<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

અમેરિકા અમારો ક્રુડનો ૧ કૂવો બાળશે તો અમે અખાતના દેશોના ૪ કૂવા બાળીશું

ઈરાનની ખુલ્‍લી ધમકી

તહેરાન તા.૨૭: મધ્‍યપૂર્વમાં ચાલી રહેલો તણાવ સતત વધી રહ્યો છે. ઈરાન કે અમેરિકા બંનેમાંથી કોઈ પણ પાછીપાની કરવા માટે તૈયાર નથી. બંને દેશો અત્‍યારે એકબીજાને ઘાતક ધમકીઓ આપી રહ્યાં છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ દ્વારા ઈરાનને ધમકી આપવામાં આવી હતી. તેહરાન વિરુદ્ધની ચેતવણી બાદ મધ્‍ય-પૂર્વમાં તણાવ વધુ તીવ્ર બન્‍યો છે. ટ્રમ્‍પે ઈરાનના ઓઈલ પાઈપલાઈન અને ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરને નષ્ટ કરવાની ધમકી આપ્‍યાના થોડા જ કલાકોમાં ઈરાને ગલ્‍ફ દેશોને ગંભીર ચેતવણી આપી છે. સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ 'હ્‍' પર ઈરાને લખ્‍યું કે, ‘જો નાકાબંધીના કારણે અમારા ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર કે ઓઈલ વેલ્‍સ (તેલના કુવાઓ) ને નુકસાન થશે, તો અમે ગેરંટી આપીએ છીએ કે જે દેશો આક્રમણખોરને સમર્થન આપી રહ્યા છે, તેમના ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર પર અમે ૪ ગણું નુકસાન પહોંચાડીશું. અમારૂ ગણિત અલગ છેઃ ૧ ઓઈલ કૂવા સામે ૪ ઓઈલ કૂવાનો વિનાશ કરવામાં આવશે. આ ધમકી ઈરાન દ્વારા અમેરિકાને આપવામાં આવી છે.

અગાઉ રવિવારે એક ઈન્‍ટરવ્‍યૂમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે તહેરાનને ફરીથી ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે, જો ઈરાન યુદ્ધ સમાપ્ત કરવા માટે સીઝફાયર સમજૂતી નહીં કરે, તો તેમની ઓઈલ પાઈપલાઈન અને તેલ ક્ષેત્રોને નષ્ટ કરી દેવામાં આવશે. ટ્રમ્‍પના મતે, જો ઈરાન તેલની નિકાસ કરી શકશે નહીં, તો તેની પાઈપલાઈન કુદરતી રીતે અને યાંત્રિક કારણોસર નિષ્‍ફળ થઈ જશે'. ટ્રમ્‍પની આ ધમકી બાદ ઈરાન દ્વારા વળતી ધમકી આપવામાં આવી છે.

(3:47 PM IST)