તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd July 2026
મંત્રીનું રાજીનામું લેવાય તો તે જવાબદાર શાસનની નિશાની ગણાશે
ટક્કર નહીં, સંવાદથી ઉકેલ લાવો: અણ્ણાની નરેન્દ્રભાઈને અપીલ : સફળતાનો શ્રેય સરકાર લે અને કૌભાંડોની જવાબદારી નીચલા અધિકારીઓ પર ઢોળે તે યોગ્ય નથી

મુંબઈ, તા. ૨૨: લોકશાહીમાં સંઘર્ષ કે ટક્કર નહીં, પરંતુ સંવાદ જ સમસ્યાનો યોગ્ય ઉકેલ છે. શિક્ષણ વ્યવસ્થામાં સર્જાયેલી ગેરરીતિઓ માટે જવાબદારી નક્કી થવી જોઈએ અને જરૂર જણાય તો સંબંધિત મંત્રીનું રાજીનામું લેવામાં આવે. આવું પગલું સરકારની નબળાઈ નહીં, પરંતુ જવાબદાર અને સંવેદનશીલ શાસનનું પ્રતીક ગણાશે, તેવી રજૂઆત દેશના સન્માનિત સામાજિક અગ્રણી શ્રી અણ્ણા હઝારેએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને લખેલા પત્રમાં કરી છે.
દિલ્હીમાં ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન દરમિયાન સર્જાયેલી હિંસા અને પોલીસ કાર્યવાહી અંગે અણ્ણાએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે છેલ્લા ૨૫ દિવસથી વિદ્યાર્થીઓ અને વાલીઓ શાંતિપૂર્ણ રીતે પોતાની માંગણીઓ રજૂ કરી રહ્યા છે. તેમ છતાં સરકાર સમગ્ર મુદ્દાને જવાબદારીના પ્રશ્ન તરીકે જોવાને બદલે માત્ર કાયદો અને વ્યવસ્થાનો મામલો બનાવી રહી છે.
અણ્ણાએ સરકારની કાર્યપદ્ધતિ સામે પણ સવાલ ઉઠાવતાં કહ્યું છે કે સફળતા મળે ત્યારે તેનો શ્રેય સરકાર અને મંત્રીઓ લે છે, પરંતુ કોઈ કૌભાંડ કે ગેરરીતિ બહાર આવે ત્યારે જવાબદારી નીચલા અધિકારીઓ પર ઢોળી દેવામાં આવે છે. હકીકતમાં અંતિમ જવાબદારી ઉચ્ચ હોદ્દા પર બેઠેલા લોકોની હોય છે.
તેમણે પત્રમાં જણાવ્યું છે કે એક મંત્રીને જવાબદાર ઠેરવવામાં આવશે તો અન્ય મંત્રીઓ સુધી પણ સ્પષ્ટ સંદેશ પહોંચશે કે બેદરકારી અને ગેરવહીવટ સહન કરવામાં આવશે નહીં.
અણ્ણાએ વડાપ્રધાનને અપીલ કરી છે કે લોકશાહીમાં પ્રજાનો અવાજ વિરોધી પક્ષનો અવાજ નથી. સરકારે વિદ્યાર્થીઓ અને વાલીઓની વાત ધીરજપૂર્વક સાંભળવી જોઈએ, વિશ્વાસનું વાતાવરણ ઊભું કરવું જોઈએ અને ગાંધીવાદી મૂલ્યો તથા લોકશાહી પરંપરાઓને અનુસરી સંવાદ દ્વારા ઉકેલ લાવવો જોઈએ.
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
