<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th October 2026

કેન્દ્રીય સરકારી કર્મચારીઓ માટે HRA ક્લેમના નિયમોમાં મહત્વના ફેરફારો, નાનામાં નાની ભૂલથી પણ ભથ્થું અટકી જશે

નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે જાહેર કર્યા નવા દિશાનિર્દેશો, પ્રથમ વખત દાવો કરનારે આપવું પડશે અનિવાર્ય પ્રમાણપત્ર

નવી દિલ્હી, તા.૦૫: કેન્દ્રીય સરકારી કર્મચારીઓના કુલ પગારમાં ખૂબ જ મહત્વનો હિસ્સો ધરાવતા હાઉસ રેન્ટ એલાઉન્સ એટલે કે મકાન ભાડા ભથ્થા (HRA) ના દાવા, ચુકવણી અને પ્રમાણપત્રને લઈને નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગ દ્વારા નવી માર્ગદર્શિકા સ્પષ્ટ કરવામાં આવી છે. સરકારી કર્મચારીઓ દ્વારા HRA ક્લેમ કરતી વખતે થતી નાની ભૂલોને કારણે એલાઉન્સ અટકી જવાની કે વિલંબ થવાની સમસ્યાઓને દૂર કરવા માટે આ નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. હવેથી કોઈપણ કર્મચારીએ પ્રથમ વખત HRA ક્લેમ કરતી વખતે નિર્ધારિત ફોર્મેટ મુજબનું અનિવાર્ય પ્રમાણપત્ર જમા કરાવવું પડશે, જેની ચકાસણી હેડ ઓફ ઓફિસ (HOO) અને ડ્રોઇંગ એન્ડ ડિસ્બર્સિંગ ઓફિસર (DDO) દ્વારા કરવામાં આવશે.

નવા સુધારેલા નિયમો અનુસાર, દરેક કેન્દ્રીય કર્મચારીએ પોતાના પ્રથમ HRA દાવો રજૂ કરતી વખતે 'Annexure-II' માં નિર્ધારિત પ્રમાણપત્ર સબમિટ કરવું અનિવાર્ય બનાવવામાં આવ્યું છે. આ દસ્તાવેજ કર્મચારીની HRA મેળવવાની યોગ્યતા નક્કી કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. જાકે, જો કર્મચારીની રહેઠાણ કે સેવાકીય સ્થિતિમાં ભવિષ્યમાં કોઈ એવો ફેરફાર ન થાય જેથી HRA ની પાત્રતા પર અસર પડે, તો તેમણે વારંવાર આ પ્રમાણપત્ર આપવું પડશે નહીં, માત્ર સ્થિતિ બદલાય ત્યારે જ ઓફિસને તેની લેખિત જાણ કરવાની રહેશે.

મંત્રાલય દ્વારા નોન-ગેઝેટેડ અને ગેઝેટેડ (રાજપત્રિત) અધિકારીઓ માટે અલગ અલગ પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે. નોન-ગેઝેટેડ કર્મચારીઓએ નિર્ધારિત પ્રમાણપત્ર પોતાના કાર્યાલયના વડા (Head of Office) ને રજૂ કરવાનું રહેશે, જ્યારે ગેઝેટેડ અધિકારીઓએ આ પ્રમાણપત્ર સંબંધિત એકાઉન્ટ્સ ઓફિસર (Accounts Officer) સમક્ષ રજૂ કરવું પડશે. આ દસ્તાવેજમાં કર્મચારીએ પોતાનું નામ, હોદ્દો અને હસ્તાક્ષર કરવાના રહેશે, તેમજ કર્મચારી પર જે જાહેરાતો લાગુ ન પડતી હોય તેને ફોર્મમાંથી સ્પષ્ટપણે કાપી નાખવા માટેની સૂચના આપવામાં આવી છે.

Annexure-II ફોર્મમાં કર્મચારીએ મુખ્યત્વે ચાર મહત્વપૂર્ણ બાબતો અંગેની સત્તાવાર જાહેરાત કરવાની રહેશે. જેમાં પ્રથમ, કર્મચારી અથવા તેમના પરિવારની માલિકીનું મકાન કે ભાડાની સ્થિતિનો ઉલ્લેખ કરવાનો રહેશે. બીજું, જો પરિવારનો કોઈ સભ્ય તેમને ફાળવવામાં આવેલા સરકારી આવાસમાં રહેતો હોય તેની વિગત આપવી પડશે. ત્રીજું, પરિવારનો અન્ય કોઈ સભ્ય અલગથી HRA મેળવે છે કે નહીં તેની માહિતી આપવી પડશે, અને ચોથું, જો જીવનસાથી (પતિ કે પત્ની) તે જ સ્ટેશન પર સરકાર અથવા સંબંધિત સરકારી સંસ્થા તરફથી રહેઠાણ મેળવી રહ્યા હોય તો તેની સ્પષ્ટ જાણ કરવાની રહેશે.

ડીડીઓ (DDO) અને ખાતાકીય અધિકારીઓની જવાબદારી રહેશે કે તેઓ આ તમામ ચાર બાબતોની સચોટ તપાસ કર્યા પછી જ કર્મચારીના HRA નાણાં મંજૂર કરી ચુકવણી આગળ ધપાવે. જો ચકાસણી દરમિયાન કોઈ વિસંગતતા કે ખોટી માહિતી જણાશે તો ક્લેમ તાત્કાલિક અસરથી રોકી દેવામાં આવશે. આ કડક સુધારાનો મુખ્ય હેતુ સરકારી ભથ્થાંની ચુકવણીમાં પારદર્શિતા લાવવાનો અને એક જ સ્ટેશન પર ડુપ્લિકેટ અથવા ગેરકાયદેસર રીતે લેવાતા HRA ક્લેમ પર રોક લગાવવાનો છે.

અંતમાં, આ નવા સર્ક્યુલર અને નિર્દેશો બાદ તમામ કેન્દ્રીય સરકારી વિભાગોને પોતાના કર્મચારીઓ પાસે સમયસર Annexure-II મેળવી લેવાની સૂચના આપી દેવામાં આવી છે. કર્મચારીઓને પણ સલાહ આપવામાં આવી છે કે તેઓ પોતાના પગારમાં કોઈ આર્થિક નુકસાન કે વિલંબ ન થાય તે માટે ક્લેમ સબમિટ કરતી વખતે તમામ વિગતો યોગ્ય રીતે ચકાસીને જ ફોર્મ ભરે, જેથી ભવિષ્યમાં કોઈ ઓડિટ વાંધો કે પેન્શન સંબંધિત અડચણ ઊભી ન થાય.

(5:01 PM IST)