ઈરાન સાથે બીજી શાંતિ મંત્રણા પહેલા ટ્રમ્‍પનો મોટો ધડાકો

જો અંતિમ કરાર થશે તો પોતે હાજર રહી દુનિયાને ચોંકાવી દેશે અમેરિકી રાષ્‍ટ્રપતિ : ઈરાન પરમાણુ હથિયારો છોડવા અને યુરેનિયમ સોંપવા સહમત થયાનો ટ્રમ્‍પનો દાવો

ઇસ્‍લામાબાદ, તા.૧૭: અમેરિકી રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે ઈરાન સાથેના યુદ્ધનો અંત લાવવા માટે એક સનસનાટીભર્યું નિવેદન આપ્‍યું છે. વ્‍હાઇટ હાઉસથી લાસ વેગાસ જવા રવાના થતા પહેલા પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્‍પે સંકેત આપ્‍યો હતો કે જો ઈરાન સાથેનો શાંતિ કરાર અંતિમ તબક્કે પહોંચશે, તો તેઓ પોતે હસ્‍તાક્ષર કરવા માટે પાકિસ્‍તાનની મુલાકાત લેશે. તેમણે દાવો કર્યો હતો કે ઈરાન પોતાના પરમાણુ કાર્યક્રમને રોકવા અને સંવર્ધિત યુરેનિયમ સોંપવા માટે લગભગ તમામ શરતો પર સંમત થઈ ગયું છે. આ નિવેદન એવા સમયે આવ્‍યું છે જ્‍યારે ૨૮ ફેબ્રુઆરીએ શરૂ થયેલા યુએસ-ઈઝરાયેલ અને ઈરાન વચ્‍ચેના સંઘર્ષ બાદ ૨૧ એપ્રિલ સુધીના કામચલાઉ યુદ્ધવિરામનો અમલ ચાલુ છે.

આ શાંતિ પ્રક્રિયામાં પાકિસ્‍તાનની ભૂમિકા કિંગમેકર જેવી સાબિત થઈ રહી છે. ટ્રમ્‍પે પાકિસ્‍તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ અને આર્મી ચીફ જનરલ અસીમ મુનીરની ખુલ્લેઆમ પ્રશંસા કરતા કહ્યું કે તેઓ બંને દેશોને ટેબલ પર લાવવામાં મહાન કાર્ય કરી રહ્યા છે. ઇસ્‍લામાબાદમાં યોજાયેલી પ્રથમ રાઉન્‍ડની ૨૧ કલાક લાંબી મેરેથોન બેઠક અનિર્ણિત રહી હતી, જેમાં યુએસ વાઈસ પ્રેસિડેન્‍ટ જેડી વેન્‍સે મહત્‍વની ભૂમિકા ભજવી હતી. હવે આગામી સપ્તાહે બીજા રાઉન્‍ડની મંત્રણા ફરી ઇસ્‍લામાબાદમાં યોજાય તેવી પ્રબળ શકયતા છે. ટ્રમ્‍પે સ્‍પષ્ટ કર્યું કે જો ઇસ્‍લામાબાદમાં આ ઐતિહાસિક ડીલ ફાઈનલ થાય છે, તો તેઓ ત્‍યાં જવામાં જરાય અચકાશે નહીં.

વૈશ્વિક અર્થતંત્ર માટે આ કરાર ખૂબ જ મહત્‍વનો માનવામાં આવે છે, કારણ કે ટ્રમ્‍પના મતે આ ડીલ થવાથી સ્‍ટ્રેટ ઓફ હોર્મુઝ મુક્‍ત થશે અને તેલના ભાવમાં ધરખમ ઘટાડો આવશે. ટ્રમ્‍પે દાવો કર્યો કે તેઓ અમેરિકામાં મોંઘવારી અને ઈંધણના ભાવ ઘટાડવા માટે આ સમજૂતી વહેલી તકે પૂર્ણ કરવા માંગે છે. જોકે, પડકારો હજુ પણ યથાવત છે; યુએસ ઈરાન પર ૨૦ વર્ષ સુધી યુરેનિયમ સંવર્ધન પર -તિબંધ મૂકવા દબાણ કરી રહ્યું છે, જ્‍યારે ઈરાન હાલ માત્ર ૫ વર્ષ માટે તૈયાર છે. આ રાજદ્વારી ખેંચતાણ વચ્‍ચે, જો ટ્રમ્‍પ પાકિસ્‍તાનની મુલાકાતે જશે, તો તે દાયકાઓ પછી કોઈ અમેરિકી રાષ્‍ટ્રપતિની પાકિસ્‍તાનની પ્રથમ મુલાકાત હશે અને મધ્‍ય પૂર્વના રાજકારણમાં એક નવો વળાંક આવશે. 

 

(10:48 AM IST)