તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 30th May 2026
"હિંમત હોય તો બળજબરીથી કાઢી બતાવો": દિલ્હીથી પરત ફરેલાં પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીનો બંગલો ખાલી કરવાનો સ્પષ્ટ ઇનકાર, ભભૂક્યો વિવાદ
સરકારી બંગલો ખાલી કરાવવા મુદ્દે બિહારના રાજકારણમાં ભારે ગરમાવો: રાબડી દેવીએ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને આપ્યો ખુલ્લો પડકાર

પટણા : બિહારના રાજકારણમાં સરકારી બંગલાનો મુદ્દો ફરી એકવાર ખૂબ જ ગરમાયો છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી નેતા રાબડી દેવીએ શનિવારે પટણાના તેમના ૧૦, સર્ક્યુલર રોડ સ્થિત સરકારી બંગલો ખાલી કરવાની નોટિસને ફગાવી દેતા મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને સીધો અને આકરો પડકાર ફેંક્યો છે. દિલ્હીથી પરત ફર્યા બાદ એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરતા રાબડી દેવીએ રોષપૂર્વક કહ્યું કે, "સમ્રાટ ચૌધરી નવા મુખ્યમંત્રી બન્યા છે એટલે ખૂબ ઉત્સાહમાં છે. જો તેમને હિંમત હોય તો મને અહીંથી બળજબરીથી કાઢી બતાવે, હું આ બંગલો ખાલી કરવાની નથી."
શું છે સમગ્ર વિવાદનું મૂળ?
રાબડી દેવી દાયકાઓથી પટણાના ૧૦, સર્ક્યુલર રોડ સ્થિત આલીશાન સરકારી બંગલામાં નિવાસ કરી રહ્યા છે. થોડા મહિનાઓ પહેલા, સમ્રાટ ચૌધરીના નેતૃત્વમાં મકાન બાંધકામ વિભાગ દ્વારા એક આદેશ બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં સ્પષ્ટ જણાવાયું હતું કે આ બંગલો હવે માત્ર નાયબ મુખ્યમંત્રી માટે જ અનામત રાખવામાં આવશે. આ સાથે જ રાબડી દેવીને હાર્ડિંજ રોડ પર એક અલગ ઘર ફાળવી ત્યાં શિફ્ટ થવા માટે નિર્દેશ આપવામાં આવ્યા હતા. હાલમાં આ બંગલામાં રાબડી દેવી અને તેમના પતિ લાલુ પ્રસાદ યાદવ રહે છે, તેમજ તેમના પુત્ર તેજસ્વી યાદવ પણ મોટાભાગનો સમય અહીં જ વિતાવે છે.
વહીવટી તંત્ર અને ભાજપ-જેડી(યુ) સરકારનો આકરો વલણ
રાબડી દેવીના આ વલણ સામે મકાન બાંધકામ મંત્રી અને જેડી(યુ) નેતા લેશી સિંહે સ્પષ્ટતા કરી છે કે રાબડી દેવીને હાર્ડિંજ રોડ પરનું નવું નિવાસસ્થાન ફાળવ્યાને ઘણો સમય થઈ ગયો છે, તેથી તેઓ હવે આ સરકારી બંગલા પર દાવો કરી શકે નહીં. મંત્રીએ કહ્યું કે સરકારે ૧૦, સર્ક્યુલર રોડ બંગલો એક મંત્રીને ફાળવી દીધો છે, જેથી રાબડી દેવીએ નિયમ મુજબ ઘર ખાલી કરવું જ પડશે.
રાજકીય ગરમાવો
રાબડી દેવીએ સમ્રાટ ચૌધરીને યાદ અપાવતા કહ્યું કે, જ્યારે તેઓ મંત્રી હતા ત્યારે તેમણે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત મારા મંત્રીમંડળમાં જ કરી હતી. હવે તેઓ મુખ્યમંત્રી બનીને મને જ બંગલામાંથી બહાર કાઢવા માટે આટલા આતુર છે. મીડિયાકર્મીઓ સાથે વાતચીત દરમિયાન રાબડી દેવીના તેવર ખૂબ જ કડક હતા અને તેમણે માઈક હટાવીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ ઘટના બાદ હવે પટણાના રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે કે શું સરકાર ખરેખર બળપ્રયોગ કરશે કે પછી આ વિવાદ લાંબો ખેંચાશે.
(10:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
