<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

૧૮ કરોડના મનરેગા કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં ઘેરાયેલા IAS અધિકારી પૂજા સિંઘલની અરજી પર સુપ્રીમ કોર્ટમાં ૧૫ સપ્ટેમ્બરે મહત્ત્વની સુનાવણી

ઝારખંડ હાઈકોર્ટના આદેશ સામે સર્વોચ્ચ અદાલતમાં પડકાર: બે વર્ષથી વધુ જેલવાસ ભોગવનાર ૨૦૦૦ બેચના આઈએએસ અધિકારી સામે ઈડીની કાર્યવાહી યથાવત

નવી દિલ્હી : ચર્ચિત મનરેગા કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલા ઝારખંડના વિવાદાસ્પદ આઈએએસ (IAS) અધિકારી પૂજા સિંઘલની મુશ્કેલીઓમાં હજુ પણ ઘટાડો થયો નથી. ૧૮ કરોડ રૂપિયાના કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં ઝારખંડ હાઈકોર્ટના કોગ્નિઝન્સ ઓર્ડરને રદ કરવાની માગ કરતી અરજી સામે હવે આગામી ૧૫ સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટમાં મહત્ત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે, જેના પર સમગ્ર દેશી મીડિયાની નજર ટકેલી છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, સુપ્રીમ કોર્ટમાં આ મામલાની સુનાવણી ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત તેમજ ન્યાયાધીશ જયમલ્યા બાગચી અને વી. મોહનાની બનેલી વિશેષ બેન્ચ દ્વારા કરવામાં આવવાની સંભાવના છે. પૂજા સિંઘલે ઝારખંડ હાઈકોર્ટના તે આદેશને પડકાર્યો છે જેમાં તેમની મની લોન્ડરિંગ કેસ સામેની અરજી ફગાવી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ઝારખંડ ખાણ વિભાગના ભૂતપૂર્વ સચિવ રહેલાં પૂજા સિંઘલની મનરેગા યોજનાના અમલીકરણમાં કથિત રીતે સામે આવેલા ૧૮ કરોડ રૂપિયાના કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ૧૧ મે, ૨૦૨૨ના રોજ વ્યાપક દરોડા બાદ ધરપકડ કરવામાં આવી હતી.

 

લાંબો સમય એટલે કે બે વર્ષથી વધુ સમય સુધી જેલની હવા ખાધા બાદ ૨૦૦૦ બેચના આઈએએસ અધિકારી પૂજા સિંઘલને અગાઉ જામીન મળી ચૂક્યા છે, ત્યારબાદ તેમનું સસ્પેન્શન પણ રદ કરવામાં આવ્યું હતું. હવે સુપ્રીમ કોર્ટ આગામી ૧૫ સપ્ટેમ્બરે આ કેસમાં કયા પ્રકારનો આદેશ આપે છે અને કાનૂની લડાઈ કયા વળાંક પર જાય છે તે જોવું રહ્યું.

(9:48 PM IST)