<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

કુદરતના સ્વર્ગ લદ્દાખમાં પ્લાસ્ટિક વાપર્યું તો ખિસ્સું થશે ખાલી: એલજી વી.કે. સક્સેનાનો સપાટો, કચરો ફેંકવા પર ₹5,000 અને સિંગલ-યુઝ પ્લાસ્ટિક પર ₹10,000 નો ભારે દંડ!

નાજુક હિમાલયન ઇકોસિસ્ટમને બચાવવા લેવાયો ઐતિહાસિક અને કડક નિર્ણય; લેહ એરપોર્ટ અને એન્ટ્રી પોઈન્ટ્સ પર થશે સરપ્રાઈઝ ચેકિંગ, વીડિયો-સીસીટીવી ફૂટેજથી પકડાશે ગુનેગારો

જમ્મુ : પ્રકૃતિના અદભુત સૌંદર્ય અને હિમાલયની પવિત્ર વાદીઓ ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખને પ્રદૂષણમુક્ત કરવા માટે પ્રશાસને અત્યાર સુધીનું સૌથી મોટું અને કડક પગલું ભર્યું છે. લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર (LG) વિનય કુમાર સક્સેનાએ સમગ્ર વિસ્તારમાં સિંગલ-યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ, વેચાણ અને કચરો ફેંકવા પર સખત પ્રતિબંધ મૂકતો શાહી હુકમ જારી કર્યો છે. હવે જો કોઈ પ્રવાસી, સ્થાનિક નાગરિક કે હોટેલ-રેસ્ટોરન્ટ જેવા વ્યવસાયિક સ્થાપનો આ નિયમનો ભંગ કરશે, તો તેમણે અધધ કહી શકાય તેવો ભારે પર્યાવરણીય દંડ ચૂકવવો પડશે.
નિયમ તોડ્યો તો લાગશે મોટો ફટકો: દંડનું નવું માળખું
નવા સરકારી આદેશ અનુસાર, લદ્દાખના લોકપ્રિય પર્યટન સ્થળો, રસ્તાઓ કે જાહેર સ્થળો પર ગમે ત્યાં કચરો ફેંકવા (ગંદકી કરવા) બદલ ₹5,000 નો આકરો દંડ ફટકારવામાં આવશે. આ ઉપરાંત, પ્રતિબંધિત સિંગલ-યુઝ પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ, સંગ્રહ કે વેચાણ કરતા પકડાવા પર સીધો ₹10,000 નો દંડ વસૂલવામાં આવશે. તંત્ર આ મામલે એટલું ગંભીર છે કે હવે લેહ એરપોર્ટ અને લદ્દાખમાં પ્રવેશવાના તમામ મુખ્ય માર્ગો (એન્ટ્રી પોઈન્ટ્સ) પર પ્રવાસીઓના સામાનની અચાનક (રેન્ડમ) તપાસ કરવામાં આવશે.
આ વસ્તુઓ પર લાગી ગયો સંપૂર્ણ વનવાસ
લદ્દાખ પ્રશાસને બહાર પાડેલા મંજૂર માળખા હેઠળ પ્લાસ્ટિકની કટલરી (ચમચી, કાંટા, છરી), પ્લાસ્ટિકના કપ, પ્લેટ, સ્ટ્રો, ટ્રે, પેકિંગ માટે વપરાતી રેપિંગ ફિલ્મ, થર્મોકોલની સજાવટ સામગ્રી, પ્લાસ્ટિકના ધ્વજ, પ્લાસ્ટિક સ્ટિરર (ચમચી) અને નિયત માઇક્રોન કરતાં ઓછી જાડાઈ ધરાવતા પ્લાસ્ટિકના બેનરો-પોસ્ટરોના ઉત્પાદન, પરિવહન, વિતરણ અને વેચાણ પર સંપૂર્ણ લોક લગાવી દીધો છે.
ડિજિટલ પુરાવા અને ખાસ ઓફિસરોની ફોજ તૈનાત
આ કડક કાયદાનું પાલન કરાવવા માટે લેફ્ટનન્ટ ગવર્નરે પ્રથમ વખત જિલ્લા અને ક્ષેત્ર સ્તરના અનેક અધિકારીઓને ઓન-ધ-સ્પોટ ચલણ ફાડવાની અને દંડ વસૂલવાની વિશેષ સત્તા આપી છે. એટલું જ નહીં, કચરો ફેંકનારા કે પ્લાસ્ટિક છુપાવનારાઓ સામે કાર્યવાહી કરવા માટે આધુનિક ટેક્નોલોજી, સરપ્રાઈઝ ચેકિંગ, વીડિયોગ્રાફી, ફોટોગ્રાફી અને સીસીટીવી (CCTV) ફૂટેજ જેવા કાયદેસર ઇલેક્ટ્રોનિક પુરાવાઓનો ઉપયોગ કરવામાં આવશે.
હિમનદીઓ અને વન્યજીવોને બચાવવાની છેલ્લી તક
લદ્દાખની નાજુક ઇકોસિસ્ટમ છેલ્લા કેટલાક સમયથી પર્યટકો દ્વારા ફેલાવાતા પ્લાસ્ટિક કચરાના કારણે ગંભીર જોખમમાં હતી. પ્લાસ્ટિક કચરો અહીંની પવિત્ર નદીઓ, વેટલેન્ડ્સ (ભીના મેદાનો) અને અમૂલ્ય ગ્લેશિયર્સ (હિમનદીઓ) માં ભળીને પાણીની ગુણવત્તા બગાડી રહ્યો છે. આ કચરો બાળવાથી નીકળતો ઝેરી ધુમાડો અને રસાયણો માનવ સ્વાસ્થ્ય, સ્થાનિક પશુધન અને વન્યજીવો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે, જેના કારણે પ્રશાસને આ આકરો પણ જરૂરી નિર્ણય લેવો પડ્યો છે.

(6:24 PM IST)