તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th May 2026
એન્ટિ-ડમ્પિંગ ડયૂટીનો અમલ કરાય તો વર્ષે રૂ.૨૮,૫૪૦ કરોડ બચી જાય
ડ્યૂટીનો અમલ ન કરવાથી સ્થાનિક ઉદ્યોગોને રૂ.૧૧,૯૩૮ કરોડનું વાર્ષિક નુકસાન થયું

નવી દિલ્હી તા.૨૭: એક રિપોર્ટ અનુસાર દેશમાં સ્થાનિક ભાવ કરતાં પણ સસ્તા ભાવે ઠલવાતી વિદેશી વસ્તુઓ પર એન્ટિ-ડમ્પિંગ ડ્યૂટી લાગુ કરાતી નથી તેને કારણે સ્થાનિક ઉદ્યોગોને રૂ.૧૧,૯૩૮ કરોડનું વાર્ષિક નુકસાન થયું છે. જો આ ડ્યૂટી લાગુ કરાય તો આયાત ઘટાડીને વધુ રૂ.૨૮,૫૪૦ કરોડનું ફોરેક્સ રિઝર્વ બચાવી શકાય છે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડિઝ(DGTR) એન્ટિ-ડમ્પિંગ ડ્યૂટી સંબંધિત ફરિયાદને પગલે તપાસ કરે છે અને જરૂર લાગે ત્યાં ડ્યૂટી લાગુ કરવાની ભલામણ કરે છે. જોકે તેનો અમલ નાણામંત્રાલય કરે છે. ડીજીટીઆરે ૫૬ વસ્તુઓ પર એન્ટિ-ડમ્પિંગ ડ્યૂટી લાગુ કરવાની ભલામણ કરી છે, પરંતુ હજી સુધી તેના પર ડ્યૂટી લાગુ થઈ નથી. તેને કારણે વાર્ષિક રૂ.૧૧,૯૩૮ કરોડનું નુકસાન સ્થાનિક ઉદ્યોગોને થઈ રહ્યું છે.
વળી, જો આટલી સસ્તી આયાત અટકાવવામાં આવે અથવા તો ડ્યૂટીને કારણે ઓછી આયાત થાય તો એટલા પ્રમાણમાં સ્થાનિક ઉત્પાદકો માંગ પૂરી કરે તો તેમને ફાયદો થાય અને એટલી આયાત ઓછી થઈ જાય. આયાત ઓછી થાય તો તેનાથી વિદેશી હુંડિયામણ પણ બચે છે જે સ્વરૂપે રૂ.૨૮,૫૪૦ કરોડની વધારાની બચત થઈ શકે છે.
૩૩ પ્રોડક્ટ્સનો અભ્યાસ કરીને એવું તારણ આપવામાં આવ્યું છે કે ડમ્પ કરવામાં આવતી વસ્તુઓની આયાતને કારણે રૂ.૧.૫૪ લાખ કરોડનું નુકસાન થયું છે અને તે વધીને ૨૦૩૦ સુધીમાં રૂ.૨.૭૦ લાખ કરોડ થશે તેવો અંદાજ છે. વળી, તેને કારણે હાલમાં ૨૪,૦૦૦ નોકરીઓ ઘટી રહી છે, જે ૨૦૩૦ સુધીમાં વધીને ૩૮,૦૦૦-૪૨,૦૦૦ થશે.
વર્ષ ૨૦૨૦ સુધી ભારત એન્ટિ-ડમ્પિંગ ડ્યૂટી લાગુ કરવામાં ૯૯.૫ ટકા ભલામણનો અમલ કરતું હતું, પરંતુ નવેમ્બર-૨૦૨૫થી એપ્રિલ-૨૦૨૬ના ગાળામાં ડીજીટીઆરની ભલામણ નકારવાનું પ્રમાણ વધીને૮૧ ટકા થઈ ગયું છે, જે એપ્રિલ-નવેમ્બર ૨૦૨૫માં ૧૬ ટકા હતું. રિપોર્ટ અનુસાર અમેરિકામાં એન્ટિ-ડમ્પિંગ ડ્યૂટી સરેરાશ ૧૬.૨૬ વર્ષ સુધી લાગુ રહે છે, જ્યારે ભારતમાં ૬.૯૭ વર્ષ લાગુ રહે છે. ડ્યૂટીનો અમલ ન થાય તો સ્થાનિક ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ ઓછો થાય છે અને તેને કારણે નવા રોકાણ પર અસર થાય છે. પરિણામે લાંબા ગાળે સપ્લાય-ડિમાન્ડ ગેપ વધે છે. દેશમાં જો સસ્તી આયાત આ જ રીતે ચાલુ થશે અને ડીજીટીઆર દ્વારા ભલામણ કરવામાં આવે તે અનુસાર ડ્યૂટીનો અમલ ન થાય તો ૨૦૩૦ સુધીમાં ડિમાન્ડ-સપ્લાય ગેપ વધારે જોવા મળી શકે છે. સ્થાનિક ઉત્પાદકો જે વસ્તુ અહીં પૂરી પાડી શકે તેમ છે તેના માટે પણ વિદેશી સપ્લાય વધતો રહેશે.
(1:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
