તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Friday, 17th April 2026
કેનેડામાં ગેરકાયદે રહેતા લોકો સામે ઇમિગ્રેશન વિભાગની કડક કાર્યવાહી:સેંકડો લોકોને દેશ છોડવા નોટીસ ફટકારી
શંકાસ્પદ લિંક ધરાવતા લોકોની પ્રોફાઇલ તપાસીને તેમને ચિહ્નિત કરાયા :આવા તત્વો કેનેડાની આંતરિક શાંતિ માટે પણ ખતરો બની શકે

નવી દિલ્હી :કેનેડા સરકારે દેશમાં આશ્રય મેળવવા ઈચ્છતા અને શરણાર્થી તરીકે રહેતા લોકો વિરુદ્ધ અત્યાર સુધીની સૌથી કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે. રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઇમિગ્રેશન વિભાગે અનેક શંકાસ્પદ અરજીઓ ફગાવી દીધી છે અને સેંકડો લોકોને દેશ છોડવા માટે સત્તાવાર નોટિસ ફટકારી છે. ખાસ કરીને ભારત વિરોધી ગતિવિધિઓ અને ખાલિસ્તાની લિંક ધરાવતા તત્વો સામે કેનેડાએ લાલ આંખ કરી છે, જેનાથી ત્યાં વસતા શરણાર્થીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
કેનેડાની ઇમિગ્રેશન એજન્સી દ્વારા છેલ્લા કેટલાક સમયથી શરણ લેનારાઓના કેસની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી હતી. આ સમીક્ષા દરમિયાન જાણવા મળ્યું કે ઘણા લોકોએ ખોટી માહિતી અથવા દસ્તાવેજોના આધારે આશ્રય મેળવ્યો છે. એજન્સીએ સ્પષ્ટ કર્યું છે કે જે લોકો સુરક્ષા માટે જોખમરૂપ છે અથવા જેમના કનેક્શન આતંકવાદી ગતિવિધિઓ સાથે છે, તેમને કોઈપણ સંજોગોમાં દેશમાં રહેવા દેવામાં આવશે નહીં. આ પ્રક્રિયાના ભાગરૂપે જ દેશનિકાલની નોટિસો ઈશ્યુ કરવામાં આવી છે.
તાજેતરના વર્ષોમાં કેનેડાની ધરતી પરથી ભારત વિરોધી અને ખાસ કરીને ખાલિસ્તાની ગતિવિધિઓમાં વધારો જોવા મળ્યો હતો. ભારત સરકાર દ્વારા વારંવાર કરવામાં આવેલી રજૂઆતો અને આંતરરાષ્ટ્રીય દબાણ બાદ, હવે કેનેડા સરકારે આ મામલે ગંભીરતા દાખવી છે. શંકાસ્પદ લિંક ધરાવતા લોકોની પ્રોફાઇલ તપાસીને તેમને ચિહ્નિત કરવામાં આવ્યા છે. સુરક્ષા એજન્સીઓના મતે, આવા તત્વો કેનેડાની આંતરિક શાંતિ માટે પણ ખતરો બની શકે છે, જેના કારણે તેમને પરત મોકલવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે.
કેનેડામાં આશ્રય મેળવવા માટે ઘણા લોકો એજન્ટોના રવાડે ચઢીને નકલી દસ્તાવેજો રજૂ કરતા હોય છે. સરકારે હવે આવી સિસ્ટમમાં રહેલી છીંડાં પૂરી દીધા છે. ઇમિગ્રેશન વિભાગે જણાવ્યું છે કે, જે લોકોએ ખોટી ઓળખ આપી છે અથવા જેમના ભૂતકાળમાં ગુનાહિત ઇતિહાસ છે, તેમની અરજીઓ તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવી રહી છે. આ કડક વલણને કારણે હજારો ભારતીયો, ખાસ કરીને જેઓ કાયદેસર રીતે સ્થાયી થવા માંગે છે, તેમનામાં ચિંતા વધી છે કે ક્યાંક તેમની પ્રક્રિયા પર પણ આની અસર ન પડે.
કેનેડા સરકારના આ પગલાથી એક વાત સ્પષ્ટ છે કે હવે 'સોફ્ટ સ્ટેટ' તરીકેની તેની છબી બદલાઈ રહી છે. આવનારા સમયમાં શરણાર્થીઓ માટેના નિયમો વધુ કડક બનાવવામાં આવશે. જે લોકો ખરેખર જોખમમાં છે તેમને જ આશ્રય મળશે, જ્યારે રાજકીય એજન્ડા અથવા ગુનાહિત ઈરાદા સાથે આવતા લોકો માટે કેનેડાના દરવાજા બંધ થઈ રહ્યા છે. આ કાર્યવાહીથી ઇમિગ્રેશન એજન્સીમાં પણ ખળભળાટ મચી ગયો છે અને વહીવટી પ્રક્રિયામાં પણ વેગ આવ્યો છે.
(7:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
