તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th May 2026
કાચા તેલના ભાવ સતત ઊંચા રહેશે, તો આ બોજ સીધો ગ્રાહકો પર નાખવો અનિવાર્ય બની શકે: RBI ના ગવર્નરે આપ્યા સંકેત
ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ગવર્નર સંજય મલ્હોત્રાએ સંકેત આપ્યા છે કે જો આ સંઘર્ષ લાંબો સમય ચાલશે તો ભારતીય ગ્રાહકોએ પેટ્રોલ અને ડીઝલ માટે વધુ કિંમત ચૂકવવી પડી શકે

નવી દિલ્હી :પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો તણાવ હવે માત્ર ભૌગોલિક સીમાઓ પૂરતો મર્યાદિત રહ્યો નથી, તેની અસર ભારતની અર્થવ્યવસ્થા પર પણ પડવા લાગી છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ગવર્નર સંજય મલ્હોત્રાએ તાજેતરમાં સંકેત આપ્યા છે કે જો આ સંઘર્ષ લાંબો સમય ચાલશે તો ભારતીય ગ્રાહકોએ પેટ્રોલ અને ડીઝલ માટે વધુ કિંમત ચૂકવવી પડી શકે છે.
સ્વિટ્ઝરલેન્ડમાં આયોજિત એક આંતરરાષ્ટ્રીય સંમેલનમાં સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, "હાલમાં ભારત સરકાર અને સરકારી તેલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં વધી રહેલા કાચા તેલના ભાવનો બોજ જાતે ઉઠાવી રહી છે. એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરીને ગ્રાહકોને રાહત આપવામાં આવી છે. પરંતુ જો કાચા તેલના ભાવ સતત ઊંચા રહેશે, તો આ બોજ સીધો ગ્રાહકો પર નાખવો અનિવાર્ય બની શકે છે."
વધતા આર્થિક જોખમોને જોતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ દેશવાસીઓને સાવચેત કર્યા છે. તેમણે લોકોને ઈંધણની બચત કરવા અને બિનજરૂરી ખર્ચ ઘટાડવાની અપીલ કરી છે. ખાસ કરીને વિદેશી મુદ્રા ભંડારને સુરક્ષિત રાખવા માટે સોનાની ખરીદી અત્યારે ટાળવા અને પેટ્રોલનો વપરાશ ઘટાડવા જણાવ્યું છે. નોંધનીય છે કે સરકારે સોના પરની આયાત જકાત પણ બમણી કરી દીધી છે જેથી આયાત પરનો ખર્ચ ઘટાડી શકાય.
ભારતમાં છૂટક મોંઘવારી દર એપ્રિલ મહિનામાં વધીને 3.48 ટકા પર પહોંચ્યો છે, જે માર્ચમાં 3.40 ટકા હતો. જોકે આ આંકડો અંદાજ કરતા ઓછો છે, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે જો ઈંધણ મોંઘું થશે તો પરિવહન ખર્ચ વધશે અને તેનાથી ખાવા-પીવાની વસ્તુઓ સહિત તમામ ચીજવસ્તુઓ મોંઘી થશે. સપ્લાય ચેઈન ખોરવાવાને કારણે માલવાહક જહાજોના ભાડામાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
RBIએ ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતનો વિકાસ દર 6.9 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. જોકે, યુદ્ધની સ્થિતિ આ અંદાજોને ખોરવી શકે છે. એપ્રિલમાં રેપો રેટ 5.25 ટકા પર સ્થિર રાખવામાં આવ્યો હતો, પરંતુ ગવર્નર મલ્હોત્રાએ સ્પષ્ટ કર્યું છે કે જો મોંઘવારી લક્ષ્યાંકથી બહાર જશે, તો કેન્દ્રીય બેંક કડક પગલાં લેતા અચકાશે નહીં.
ભારત હાલમાં વેટ એન્ડ વોચની સ્થિતિમાં છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ અને પશ્ચિમ એશિયાની સ્થિતિ આગામી સમયમાં ભારતીય મધ્યમ વર્ગના બજેટની દિશા નક્કી કરશે. ગ્રાહકોએ અત્યારથી જ આર્થિક સાવચેતી રાખવી હિતાવહ છે.
(7:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
