<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

આઈડીબીઆઈ બેન્‍કને કેનેડાની ફેરફેક્‍સ હોલ્‍ડિંગ્‍સ રૂ.૫૩,૦૦૦ કરોડમાં ખરીદશે

ભારતીય બેન્‍કિંગ સેક્‍ટરમાં ઐતિહાસિક સોદો : કેન્‍દ્રને સોદા પેટે રૂ.૨૬,૬૨૦ કરોડની રકમ મળશે અને એલઆઈસીને પણ તેટલી જ રકમ મળશે

નવી દિલ્‍હી,તા.૧૬: ભારતીય બેન્‍કિંગ સેક્‍ટરમાં ઐતિહાસિક સોદો થયો છે. કેનેડાની ઈન્‍વેસ્‍ટમેન્‍ટ કંપની ફેરફેક્‍સ હોલ્‍ડિંગ્‍સે આઇડીબીઆઈ  બેન્‍કમાં મોટી હિસ્‍સેદારી માટે પોતાની બોલી વધારતા સરકારે તેને વેચવા તૈયાર થઈ છે. સૂત્રોના જણાવ્‍યા મુજબ સરકાર ફેરફેક્‍સને આઈડીબીઆઈ બેન્‍કમાં તેનો ૩૦.૪૧ ટકા હિસ્‍સો વેચવા સંમત થઈ ગઈ છે. તેના દ્વારા સરકારને ૨૬,૬૨૦ કરોડની રકમ મળશે.

એલઆઇસીનો પણ આઇડીબીઆઈ બેન્‍કમાં ૪૯ ટકા હિસ્‍સો છે અને તે પણ ૩૦.૨૪ ટકા હિસ્‍સો આ સોદા દ્વારા વેચશે. આમ ફેરફેક્‍સ લગભગ ૫૩ હજાર કરોડ (૫.૫ અબજ ડોલર)માં આ સોદો કરશે.

આ સોદો ભારતીય બેન્‍કિંગ સેક્‍ટરમાં કોઈપણ વિદેશી કંપનીનું અત્‍યાર સુધીનું સૌથી મોટું રોકાણ માનવામાં આવે છે. અહીં તે ઉલ્‍લેખ કરવો જરૂરી છે ક કેનેડિયન ઈન્‍વેસ્‍ટમેન્‍ટ ફર્મ ફેરફેક્‍સ હોલ્‍ડિંગ્‍સના માલિક ભારતીય મૂળના છે અને તેમનું નામ પ્રેમ વત્‍સ છે. આ ટેકઓવર પછી ફેરફેક્‍સે ભારતીય નિયમો હેઠળ ઓપન ઓફર લાવવી પડશે, જેથી જાહેર શેરધારકોને પોતાના શેર વેચવાની તક મળી શકે. જો કે ડીલ પૂરી થતાં પહેલા રિઝર્વ બેન્‍કની ફિટ એન્‍ડ પ્રોપર મંજૂરી અને ભારતીય સ્‍પર્ધા નિયમન પંચ (સીસીઆઈ)ની મંજૂરી મેળવવી જરુરી રહેશે. આ ડીલ પર વાતચીત લાંબા સમયથી ચાલતી હતી. ફેરફેક્‍સે અગાઉ પ્રતિ શેર ૭૫ રુપિયાનો ભાવ ઓફર કર્યો હતો, જેના માટે સરકાર તૈયાર થઈ ન હતી. તેણે આ ભાવ સુધારી રૂ. ૮૧ કરતાં સરકાર તૈયાર થઈ હતી. સરકાર માટે આ  ડીલ અત્‍યંત મહત્ત્વની માનવામાં આવે  છે. સરકારે વર્તમાન નાણાકીય વર્ષમાં વિનિવેશ માટે ૮૦,૦૦૦ કરોડનું લક્ષ્યાંક નક્કી કર્યું છે અને અત્‍યાર સુધી ર૦ હજાર કરોડની રકમ જ એકત્રિત કરી શકી છે. આ સમયે આઇડીબીઆઈ બેન્‍કનું વેચાણ થતાં સરકારને તેના વિનિવેશ લક્ષ્યની નજીક પહોંચવામાં મદદ મળશે. આ રીતે સરકાર ભવિષ્‍યમાં એલઆઈસી અને કોલ ઇન્‍ડિયા જેવી કંપનીમાં પણ હિસ્‍સો વેચવાની યોજના પર કામ કરી શકે છે.

 આ અહેવાલના પગલે કંપનીનો શેર લગભગ ત્રણ ટકા વધી રૂ. ૮૬.૫૪ પર બંધ થયો હતો.

(10:29 AM IST)