<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

અયોધ્યાના રામ મંદિર ટ્રસ્ટમાં એક પછી એક મહત્વના નિર્ણયો લેવાયા :ગોવિંદ દેવ ગિરીને ટ્રસ્ટના મહાસચિવ બનાવાયા

અગાઉ ચંપત રાય ટ્રસ્ટના મહાસચિવ તરીકે જવાબદારી સંભાળતા હતા. દાન સંબંધિત વિવાદ બાદ તેમણે પદ પરથી રાજીનામું આપ્યું હતું

અયોધ્યાના રામ જન્મભૂમિ મંદિરના વહીવટી અને સંગઠનાત્મક માળખામાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. રામ મંદિર ટ્રસ્ટની બેઠકમાં સ્વામી ગોવિંદ દેવ ગિરી મહારાજને ટ્રસ્ટના નવા નિયમિત મહાસચિવ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અગાઉ ચંપત રાય ટ્રસ્ટના મહાસચિવ તરીકે જવાબદારી સંભાળતા હતા. દાન સંબંધિત વિવાદ બાદ તેમણે પદ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ કૃષ્ણ મોહનને કાર્યકારી મહાસચિવ તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. હવે ટ્રસ્ટની બેઠકમાં ગોવિંદ દેવ ગિરીની નિયમિત મહાસચિવ તરીકે પસંદગી કરવામાં આવી છે.

સ્વામી ગોવિંદ દેવ ગિરી મહારાજ જાણીતા આધ્યાત્મિક સંત અને કથાવાચક છે. તેમનો જન્મ 25 જાન્યુઆરી 1949ના રોજ મહારાષ્ટ્રના અહિલ્યાનગર જિલ્લાના બેલાપુર ગામમાં થયો હતો. પાંડુરંગ શાસ્ત્રી અઠવલેના વિચારો અને આધ્યાત્મિક માર્ગદર્શનથી તેઓ આધ્યાત્મ તરફ વળ્યા હતા.તેઓ અગાઉ રામ મંદિર ટ્રસ્ટમાં ખજાનચી તરીકે જવાબદારી નિભાવતા હતા. આ ઉપરાંત તેઓ મથુરા કૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટના ઉપાધ્યક્ષ પણ છે. શ્રીમદ્ ભાગવત, ભગવદ્ ગીતા, મહાભારત અને રામાયણ પર સરળ ભાષામાં પ્રવચન આપવા માટે તેઓ જાણીતા છે.

 

 

રામ મંદિરની વહીવટી વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે રિટાયર્ડ એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાને મંદિરના પ્રથમ CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. CEO પદ માટે 16 ઉમેદવારોમાંથી જિતેન્દ્ર મિશ્રા, મેજર જનરલ સંજય પ્રતાપ સિંહ અને શ્રુતિ ભારદ્વાજના નામ શોર્ટલિસ્ટ થયા હતા.

 

ટ્રસ્ટની બેઠકમાં બે નવા સભ્યોને પણ જવાબદારી સોંપવામાં આવી છે. અયોધ્યાના વરિષ્ઠ વકીલ મદન મોહન પાંડેને ટ્રસ્ટી બનાવવામાં આવ્યા છે. તેઓ રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસમાં રામલલાની તરફથી કાનૂની લડત સાથે જોડાયેલા હતા.આ ઉપરાંત શિકોહાબાદની ડૉ. નિર્મલા યાદવને પણ ટ્રસ્ટી બનાવાયા છે. હિન્દી અને સંસ્કૃતમાં પોસ્ટગ્રેજ્યુએટ ડૉ. યાદવને આશરે 15 વર્ષનો શૈક્ષણિક અનુભવ હોવાનું જણાવાયું છે.

(12:50 AM IST)