<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

૧૫ જૂન પહેલા IT રિટર્ન ભર્યું તો સુધારવાની સ્‍થિતિ

ઇન્‍કમટેક્‍સ રિટર્નમાં જરૂરી એવી વિગતો પોર્ટલ પર અપલોડ થવામાં લાગતો સમય

મુંબઈ,તા.૧૯: નાણાકીય વર્ષ શરૂ થયા બાદ એક મહિનામાં ગત નાણાકીય વર્ષનું રિટર્ન ભરવા માટેના ફોર્મ તબક્કાવાર બહાર પાડવામાં આવતા હોય છે. ચાલુ વર્ષે ૧૫ મેના રોજ આઇટીઆર ૧ અને ૪ના ફોર્મ બહાર પાડી દેવામાં આવી છે, પરંતુ મોટાભાગના કરદાતાઓ ૧૫ જૂન બાદ જ રિટર્ન ફાઈલ કરે તેવી શક્‍યતા રહેલી છે. તેમાં પણ જાણકારોના કહેવા પ્રમાણે જો ૧૫ જૂન પહેલા આઇટી રિટર્ન ફાઇલ કરી દેવામાં આવે તો રિટર્નમાં સુધારો કરવાની સ્‍થિતિ ઊભી થતી હોય છે. તેમજ જો કરદાતા દ્વારા સુધારો કરવામાં નહીં આવે તો આઇટી વિભાગ દ્વારા નોટિસ પણ ફટકારવામાં આવી શકે તેમ છે. આ કારણોસર ૧૫ જૂન બાદ જ આઇટી રિટર્ન ભરવામાં આવે તો કરદાતાઓએ અન્‍ય કોઈ સમસ્‍યાનો સામનો કરવો પડે તેમ નથી.

જોકે આઈટી રિટર્ન ભરનારાઓ દ્વારા આઈટી રિટર્ન ભરવા માટેની તમામ વિગતો તૈયાર કરી રાખતા હોય છે. ત્‍યારબાદ ૧૫ જૂનની આસપાસ ટીડીએસ, બેંકમાં રાખેલી એફડીનું વ્‍યાજ સહિતની વિગતો પોર્ટલ પર જોવા મળ્‍યા બાદ જ રિટર્ન ભરતા હોય છે. તેના કારણે રિટર્ન ભરવામાં ભૂલ નહીં થાય. સાથે સાથે આઈટી રિટર્ન ભર્યા બાદ મોટાભાગના રિટર્નની ચકાસણી એઆઈ આધારિત હોવાના કારણે ૨૬ એઆઈએસમાં રજૂ કરવામાં આવેલી વિગતો અને કરદાતાએ રિટર્નમાં રજૂ કરેલી વિગતોમાં વિસંગતતા હોય તો કરદાતાને નોટિસ મળવાની શક્‍યતાઓ સૌથી વધુ હોય છે. આ માટે જ જાણકારોના કહેવા પ્રમાણે ૧૫ જૂન બાદ જ આઇટી રિટર્ન ભરવામાં આવે તો નોટિસ મળવાની શક્‍યતાઓ ઓછી રહે છે. સાથે સાથે રિટર્નમાં સુધારો કરવાની પણ પળોજણમાંથી છુટકારો મળતો હોય છે. ઈન્‍કમ ટેક્‍સ રિટર્ન ભરવામાં છેલ્‍લાં કેટલાય સમયથી આ સમસ્‍યા હોવા છતા તેમાં કોઇ પણ પ્રકારનો સુધારો થતા નહીં હોવાને લીધે દરવખતે ૧૫ જૂનથી ૩૧ જુલાઇ વચ્‍ચે રિટર્ન ભરવામાં આવતા હોય છે.

રિટર્ન મોડું ભરવાના આ છે કારણો

* તમામ ટ્રાન્‍ઝેક્‍શન એઆઇએસમાં ના પણ દેખાય

* બેંકનું વ્‍યાજ, ટીડીએસની વિગતો મોડી અપડેટ થાય

* ડેટા મિસમેચ હોવાની પણ શક્‍યતાઓ વધી શકે

* રિટર્નમાં રજૂ કરેલી વિગતો બરાબર નહીં હોવાથી રિફંડ મોડું આવે. 

(9:55 AM IST)