<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

લોકસભાના આગામી ચોમાસુ સત્રમાં બદલાશે સંસદની તસવીર: તૃણમૂલ અને શિવસેનામાં થયેલી મોટી ફૂટ બાદ સાંસદોના બેઠક વ્યવસ્થામાં ધરખમ ફેરફારના સંકેત

​વિપક્ષના ઈન્ડી ગઠબંધનથી અલગ થયેલા નેતાઓ અને બળવાખોર ધારાસભ્યોના નવા સમીકરણોને કારણે લોકસભામાં બેઠક વ્યવસ્થામાં થશે ધરખમ ફેરફાર; સ્પીકર ઓમ બિરલા અંતિમ નિર્ણય લેશે

​નવી દિલ્હી:​ભારતીય સંસદના આગામી ચોમાસુ સત્ર દરમિયાન લોકસભામાં અત્યાર સુધી જોવા મળતા રાજકીય દ્રશ્યોમાં મોટો બદલાવ જોવા મળશે. રાજકીય પક્ષોમાં આંતરિક ખેંચતાણ અને નેતાઓના પક્ષપલટાને કારણે સર્જાયેલી નવી પરિસ્થિતિઓ હવે સીધી રીતે ગૃહની બેઠક વ્યવસ્થા પર અસર પાડશે. ખાસ કરીને તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને શિવસેના (UBT)માં થયેલી મોટી ફૂટ તથા દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)ના વલણને કારણે સત્ર દરમિયાન સંસદ ભવનમાં નવી બેઠક વ્યવસ્થા લાગુ કરવી અનિવાર્ય બની છે.

​સૂત્રોના જણાવ્યા અનુસાર, લોકસભા સ્પીકર ઓમ બિરલા આગામી સત્ર શરૂ થાય તે પહેલાં આ અંગે નિર્ણય લઈ શકે છે. સૌથી મોટો ફેરફાર તૃણમૂલ કોંગ્રેસના 20 બળવાખોર સાંસદોને લઈને જોવા મળશે. આ સાંસદોએ 'નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા' (NCPI)ના નામે અલગ જૂથ તરીકે માન્યતા મેળવવા માટે દાવો કર્યો છે. આ બળવાખોર સાંસદોએ સ્પષ્ટપણે એનડીએ (NDA) સરકારને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે, જેના કારણે તેમની બેઠક હવે વિપક્ષની બેન્ચને બદલે સત્તાધારી પક્ષની બેન્ચ પર ફાળવવામાં આવશે. આ જૂથના નેતા તરીકે સુદીપ બંદોપાધ્યાયને ચૂંટવાની પ્રક્રિયા પણ 19 જુલાઈએ યોજાનાર બેઠકમાં પૂર્ણ થવાની ધારણા છે.

​તે જ રીતે, મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા ઉલટફેર બાદ શિવસેના (UBT)ના છ સાંસદોએ પણ પક્ષથી અલગ થઈને અલગ જૂથ તરીકે કામ કરવાનું શરૂ કર્યું છે. આ સાંસદો પણ હવે સત્તાપક્ષની નજીક બેસશે તેવું લગભગ નક્કી જણાય છે. લોકસભા અધ્યક્ષે આ બાબતે બંને પક્ષોના પ્રતિનિધિમંડળ સાથે મંત્રણા કરી લીધી છે.

​બીજી તરફ, દક્ષિણ ભારતની મહત્વની પાર્ટી DMK પણ હવે કોંગ્રેસના નેતૃત્વવાળા ગઠબંધનથી અંતર જાળવી રહી છે અને તેણે લોકસભામાં કોંગ્રેસના સભ્યોથી અલગ બેઠક ફાળવવાની માંગ કરી છે. સંસદીય કાર્યપદ્ધતિના નિષ્ણાતો માને છે કે, સ્પીકર કાયદાકીય પ્રક્રિયા અને બંધારણીય જોગવાઈઓને ધ્યાનમાં રાખીને જ આ ફેરફારોને અંતિમ મંજૂરી આપશે. આ ફેરફારો માત્ર સીટિંગ એરેન્જમેન્ટ પૂરતા સીમિત નથી, પરંતુ તે દેશના બદલાતા રાજકીય સમીકરણો અને સંસદમાં વધતા સત્તાપક્ષના પ્રભાવનું પ્રતિબિંબ પણ છે.

(10:28 PM IST)