<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th September 2026

IIT બોમ્બેમાં વિદ્યાર્થીની આત્મહત્યા મામલે પ્રોફેસર સામે ગુનો નોંધાયો: પરિવારે લગાવ્યો જાતિ આધારિત ભેદભાવનો આરોપ

પરીક્ષામાં ChatGPT ના ઉપયોગ બાદ બનેલી ઘટનાથી ખળભળાટ : સમગ્ર તપાસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ

મુંબઈ:  મુંબઈ સ્થિત દેશની નામાંકિત શિક્ષણ સંસ્થા IIT બોમ્બેના પવઈ કેમ્પસમાં ૨૨ વર્ષીય વિદ્યાર્થી સાહિલ રવિન્દ્ર વાકોડેના આત્મહત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. આ મામલે પવઈ પોલીસે સંસ્થાના એક પ્રોફેસર સામે ગુનો નોંધી સમગ્ર તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપી દીધી છે.

મહારાષ્ટ્રના યવતમાળનો વતની અને ઉર્જા વિજ્ઞાન અને એન્જિનિયરિંગ વિભાગમાં B.Tech ના બીજા વર્ષમાં અભ્યાસ કરતો સાહિલ વાકોડે હોસ્ટેલ નંબર ૪ માં આવેલા તેના રૂમમાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. સંસ્થાના નિવેદન અનુસાર, આ ઘટનાના થોડા કલાકો પહેલાં જ પરીક્ષા દરમિયાન તે મોબાઈલ ફોન સાથે પકડાયો હતો, જેમાં તે ChatGPT પર પ્રશ્નપત્ર અપલોડ કરીને જવાબો મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

બીજી તરફ, મૃતક વિદ્યાર્થીના માતા-પિતાએ ગંભીર આરોપ લગાવ્યો છે કે તેમના પુત્રને સંસ્થામાં માનસિક ઉત્પીડન અને જાતિ આધારિત ભેદભાવનો સામનો કરવો પડતો હતો. પરિવારની ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની આત્મહત્યા માટે ઉશ્કેરણી સંબંધિત કલમો અને એટ્રોસિટી એક્ટ  હેઠળ પ્રોફેસર સામે કેસ નોંધ્યો છે.

આ કેસની આગળની તપાસ આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (ACP) સ્તરના અધિકારી અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે, જોકે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. નોંધનીય છે કે, IIT બોમ્બે કેમ્પસમાં છેલ્લા સાત મહિનામાં આત્મહત્યાની આ ત્રીજી ઘટના સામે આવતા ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

(9:26 PM IST)