<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

"જો બેટિંગ ટીમ જ અમ્પાયર પસંદ કરવા લાગે તો...": CEC નિમણૂક કાયદા પર સુપ્રીમ કોર્ટના જજો જ સામસામે, જસ્ટિસ દત્તાના તીખા વેધક સવાલો બાદ મામલો CJIની કોર્ટમાં પહોંચ્યો

ચૂંટણી કમિશનરોની પસંદગી સમિતિમાંથી ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI)ને હટાવવાના કેન્દ્રના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં જજોના બે ભાગ: ક્રિકેટના ઉદાહરણથી ન્યાયમૂર્તિએ પ્રક્રિયાની નિષ્પક્ષતા પર ઉઠાવ્યા ગંભીર સવાલો.

નવી દિલ્હી : દેશના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) અને ચૂંટણી કમિશનરો (EC) ની નિમણૂકને લગતા ૨૦૨૩ના નવા કાયદાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં એક મોટી અને રસપ્રદ ન્યાયિક ખેંચતાણ સામે આવી છે. આ મહત્વપૂર્ણ મામલે બેન્ચના બે માનનીય ન્યાયાધીશો જ એકમત ન થઈ શકતા મામલો હવે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ની વિચારણા અર્થે સોંપવામાં આવ્યો છે.

 

સર્વોચ્ચ અદાલતના જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની બે જજની બેન્ચ સમક્ષ આ મહત્વનો કેસ સુનાવણી હેઠળ હતો. રમતગમતના ભારે શોખીન અને ‘CJI XI’ ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેન એવા જસ્ટિસ દત્તાએ પસંદગી પ્રક્રિયા પર સવાલ ઉઠાવતા ક્રિકેટનું એક ખૂબ જ રોચક ઉદાહરણ આપ્યું હતું. તેમણે ધારદાર શબ્દોમાં કહ્યું કે, "જો મેદાન પર રમતી બેટિંગ ટીમ જ પોતાની પસંદગીના અમ્પાયર નક્કી કરવા લાગે, તો તે અમ્પાયર ગમે તેટલો સાચો નિર્ણય લે તો પણ તેની નિષ્પક્ષતા પર હંમેશા શંકાના વાદળો ઘેરાયેલા રહેશે, કારણ કે તેને એ જ ટીમ પ્રત્યે વફાદાર માનવામાં આવશે."

 

જસ્ટિસ દત્તાએ સમિતિની સંરચના પર આકરા પ્રહાર કરતા ઉમેર્યું કે, કાયદા મુજબની ત્રણ સભ્યોની પસંદગી સમિતિમાં વડાપ્રધાન, તેમના દ્વારા જ નામાંકિત એક કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને લોકસભાના વિપક્ષી નેતા સામેલ છે. આવી સ્થિતિમાં ૨:૧ ની સ્પષ્ટ સરકારી બહુમતી હોવાથી વિરોધ પક્ષના નેતાની હાજરી માત્ર ‘દેખાવ પૂરતી’ (કોસ્મેટિક) બની રહે છે. વડાપ્રધાન દ્વારા પસંદ કરાયેલા મંત્રી ક્યારેય વડાપ્રધાનના નિર્ણયનો વિરોધ કરીને પોતાનું પદ જોખમમાં મૂકશે નહીં. પસંદગી સમિતિમાંથી CJI ને હટાવીને કેબિનેટ મંત્રીને મુકવાથી નિષ્પક્ષતાનું સંતુલન સાવ ખોરવાઈ ગયું છે.

 

બીજી તરફ, બેન્ચના બીજા સભ્ય જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માનો અભિપ્રાય અલગ હતો. તેમનું માનવું હતું કે CJIને સમિતિમાંથી દૂર કરવાનો સંસદનો નિર્ણય યોગ્ય હતો કે નહીં, તે એક સાવ નવો બંધારણીય પ્રશ્ન છે. માટે બે જજની સામાન્ય બેન્ચ આના પર નિર્ણય ન આપી શકે અને આ સંવેદનશીલ મુદ્દાને પાંચ કે તેથી વધુ જજોની મોટી બંધારણીય બેન્ચ (Constitutional Bench) સમક્ષ મોકલવો જોઈએ.

 

બંને જજો વચ્ચે કોઈ સર્વસંમતિ સાધી ન શકાતા આ સમગ્ર કેસ આખરે CJI ના દરબારમાં પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે માર્ચ ૨૦૨૩ માં સુપ્રીમ કોર્ટે વચગાળાના આદેશ દ્વારા નિમણૂક સમિતિમાં CJI ને રાખ્યા હતા, પરંતુ પાછળથી કેન્દ્ર સરકારે નવો કાયદો બનાવી CJI ની જગ્યાએ કેબિનેટ મંત્રીનો સમાવેશ કર્યો હતો, જેને હવે અદાલતમાં કાનૂની પડકાર ફેંકવામાં આવ્યો છે.

 

(8:01 PM IST)