તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th November 2026
અનન્યા પાંડેની મંજૂરી વિના તસવીરોનો ઉપયોગ કરી નહીં શકાય
બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડેને પોતાની ઓળખના દુરૂપયોગ કરવા મુદ્દે બોમ્બે હાઇ કોર્ટે વચગાળાની રાહત આપી

મુંબઈ : બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડેને પોતાની ઓળખના દુરુપયોગ કરવા મુદ્દે બોમ્બે હાઇ કોર્ટે વચગાળાની રાહત આપી છે. કોર્ટે તેમની તસવીરો, એઆઈની મદદથી તૈયાર કરવામાં આવેલી અશ્લીલ તસવીરો અને વીડિયો ક્લિપ્સનો પરવાનગી વિના ઉપયોગ કરવા પર રોક લગાવી હતી. આ ઉપરાત આ અનન્યા દ્વારા ઓળખવામાં આવેલા વાંધાજનક કન્ટેન્ટને ઈન્ટરનેટ પરથી હટાવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.
એક મીડિયા રિપોર્ટના અહેવાલ મુજબ જસ્ટિસ માધવ જામદારે ગુરુવારે આ વચગાળાનો આદેશ આપ્યો હતો. અનન્યાએ પોતાના પર્સનાલિટી રાઇટ્સની સુરક્ષાની માંગ સાથે કોર્ટમાં અરજી કરી હતી. તેમનો આરોપ હતો કે અનેક પ્રોડક્ટ્સ અને ઓનલાઈન પ્લેટફોર્મ તેમની તસવીરો ઉપરાંત એઆઈથી તૈયાર કરાયેલી તસવીરો અને વીડિયોનો પણ મંજૂરી વિના ઉપયોગ કરી રહ્યા છે.
અનન્યાની અરજીમાં ડિજિટલ પ્લેટફોર્મ પર તેમની ઓળખનો સંમતિ વિના ઉપયોગ થતો હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. તેમણે કોર્ટને વિનંતી કરી હતી કે તેમની તસવીરો અને તેમની સાથે જોડાયેલી અન્ય સામગ્રીનો પરવાનગી વિના ઉપયોગ તથા શેરિગ અટકાવવામાં આવે. આ મામલે રજૂ કરવામાં આવેલી સામગ્રીની તપાસ કર્યા બાદ બોમ્બે હાઇ કોર્ટે પ્રાથમિક દ્રષ્ટિએ અનન્યાનો પક્ષ યોગ્ય જણાતો હોવાનું નોંધ્યું.
જસ્ટિસ જામદારે જણાવ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ આ પ્રકારની સામગ્રી અનન્યાના ગોપનિયતાના અધિકાર, પબ્લિસિટી રાઇટ્સ, નૈતિક અધિકારો અને સન્માન સાથે જીવવાના અધિકારોનું ઉલ્લંઘન કરતી જણાય છે. આ નોંધ સાથે કોર્ટે વાંધાજનક સામગ્રીને ઓનલાઈન પ્લેટફોર્મ પરથી દૂર કરવાનો આદેશ આપ્યો છે. જોકે, હાલ પૂરતી આ રાહત વચગાળાની છે અને મામલે આગળની સુનાવણી ચાલુ રહેશે.
પોતાની ઓળખના ખોટા ઉપયોગ સામે કોર્ટનો દરવાજો ખખડાવનાર અનન્યા પાંડે એકમાત્ર અભિનેત્રી નથી. અગાઉ ‘અનુપમા' સિરિયલની અભિનેત્રી રૂપાલી ગાંગુલી સાથે જોડાયેલી વાંધાજનક ઓનલાઈન સામગ્રી દૂર કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત, બરાબર એક દિવસ પહેલા દિલ્હી હાઇ કોર્ટે કૃતિ સેનનને તેમના નામ, તસવીર, અવાજ અને ઓળખના ખોટા ઉપયોગ સામે વચગાળાની સુરક્ષા આપી હતી.
(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
