<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

એર ઇન્ડિયાની ૭ મેના રોજ મહત્વની બોર્ડ મીટિંગ: નવા સીઈઓની નિમણૂક અને ખર્ચ ઘટાડવા અંગે થશે ચર્ચા: મુસાફરોને આપવામાં આવતી ભોજન અને લાઉન્જ જેવી સેવાઓને ટિકિટના ભાડાથી અલગ કરવા વિચારણા થવા સંભવ

પશ્ચિમ એશિયાના સંકટ વચ્ચે એર ઇન્ડિયાને ૨૨,૦૦૦ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન, ખર્ચ ઘટાડવા માટે સેવાઓ અલગ કરવા પર વિચાર

મુંબઈ: ટાટા ગ્રુપની માલિકીની એરલાઇન એર ઇન્ડિયાની ૭ મેના રોજ એક અતિ મહત્વની બોર્ડ મીટિંગ યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં મુખ્યત્વે નવા સીઈઓ (ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર)ની પસંદગી અને કંપનીના વધતા જતા સંચાલન ખર્ચને કાબૂમાં લેવાના ઉપાયો પર ચર્ચા કરવામાં આવશે.

માર્ચ ૨૦૨૬માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં એર ઇન્ડિયાને અંદાજિત ૨૨,૦૦૦ કરોડ રૂપિયાથી વધુનું જંગી નુકસાન થયું હોવાનો અહેવાલ છે, જેની પાછળ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો ભૌગોલિક-રાજકીય સંઘર્ષ અને ઈંધણના વધતા ભાવો મુખ્યત્વે જવાબદાર છે.

મની કંટ્રોલમાં પ્રસિધ્ધ થયેલ   અહેવાલ મુજબ, એર ઇન્ડિયાના ચેરમેન એન. ચંદ્રશેખરનની અધ્યક્ષતામાં ૭ મેના રોજ મુંબઈમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સની અત્યંત મહત્વપૂર્ણ બેઠક મળવાની છે. આ બેઠકમાં નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ના આર્થિક પરિણામોની સમીક્ષા કરવામાં આવશે. કંપનીના વર્તમાન સીઈઓ કેમ્પબેલ વિલ્સન આ વર્ષના અંતમાં પોતાનું પદ છોડવાના હોવાથી, નવા સીઈઓની નિમણૂક માટેની યોજનાઓ આ બેઠકનો મુખ્ય એજન્ડા રહેશે.

હાલમાં એર ઇન્ડિયા મોટા આર્થિક પડકારોનો સામનો કરી રહી છે. માર્ચ ૨૦૨૬માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં કંપનીને અંદાજિત ૨૨,૦૦૦ કરોડ રૂપિયા કરતાં પણ વધુ નુકસાન ગયું છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને એરસ્પેસ પરના નિયંત્રણોને કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને લાંબા રૂટ પરથી પસાર થવું પડે છે. પરિણામે મુસાફરીનો સમય અને ઈંધણનો વપરાશ વધતા ખર્ચમાં ભારે ઉછાળો આવ્યો છે.

આર્થિક બોજ ઘટાડવા માટે બોર્ડ દ્વારા કેટલીક કામગીરીમાં ફેરફાર કરવાના પ્રસ્તાવ પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. જેમાં મુસાફરોને આપવામાં આવતી ભોજન અને લાઉન્જ જેવી સેવાઓને ટિકિટના ભાડાથી અલગ કરવી વગેરે બાબતોનો સમાવેશ થાય છે.

આ ફેરફારથી મુસાફરોને ભોજન વગરની સસ્તી ટિકિટ પસંદ કરવાનો વિકલ્પ મળી શકે છે, જોકે આ અંગે અંતિમ નિર્ણય હજુ લેવાયો નથી. વધતા જતા ખર્ચને પહોંચી વળવા માટે કંપની દ્વારા અગાઉથી જ જુલાઈ મહિના સુધીમાં અનેક આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઇટ્સના સંચાલનમાં કાપ મૂકવાની જાહેરાત કરવામાં આવી છે.

(8:06 PM IST)