હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જો સીઝફાયર તૂટશે તો તેનું પરિણામ ભયાનક આવશે : ઈરાન સાથે તણાવ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પની ખુલ્લી ધમકી
ટ્રમ્પે અત્યંત કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો આ સમજૂતી તૂટશે, તો તેની અસર સ્પષ્ટ અને મોટા પાયે જોવા મળશે.

અમેરિકા અને ઈરાન વચ્ચે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'માં તાજેતરમાં થયેલી સૈન્ય અથડામણે વૈશ્વિક સ્તરે ચિંતા વધારી દીધી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટના અંગે મોટું નિવેદન આપતા ચેતવણી આપી છે કે જો સીઝફાયર તૂટશે તો તેનું પરિણામ ભયાનક આવશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન અને અમેરિકા વચ્ચે જાહેર થયેલું 'સીઝફાયર' હજુ પણ અમલમાં છે, ભલે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' પાસે બંને સેનાઓ વચ્ચે હિંસક સૈન્ય અથડામણો થઈ હોય. વોશિંગ્ટનમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે અત્યંત કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો આ સમજૂતી તૂટશે, તો તેની અસર સ્પષ્ટ અને મોટા પાયે જોવા મળશે. તેમણે પ્રતિકાત્મક રીતે કહ્યું કે, જ્યારે સીઝફાયર ખતમ થશે ત્યારે તમારે કોઈને પૂછવાની જરૂર નહીં પડે, બસ ઈરાનમાંથી ઉઠતો રોશનીનો પહાડ બધું કહી દેશે. ટ્રમ્પના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે અમેરિકા કોઈપણ ઉશ્કેરણીનો વળતો જવાબ આપવા માટે સજ્જ છે.
ઈરાને હોર્મુઝની ખાડી પાસે અમેરિકાના ત્રણ યુદ્ધ જહાજોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) ના જણાવ્યા અનુસાર, યુએસએસ ટ્રક્સટન, યુએસએસ રાફેલ પેરાલ્ટા અને યુએસએસ મેસન જ્યારે ઓમાનની ખાડી તરફ જઈ રહ્યા હતા, ત્યારે તેમના પર મિસાઈલ, ડ્રોન અને નાની બોટ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, અમેરિકી નૌસેનાએ આ તમામ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા અને દાવો કર્યો હતો કે તેમના કોઈ જહાજને નુકસાન થયું નથી. ટ્રમ્પે આ ઘટનાને 'નાની હરકત' ગણાવી હતી અને કહ્યું હતું કે અમેરિકી સેનાએ જવાબી કાર્યવાહીમાં દુશ્મનોને ભારે નુકસાન પહોંચાડ્યું છે.
ટ્રમ્પે એમ પણ ઉમેર્યું હતું કે ઈરાન સાથે હજુ પણ સમજૂતીની શક્યતાઓ ખુલ્લી છે. તેમણે કહ્યું કે ભવિષ્યમાં કોઈ નવી ડીલ થઈ પણ શકે છે અને ન પણ થાય, પરંતુ અમેરિકા પોતાની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરશે નહીં. હાલમાં ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલાના જવાબમાં અમેરિકાએ ચોક્કસ સૈન્ય ઠેકાણાઓ પર હુમલા કર્યા હોવાના અહેવાલ છે, જેના કારણે આખા ખાડી વિસ્તારમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. હવે જોવાનું એ રહેશે કે આવનારા દિવસોમાં આ રાજદ્વારી ગજગ્રાહ કયું નવું વળાંક લે છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
