<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

'હવે ક્યારેય આઈટમ સોન્ગ નહીં કરું...': વિવાદિત ગીત મામલે નોરા ફતેહીએ મહિલા આયોગની રૂબરૂ માફી માંગી, અનાથ બાળકોના શિક્ષણનો ખર્ચ ઉઠાવવાની કરી જાહેરાત

'સરકે ચુનર' ગીતની અશ્લીલતા પર NCWનો સપાટો: સંજય દત્ત બાદ હવે નોરાએ પણ લેખિતમાં માફીનામું આપ્યું, મહિલાઓની ગરિમા જાળવવાનું આપ્યું વચન

નવી દિલ્હી, તા.૦૭: બોલિવૂડની ડાન્સિંગ ક્વીન નોરા ફતેહી તેના વિવાદિત આઈટમ સોન્ગ 'સરકે ચુનર'ને લઈને કાયદાકીય મુસીબતમાં ફસાઈ હતી. ગુરુવારે દક્ષિણ દિલ્હીમાં રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) સમક્ષ હાજર થઈને અભિનેત્રીએ પોતાના આ ગીત માટે લેખિતમાં માફી માંગી લીધી છે. નોરાએ આયોગને ખાતરી આપી છે કે ભવિષ્યમાં તે એવા કોઈ પણ આઈટમ સોન્ગમાં પરફોર્મ નહીં કરે જેનાથી સમાજમાં મહિલાઓ વિશે ખોટો સંદેશ જાય અથવા તેમની ગરિમાને ઠેસ પહોંચે.
આયોગના દફતરથી બહાર આવીને નોરાએ મીડિયા સાથે વાતચીત કરી હતી. તેણે જણાવ્યું કે તેનો ઈરાદો કોઈની લાગણી દુભાવવાનો નહોતો. પસ્તાવો વ્યક્ત કરતા નોરાએ આયોગ સમક્ષ એવી દરખાસ્ત પણ મૂકી છે કે તે કેટલાક અનાથ બાળકોના શિક્ષણનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે. ઉલ્લેખનીય છે કે, કન્નડ ફિલ્મ 'કેડી: ધ ડેવિલ'ના આ ગીતમાં અશ્લીલતા અને વાંધાજનક શબ્દોને લઈને મહિલા આયોગે સ્વતઃ સંજ્ઞાન લીધું હતું અને નોટિસ જારી કરી હતી.
સંજય દત્તે પણ ૫૦ આદિવાસી દીકરીઓની ભણાવવાની જવાબદારી લીધી
આ પહેલા ૨૭ એપ્રિલના રોજ અભિનેતા સંજય દત્ત પણ આ મામલે આયોગ સમક્ષ હાજર થયા હતા. સંજય દત્તે સફાઈ આપતા કહ્યું હતું કે શૂટિંગ સમયે આ ગીત કન્નડમાં હતું અને તેમને હિન્દી ડબિંગ વિશે કોઈ જાણકારી નહોતી. તેમણે પણ માફી માંગીને ૫૦ આદિવાસી દીકરીઓના શિક્ષણનો ખર્ચ ઉઠાવવાનું સોગંદનામું આપ્યું હતું. તે સમયે નોરા ગેરહાજર રહી હતી, જેથી આયોગે કડક વલણ અપનાવી તેને આજે હાજર થવા આદેશ આપ્યો હતો.
યુટ્યુબ પરથી ગીત હટાવી દેવાયું
આ વિવાદિત ગીતને લઈને સોશિયલ મીડિયા પર પણ ભારે ટીકાઓ થઈ હતી. મહિલા આયોગના અધ્યક્ષ વિજયા કે. રહાટકરે ગીતના શબ્દો પર ગંભીર વાંધો ઉઠાવતા કહ્યું હતું કે 'સર્જનાત્મકતાના નામે મહિલાઓની ગરિમા સાથે સમાધાન કરી શકાય નહીં.' વિવાદ વધતા પ્રોડક્શન કંપનીએ આ ગીતને યુટ્યુબ પરથી હટાવી દીધું છે. ગીતકાર રકીબ આલમ અને નિર્દેશક પ્રેમે પણ લેખિતમાં માફી માંગીને ભવિષ્યમાં મહિલા સશક્તિકરણ માટે કામ કરવાનું આશ્વાસન આપ્યું છે. પશ્ચિમ અને દક્ષિણ દિલ્હી સહિત દેશભરમાં આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

(5:07 PM IST)