<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th November 2026

ઇન્ડોનેશિયામાં ઉપરાષ્ટ્રપતિ ગિબ્રાન સામે મહાભિયોગની કાર્યવાહીનો તખ્તો તૈયાર : ૧૨૦ સાંસદોએ સમર્થન આપતાં રાજકીય ખળભળાટ, શૈક્ષણિક લાયકાત અંગે વિવાદ વકર્યો

પૂર્વ રાષ્ટ્રપતિ જોકો વિડોડોના પુત્ર ગિબ્રાનની ચૂંટણીલાયકાત ઉપર અદાલતી ચુકાદાઓ બાદ સવાલો : રાજીનામું આપવાની ઇચ્છા વ્યક્ત કરી હોવાના અહેવાલ, અંતિમ નિર્ણય અનિશ્ચિત

જકાર્તા, તા. ૧૨ : ઇન્ડોનેશિયામાં ઉપરાષ્ટ્રપતિ ગિબ્રાન રાકાબુમિંગ રાકાની શૈક્ષણિક લાયકાતને લઈને શરૂ થયેલા વિવાદે ગંભીર રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે. દેશની સંસદના ૧૨૦ સભ્યોએ ગિબ્રાન સામે મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરવાની માગણી કરતી અરજી ઉપર સહી કરી છે.

ગિબ્રાન દેશના પૂર્વ રાષ્ટ્રપતિ જોકો વિડોડોના પુત્ર છે. વર્ષ ૨૦૨૪ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેઓ પ્રબોવો સુબિયાન્ટો સાથે ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. જોકે વિદેશમાં મેળવેલી તેમની શૈક્ષણિક લાયકાત અંગે વિવાદ ઊભો થયો હતો.

ઇન્ડોનેશિયાની બંધારણીય અદાલત અને સર્વોચ્ચ અદાલતના તાજેતરના ચુકાદાઓ બાદ ગિબ્રાનની ચૂંટણીપાત્રતા સામે પ્રશ્નો ઊભા થયા છે. સર્વોચ્ચ અદાલતે તેમની શૈક્ષણિક સમકક્ષતાનું પ્રમાણપત્ર રદ કરવાની કાર્યવાહીનો નિર્દેશ આપ્યો છે.

સંસદના આઠ રાજકીય પક્ષોના સભ્યોએ મહાભિયોગ માટેની પહેલમાં ભાગ લીધો છે. તેમાં કેટલાક શાસક પક્ષના સાંસદોનો પણ સમાવેશ થાય છે.

અહેવાલો મુજબ ગિબ્રાને રાષ્ટ્રપતિ પ્રબોવો સમક્ષ રાજીનામું આપવાની ઇચ્છા વ્યક્ત કરી છે, પરંતુ તેમનું રાજીનામું સ્વીકારાયું છે કે કેમ તે સ્પષ્ટ નથી.

હવે સંસદીય પ્રક્રિયા આગળ વધે તો વિશેષ સમિતિ તપાસ કરશે અને બંધારણીય પ્રક્રિયા મુજબ આગળના નિર્ણયો લેવાશે. આ ઘટનાક્રમથી ઇન્ડોનેશિયાના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે.

 

(10:48 AM IST)