<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

જો ખરેખર દેશમાં આટલી મોટી સંખ્યામાં ઘૂસણખોરો છે, તો અત્યાર સુધી કેન્દ્ર સરકારે શું પગલાં લીધાં? :ગૃહમંત્રીના નિવેદન પર રાજકીય ધમાસાણ

‘ચૂંટણીઓ નજીક આવે ત્યારે જ તેમને ઘૂસણખોરો દેખાય છે: છેલ્લા 2 વર્ષથી કોણ સરકાર ચલાવે છે ?:ઘૂસણખોરોને બહાર કાઢો, તમને કોણ રોકી રહ્યું છે?

નવી દિલ્હી :દેશમાં 3 કરોડ બાંગ્લાદેશી ઘૂસણખોરો હોવાના કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહના દાવા બાદ ભાજપ અને વિપક્ષ વચ્ચે રાજકીય ઘમાસાણ તેજ બન્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહના આ નિવેદન સામે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ વળતો પ્રહાર કરતા પૂછ્યું છે કે, જો ખરેખર દેશમાં આટલી મોટી સંખ્યામાં ઘૂસણખોરો હાજર છે, તો કેન્દ્ર સરકારે અત્યાર સુધી તેમની સામે શું પગલાં લીધાં છે.   ભાજપ અને તેના સહયોગી પક્ષોએ આક્ષેપ કર્યો છે કે વિપક્ષ વોટબેંક સાચવવા ગેરકાયદે વસાહતીઓને બચાવવા માટે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) જેવી પ્રક્રિયાઓનો વિરોધ કરી રહ્યો છે.

 કોંગ્રેસ નેતા ઉદિત રાજે અમિતભાઈ  શાહના પ્રહારો સામે વળતો પ્રહાર કરતાં કહ્યું કે, ‘ચૂંટણીઓ નજીક આવે ત્યારે જ તેમને ઘૂસણખોરો દેખાય છે. ઝારખંડની ચૂંટણીમાં, દિલ્હીની ચૂંટણીમાં અને બિહારની ચૂંટણીમાં પણ તેમણે ઘણો હોબાળો મચાવ્યો હતો છેલ્લા 12 વર્ષથી સરકાર કોણ ચલાવી રહ્યું છે? તેમણે શરમ અનુભવવી જોઈએ અને રાજીનામું આપવું જોઈએ. જો ઘૂસણખોરો છે તો તેમને બહાર કાઢો. 5 વર્ષ થઈ ગયા, તમને કોણ રોકી રહ્યું છે? એક લિસ્ટ બનાવો અને તમામને પાછા મોકલો. પરંતુ તેઓ દેશની જનતાને માત્ર મૂર્ખ બનાવી રહ્યા છે.’

   કોંગ્રેસ સાંસદ ઇમરાન મસૂદે અમિતભાઈ શાહના નિવેદન પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, ‘તો પછી આ ઘૂસણખોરો ક્યાં છે? જો દેશમાં આટલી મોટી સંખ્યામાં ઘૂસણખોરો હોય, તો અમિતભાઈ  શાહને પોતાના પદ પર રહેવાનો કોઈ નૈતિક અધિકાર નથી. દેશના ગૃહમંત્રી આટલું હળવાશભર્યું અને બેજવાબદાર નિવેદન આપે તેનાથી વધુ ચિંતાજનક બાબત બીજી કઈ હોઈ શકે?’

 

(11:29 PM IST)