News of Saturday, 25th July 2026
"હું સૂઈ જાઉં છું, થોડીવારમાં મળીશ": ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી યુવા નેતા અભિજીત દિપકેની સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ!
CJP ના સ્થાપકે જીત બાદ પણ આપ્યો આકરો સંદેશ: કહ્યું- "અમે વંદા છીએ, એકવાર અંદર આવીએ પછી સરળતાથી બહાર જતાં નથી!"

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીના જંતર-મંતર પર NEET પેપર લીક વિવાદ સામે ચાલી રહેલા ઐતિહાસિક વિદ્યાર્થી આંદોલનનો શનિવારે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સાથે અંત આવ્યો છે. આ સમગ્ર આંદોલનના મુખ્ય ચહેરા અને 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ના સ્થાપક અભિજીત દિપકે કેન્દ્રીય મંત્રીના રાજીનામા અને આંદોલનની સફળતા બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, "હું સૂઈ જાઉં છું. હું તમને બધાને થોડીવારમાં મળીશ." 49 દિવસની સતત રસ્તા પરની લડાઈ અને હોસ્પિટલના ખાટલેથી આપેલા નેતૃત્વ બાદ તેમની આ ટૂંકી પણ માર્મિક પોસ્ટે સોશિયલ મીડિયા પર ભારે ધૂમ મચાવી છે.
સરકાર અને CJP ના પ્રતિનિધિઓ વચ્ચે યોજાયેલી વાટાઘાટોમાં સરકારે વિદ્યાર્થીઓની તમામ મુખ્ય માંગણીઓ સ્વીકારી લીધી છે. જેમાં NEET પેપર લીક વિવાદમાં પ્રાણ ગુમાવનારા નિર્દોષ વિદ્યાર્થીઓના પરિવારોને રૂ. 1 કરોડનું આર્થિક વળતર આપવા અને 20 જુલાઈની 'સાંસદ ચલો' કૂચ દરમિયાન વિદ્યાર્થીઓ સામે નોંધાયેલી તમામ એફઆઈઆર (FIR) પાછી ખેંચવા માટે સહમતી સધાઈ છે. આ કરાર બાદ જ CJP એ પોતાના 49 દિવસ લાંબા આંદોલનને સત્તાવાર રીતે સમેટી લેવાની જાહેરાત કરી હતી.
જોકે, આ ભવ્ય જીત બાદ પણ અભિજીત દિપકે પોતાની લડાયક મનોવૃત્તિ જાળવી રાખી છે. મીડિયાને સંબોધતા તેમણે દેશવાસીઓને અપીલ કરી કે આ વિજયને કોઈ એક વ્યક્તિના નામે ચડાવવાને બદલે યુવા એકતાની તાકાત તરીકે જોવો જોઈએ. સરકારને ભવિષ્ય માટે ચેતવણી આપતા દિપકે આક્રમક અંદાજમાં કહ્યું કે, "અમારી બે વધુ માંગણીઓ છે; અમે આમ જ જતા નહીં રહીએ. અમે વંદો છીએ; એકવાર અંદર આવી જઈએ, પછી સરળતાથી બહાર જતા નથી!" તેમની આ ટીપ્પણીએ સ્પષ્ટ કરી દીધું છે કે દેશના યુવાનો હવે પોતાના અધિકારો માટે સરકાર સામે ઝૂકવા તૈયાર નથી.
(7:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
