<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

લાયસન્‍સ માન્‍ય ન હોય તો વીમા કંપની વળતર ચૂકવવા બંધાયેલી નથીઃ સુપ્રીમ

ટ્રાફિક નિયમોના પાલન માટે દેશવ્‍યાપી જાગૃતિ અભિયાન ચલાવવાની તાકીદ

નવી દિલ્‍હી,તા.૦૧: સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્‍યું હતું કે અકસ્‍માત સમયે વાહનચાલકનું ડ્રાઇવિગ લાઇસન્‍સ માન્‍ય ન હોય અથવા તેનું સમયસર રિન્‍યુઅલ ન કરાવ્‍યું હોય તો અકસ્‍માતના વળતરની રકમ ચૂકવવા માટે વીમા કંપની જવાબદાર રહેતી નથી. અકસ્‍માત સર્જનાર વાહન માન્‍ય ડ્રાઇવિગ લાઇસન્‍સ  વગર ચલાવવામાં આવ્‍યું હોય તો વીમા કંપની પર વળતરની જવાબદારી નાખી શકાય નહીં.

વેલિડ લાઇસન્‍સ વગરના વ્‍હિકલ ચલાવવાના મુદ્દાનો ઉલ્‍લેખ કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્‍યું હતું કે આવી સ્‍થિતિમાં અકસ્‍માતના કેસોમાં ડ્રાઇવર અથવા વાહન માલિક અથવા બંનેને મોટી રકમ વળતર તરીકે ચૂકવવાની ફરજ પડી શકે છે. આથી નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે દેશવ્‍યાપી અભિયાન ચલાવવાની જરૂર છે.

જસ્‍ટિસ સંજય કરોલ અને જસ્‍ટિસ એન કોટીશ્વર સિહની ખંડપીઠે કેન્‍દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય તથા રાજ્‍યોના પરિવહન વિભાગોને માર્ગ સલામતીને પ્રોત્‍સાહન આપવા અને ટ્રાફિક નિયમોનું પાલન સુનિヘતિ કરવા માટે દેશવ્‍યાપી અભિયાન ચલાવવા જણાવ્‍યું હતું. સર્વોચ્‍ચ અદાલતે સોશિયલ મીડિયા અને અન્‍ય માધ્‍યમો દ્વારા વ્‍યાપક જાગૃતિ અભિયાન ચલાવવા તેમજ ડ્રાઇવિગ લાઇસન્‍સ આપવા અને તેના રિન્‍યુઅલની પ્રક્રિયાને વધુ સરળ અને સુવ્‍યવસ્‍થિત બનાવવા પણ સૂચના આપી હતી. સુપ્રીમ કોર્ટે ડ્રાઇવિગ સ્‍કૂલોનું નિયમન, ડ્રાઇવિગ શીખવાની પ્રક્રિયાને સસ્‍તી અને સરળ બનાવવી તથા પ્રાદેશિક ભાષાઓમાં લાઇસન્‍સ માટેની અરજી અને પરીક્ષાની સુવિધા ઉપલબ્‍ધ કરાવવાની તાત્‍કાલિક જરૂરિયાત પર પણ ભાર મૂક્‍યો હતો. સર્વોચ્‍ચ અદાલતે પંજાબ એન્‍ડ હરિયાણા હાઇકોર્ટના આદેશને રદ કરી દીધો હતો. આ આદેશમાં વીમા કંપની પર વળતર ચૂકવવાની જવાબદારી નાખવામાં આવી હતી.

આ મામલો ૨૦૦૯માં થયેલા એક અકસ્‍માત સાથે સંબંધિત હતો. આ અકસ્‍માતમાં ઓમ પ્રકાશ દ્વારા ચલાવવામાં આવતા વાહને એક ટુ-વ્‍હીલરને ટક્કર મારી હતી. મોટર એક્‍સિડેન્‍ટ ક્‍લેમ ટ્રિબ્‍યુનલ (MACT)એ શરૂઆતમાં જણાવ્‍યું હતું કે વીમા કંપની રિલાયન્‍સ જનરલ ઈન્‍શ્‍યોરન્‍સ વળતર ચૂકવવા માટે જવાબદાર નથી, કારણ કે અકસ્‍માતના ઘણા સમય પહેલાં જ ડ્રાઇવરનું લાઇસન્‍સની મુદત સમાપ્ત થઈ હતી. જોકે હાઇકોર્ટે આ નિર્ણયને પલટી નાખ્‍યો હતો. હાઇકોર્ટે એક લાઇસન્‍સિંગ અધિકારીના પત્રને સ્‍વીકાર્યો હતો, જેમાં દાવો કરાયો હતો કે IT કંપનીઓ વચ્‍ચે ડેટા ટ્રાન્‍સફર દરમિયાન ટેકનિકલ ભૂલને કારણે ૨૦૦૭થી ૨૦૧૦ દરમિયાનના લાઇસન્‍સના રેકોર્ડ ગુમ થઈ ગયાં હતાં. હાઇકોર્ટે વીમા કંપનીને રૂ.૧.૦૮ કરોડથી વધુનું વળતર ચૂકવવાનો આદેશ આપ્‍યો હતો.

(10:07 AM IST)