News of Thursday, 26th November 2026
જો શેખ હસીનાને કંઈ થશે તો બાંગ્લાદેશના વડા પ્રધાન જવાબદાર રહેશે': પેન્ટાગોનના ભૂતપૂર્વ અધિકારી માઈકલ રુબિનની તારિક રહેમાન સરકારને કડક ચેતવણી
૧૬ ડિસેમ્બરના વિજય દિવસે શેખ હસીનાની બાંગ્લાદેશ વાપસીની જાહેરાત બાદ રાજકીય તણાવ ચરમસીમાએ : ન્યૂ યોર્કના સેમિનારમાં રુબિને ભારતને બાંગ્લાદેશ સાથે કોઈ સમાધાન ન કરવા અપીલ કરી

ઢાકા : બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના દ્વારા આગામી ૧૬ ડિસેમ્બર એટલે કે વિજય દિવસે સ્વદેશ પરત ફરવાની જાહેરાત કરાયા બાદ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ન્યૂ યોર્કમાં આયોજિત "ધ ફ્યુચર ઓફ બાંગ્લાદેશ" નામના સેમિનારમાં યુએસ પેન્ટાગોનના ભૂતપૂર્વ અધિકારી માઈકલ રુબિને બાંગ્લાદેશની તારિક રહેમાન સરકારને સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું છે કે જો શેખ હસીનાને કોઈ પણ પ્રકારનું નુકસાન થશે તો તેના માટે બાંગ્લાદેશ સરકાર સંપૂર્ણપણે જવાબદાર રહેશે. ૨૦૨૪ના વિદ્યાર્થી આંદોલન બાદથી ભારતમાં આશ્રય લઈ રહેલા શેખ હસીના આ કાર્યક્રમમાં ઓનલાઈન માધ્યમથી મુખ્ય મહેમાન તરીકે જોડાયા હતા. રુબિને ભારતને પણ બાંગ્લાદેશ પ્રત્યેના પોતાના વલણ સાથે કોઈ સમાધાન કે કરાર ન કરવા વિનંતી કરી હતી અને અમેરિકી રાજદ્વારીઓને આ જ સંદેશ ઢાકા સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો.
બીજી તરફ, બાંગ્લાદેશમાં પ્રતિબંધિત પાર્ટી આવામી લીગના કાર્યકરોના વિરોધ પ્રદર્શનો અને હિંસાના અહેવાલો વચ્ચે હસીનાની વાપસીનો માર્ગ અત્યંત કઠિન બન્યો છે. ૨૦૨૪ના વિદ્યાર્થી વિરોધ પ્રદર્શન દરમિયાન ૧,૦૦૦થી વધુ લોકોના મોત સંબંધિત માનવતા વિરુદ્ધના ગુનાઓ બદલ શેખ હસીનાને તેમની ગેરહાજરીમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી ચૂકી છે. હસીનાએ પાસપોર્ટ માટે અરજી કરી બાંગ્લાદેશ સરકારને રાષ્ટ્રીય એરલાઈનની ફ્લાઈટની વ્યવસ્થા કરવા અપીલ કરી છે, પરંતુ બાંગ્લાદેશ સરકારે સ્પષ્ટ કર્યું છે કે તેમની વાપસી પર તરત જ ધરપકડ કરી જેલમાં મોકલવામાં આવશે. વિદેશ રાજ્યમંત્રી હુમાયુ કબીરે કડક શબ્દોમાં જણાવ્યું છે કે પ્રત્યાર્પણ સિવાય કોઈપણ આતંકવાદીને પરત ફરવા દેવામાં આવશે નહીં અને હસીનાને ફક્ત હાથકડી પહેરાવીને જ પરત લાવી શકાય છે, જ્યારે પાસપોર્ટ અને મુસાફરી દસ્તાવેજોના મુદ્દે તારિક રહેમાન સરકાર વાપસીમાં વિલંબ કરી રહી હોવાની ચર્ચાઓ પણ તેજ બની છે.
ઉલ્લેખનીય છે કે ૨૦૦૨ થી ૨૦૦૪ દરમિયાન યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સમાં સેવા આપી ચૂકેલા માઈકલ રુબિન અગાઉ પણ બાંગ્લાદેશની સ્થિતિ અંગે આકરા નિવેદનો આપી ચૂક્યા છે. તેમણે અગાઉની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ પર જમાત-એ-ઇસ્લામી સાથે જોડાયેલા ઉગ્રવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂક્યો હતો અને આવામી લીગ વગર યોજાયેલી ૧૨ ફેબ્રુઆરીની ચૂંટણીની કાયદેસરતા સામે સવાલો ઉઠાવ્યા હતા, જે ચૂંટણીમાં તારિક રહેમાનની BNP સત્તા પર આવી હતી. આ ઉપરાંત રુબિને યુએસ કેપિટોલ ખાતે બાંગ્લાદેશમાં લઘુમતીઓ પરના હુમલાઓનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તાજેતરમાં જમાત-એ-ઇસ્લામીએ સ્થાનિક કર્મચારીઓ મારફતે ઢાકા સ્થિત યુએસ દૂતાવાસમાં ઘૂસણખોરી કરી હોવાનો ગંભીર આરોપ પણ લગાવ્યો હતો.
(6:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
