<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

ઈશા અંબાણીનું કોલેજ અસાઈમેન્ટ સબમિટ ન થતાં જન્મ્યો 'જિયો'નો આઈડિયા: જાણો કેવી રીતે એક નાનકડી મુશ્કેલીથી બદલાઈ ગઈ ભારતની ટેલિકોમ દુનિયા!

ભારતમાં ડિજિટલ ક્રાંતિ લાવનાર અને ટેલિકોમ ક્ષેત્રે અપ્રતિમ સફળતા મેળવનાર જિયો પ્લેટફોર્મની સ્થાપના પાછળ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીની કોલેજકાળની એક રસપ્રદ અને પ્રેરણાદાયી ઘટના જવાબદાર છે.

મુંબઈ : ભારતીય ટેલિકોમ ક્ષેત્રે 'જિયો' એ જે અભૂતપૂર્વ ક્રાંતિ સર્જી છે તેનાથી આજે સમગ્ર દેશવાસીઓ પરિચિત છે. દેશમાં સૌથી વધુ ટેલિકોમ સબસ્ક્રાઇબર્સ અને પરવડે તેવા દરે હાઇ-સ્પીડ ઇન્ટરનેટ પૂરું પાડીને ડિજિટલ ઈન્ડિયાનું સપનું સાકાર કરવામાં જિયોનો સિંહફાળો રહ્યો છે. પરંતુ આ મલ્ટી-બિલિયન ડોલરના સામ્રાજ્યના સર્જન પાછળનો વિચાર કોઈ મોટી બોર્ડરૂમ મીટિંગમાંથી નહીં, પરંતુ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીને નડેલી એક નાનકડી વ્યવહારુ મુશ્કેલીમાંથી આવ્યો હતો.

 

આ રસપ્રદ કિસ્સાનો ખુલાસો કરતા ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે, વર્ષ 2009-10 દરમિયાન તેઓ અને તેમના ભાઈ આકાશ અંબાણી અમેરિકાની કોલેજમાં અભ્યાસ કરતા હતા અને રજાઓમાં મુંબઈ આવ્યા હતા. તે સમયે ઈશાએ પોતાનું એક મહત્વપૂર્ણ કોલેજ અસાઈમેન્ટ ઓનલાઈન સબમિટ કરવાનું હતું, પરંતુ ઘરમાં યોગ્ય ઇન્ટરનેટ કનેક્ટિવિટી ન મળવાને કારણે તેઓ અસાઈમેન્ટ સમયસર જમા કરાવી શક્યા નહોતા. આ ઘટના બાદ અંબાણી પરિવારમાં એ ચર્ચા શરૂ થઈ કે ભારતમાં ઇન્ટરનેટની ઝડપ અને કનેક્ટિવિટી અમેરિકાની સરખામણીએ આટલી નબળી અને મોંઘી કેમ છે.

 

આ મુશ્કેલીમાંથી જ એક મોટા બિઝનેસ આઈડિયાનો જન્મ થયો. ઈશા અને આકાશે અનુભવ્યું કે ભવિષ્યમાં ઇન્ટરનેટ માત્ર વાતચીતનું સાધન નહીં રહે, પરંતુ શિક્ષણ, વેપાર અને મનોરંજનનો મુખ્ય આધાર બનશે. પરિણામે, સપ્ટેમ્બર 2016માં રિલાયન્સ ગ્રૂપ દ્વારા જિયોની ટેલિકોમ સેવાઓ સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવી. શરૂઆતમાં મફત વોઈસ કોલિંગ અને અત્યંત સસ્તા ડેટા પ્લાન્સ આપીને જિયોએ સમગ્ર માર્કેટનું ચિત્ર બદલી નાખ્યું, જેના કારણે અન્ય તમામ ટેલિકોમ કંપનીઓએ પણ પોતાના દરો ઘટાડવાની ફરજ પડી હતી.

 

આજે જિયો આવ્યા બાદ દેશમાં ઓનલાઈન શિક્ષણ, ડિજિટલ પેમેન્ટ્સ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ દરેક સામાન્ય નાગરિક માટે સુલભ બન્યો છે. ઈશા અંબાણીએ આ કહાની એવા સમયે શેર કરી છે જ્યારે જિયો પ્લેટફોર્મ્સ રૂ. 30,213 કરોડ એકત્ર કરવાની યોજના સાથે પોતાનો આઈપીઓ (IPO) લાવવાની તૈયારીઓ કરી રહ્યું છે. આ સમગ્ર સફર સાબિત કરે છે કે જો યોગ્ય દ્રષ્ટિકોણ હોય તો દૈનિક જીવનની એક સામાન્ય સમસ્યા પણ દેશમાં વિશાળ નવસર્જન અને ક્રાંતિનું કારણ બની શકે છે.

 

(7:41 PM IST)