News of Tuesday, 21st April 2026
જો કોઈ પુરુષ પરિવારનો ખર્ચ ઉઠાવી શકતો નથી તો તેણે લગ્નનો વિચાર છોડી દેવો જોઈએ
અલ્હાબાદ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે લગ્ન પછી, પતિની પરિવારનો ખર્ચ ઉઠાવવાની કાનૂની જવાબદારી છે; ભલે આર્થિક પરિસ્થિતિ નબળી હોય પણ આમાંથી કોઈ છૂટ નથી : ફેમિલી કોર્ટે પતિને તેની પત્નીને ભરણપોષણ તરીકે દર મહિને ચાર હજાર રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો

લખનૌ તા.૨૧: જો કોઈ પુરુષ પરિવારનો ખર્ચ ઉઠાવી શકતો નથી, તો તેણે લગ્નનો વિચાર છોડી દેવો જોઈએ. અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા પુરુષોને આ સમજદાર સલાહ આપવામાં આવી છે. અલ્હાબાદ હાઈકોર્ટ જણાવે છે કે જો કોઈ પુરુષે લગ્ન કર્યા હોય, તો તેણે પરિવારનો ખર્ચ ઉઠાવવો જોઈએ. લગ્ન પછી, પુરુષ એવો દાવો કરી શકતો નથી કે તે પોતાના પરિવારનું ભરણપોષણ કરી શકતો નથી; આ તેની કાનૂની જવાબદારી છે, જે તેણે નિભાવવી જ જોઈએ. આ જવાબદારી નકારી શકાય નહીં. પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે અપાયેલા ભરણપોષણના આદેશ અંગે અલ્હાબાદ હાઈકોર્ટમાં એક કેસ સામે આવ્યો છે.
અલ્હાબાદ હાઈકોર્ટે તેના મહત્વપૂર્ણ ચુકાદામાં, પતિની ભરણપોષણ માટેની અરજી ફગાવી દીધી, જેમાં જણાવ્યું હતું કે પતિ તેની નબળી આર્થિક પરિસ્થિતિનો ઉલ્લેખ કરીને તેની પત્ની અને બાળકોને ભરણપોષણ કરવાની જવાબદારીથી છટકી શકે નહીં. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે જો કોઈ પુરુષને ડર હોય કે લગ્ન તૂટવાની સ્થિતિમાં તે તેના પરિવારનું ભરણપોષણ કરી શકશે નહીં, તો તેણે બિલકુલ લગ્ન ન કરવા જોઈએ. કોર્ટે સ્વીકાર્યું કે એકવાર પુરુષ કોઈસ્ત્રી સાથે લગ્ન કરે છે, તો તે કાયદેસર રીતે તેનું ભરણપોષણ કરવા માટે બંધાયેલો છે. આ અવલોકન ન્યાયાધીશ અતુલ શ્રીધર અને વિવેક સરનની ડિવિઝન બેન્ચે અપીલકર્તા તેજ બહાદુર મૌર્યની પ્રથમ અપીલને ફગાવી દેતી વખતે કર્યું હતું.
અપીલકર્તાએ પ્રયાગરાજ ફેમિલી કોર્ટ દ્વારા પસાર કરાયેલા આદેશ સામે હાઈકોર્ટમાં આ અપીલ દાખલ કરી હતી. ફેમિલી કોર્ટના એડિશનલ પ્રિન્સિપલ જજે કેસની પેન્ડિંગ દરમિયાન પત્ની દ્વારા ભરણપોષણ માટે દાખલ કરાયેલી અરજીમાં હિન્દુ લગ્ન અધિનિયમ, ૧૯૫૫ ની કલમ ૨૪ હેઠળ આ આદેશ આપ્યો હતો. અપીલકર્તા, પતિ તેજ બહાદુર મૌર્યએ ફેમિલી કોર્ટના આદેશને અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકાર્યો હતો, જેમાં તેમને વૈવાહિક વિવાદ પેન્ડિંગ હોય ત્યારે તેમની પત્નીને દર મહિને ૪,૦૦૦ રૂપિયા ભરણપોષણ તરીકે ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
પતિના વકીલે હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે અપીલકર્તાની આર્થિક સ્થિતિ નબળી છે અને ટ્રાયલ કોર્ટે આ પાસાને પૂરતો વિચાર કર્યો નથી. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેમની પત્ની બીજા પુરુષ સાથે રહે છે અને તેઓ પરસ્પર સંમતિથી અલગ થઈ ગયા છે. સુનાવણી દરમિયાન, હાઈકોર્ટે જોયું કે ફેમિલી કોર્ટે પક્ષકારોના તમામ તથ્યો અને દલીલોને યોગ્ય રીતે ધ્યાનમાં લીધા છે. કોર્ટે પત્નીના નિવેદનને પણ ધ્યાનમાં લીધું હતું કે તે ઉચ્ચ શિક્ષિત નથી અને તેનું સોગંદનામું કથિત રીતે છેતરપિડીથી મેળવાયું હતું. પત્નીએ એમ પણ જણાવ્યું હતું કે તે પોતાના દમ પર બાળકોને ઉછેરી રહી છે અને તેની પાસે આવકનો કોઈ સ્વતંત્રસ્ત્રોત નથી.
(10:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
