<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

"ગાંધીનગર લોકસભા - હરિયાળી લોકસભા" અંતર્ગત અમદાવાદમાં વૃક્ષારોપણ અભિયાન અંગે મહત્વની સંગઠનાત્મક બેઠક યોજાઈ : કેન્દ્રીય ગૃહ મંત્રી અમીતભાઈ શાહની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ઉચ્ચ નેતાઓની હાજરી

વૃક્ષારોપણ કોઈ રાજકીય પક્ષનું જ અભિયાન નથી પરંતુ પ્રત્યેક માનવીનું સામાજિક ઉત્તરદાયિત્વ છે, પૃથ્વી અને પ્રકૃતિનું સંરક્ષણ આપણી સહિયારી જવાબદારી : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિ

અમદાવાદ:ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમીતભાઈ શાહની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ સંગઠનાત્મક બેઠકનું આયોજન સર્કિટ હાઉસ, શાહીબાગ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. "ગાંધીનગર લોકસભા - હરિયાળી લોકસભા" ઉપક્રમે સામૂહિક વૃક્ષારોપણ અભિયાનને વેગ આપવા માટે યોજાયેલી આ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ભાજપા પ્રદેશ મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, સંસદીય ક્ષેત્રના તમામ ધારાસભ્યો, જિલ્લા, મહાનગર અને નગરના ભાજપા અધ્યક્ષો સહિત સંગઠનના અગ્રણી હોદ્દેદારોએ હાજરી આપી હતી.

 

છેલ્લા ૩ વર્ષમાં ૧.૫ કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું:

દેશના કેન્દ્રીય ગૃહ મંત્રી અમીતભાઈ શાહના સક્ષમ માર્ગદર્શન હેઠળ છેલ્લા સાત વર્ષથી "ગાંધીનગર લોકસભા – હરિયાળી લોકસભા" અભિયાન સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહ્યું છે. આગામી પેઢી માટે સ્વચ્છ તથા સ્વસ્થ પ્રકૃતિનું નિર્માણ કરવાના અને પર્યાવરણના સંવર્ધનના મુખ્ય ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલા આ અભિયાનને વ્યાપક જનભાગીદારી સાંપડી રહી છે. આ ભગીરથ કાર્યના પરિણામે પાછલા ત્રણ વર્ષોના ટૂંકા ગાળામાં જ સમગ્ર સંસદીય વિસ્તારમાં ૧.૫ કરોડથી વધુ વૃક્ષોનું સફળતાપૂર્વક વાવેતર કરવામાં આવ્યું છે.

 

વિસ્તારમાં વૃક્ષોની ઘનતા ૧૧.૨% વધી, હજુ ૩૩% લાંબા આયુષ્યવાળા વૃક્ષો વાવવા અપીલ:

અમીતભાઈ શાહે બેઠકમાં માર્ગદર્શક ઉદબોધન આપતા જણાવ્યું હતું કે, ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ગ્રીન કવર અને વૃક્ષોની ઘનતામાં ૧૧.૨% નો નોંધપાત્ર વધારો થયો છે, પરંતુ પૃથ્વીના વધી રહેલા તાપમાનને નિયંત્રિત કરવા માટે આ આંકડો હજુ પૂરતો નથી. તેમણે વિસ્તારમાં ઓછામાં ઓછા ૩૩% લાંબા આયુષ્યવાળા વૃક્ષો વાવવા પર ભાર મૂકતા જણાવ્યું કે, આવા વૃક્ષોને મોટા થવામાં સમય જરૂર લાગે છે, પરંતુ એકવાર વિકાસ પામ્યા પછી તેઓ લાંબા સમય સુધી ઓક્સિજન અને છાંયડો પ્રદાન કરે છે, જેનાથી વારંવાર નવા વૃક્ષો વાવવાની જરૂરિયાત ઘટે છે. સતત વૃક્ષારોપણ કરવાથી લાંબાગાળે પર્યાવરણ વધુ સમતોલ અને સ્વસ્થ બનશે.

 

ગ્લોબલ વોર્મિંગ સામે લડવા પ્રકૃતિનું શોષણ અટકાવવું અનિવાર્ય:

સમગ્ર વિશ્વ આજે ગ્લોબલ વોર્મિંગ અને અનિયમિત હવામાનની ગંભીર સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે પ્રકૃતિનું દોહન ભલે થાય પણ તેનું શોષણ ક્યારેય ન થવું જોઈએ. પ્રકૃતિને બચાવવા માટે તત્કાળ કડક પગલાં લેવા એ સમયની તાતી જરૂરિયાત છે. આપણું આ નાનું પગલું આવનારી પેઢીને સ્વચ્છ પર્યાવરણની ભેટ આપશે. અમીતભાઈ શાહે તમામ નાગરિકો, સામાજિક-શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગગૃહો, સ્વૈચ્છિક સંગઠનો અને ભાજપાના કાર્યકર્તાઓને અપીલ કરી હતી કે તેઓ પોતાના રહેણાક વિસ્તારની આસપાસ ખાલી જગ્યાઓ શોધીને વૃક્ષારોપણ કરે. પ્રત્યેક નાગરિક ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેના ઉછેરની જવાબદારી સ્વીકારે તો આ ક્ષેત્રને હરિયાળું બનાવવાનું સ્વપ્ન ઝડપથી સાકાર થશે. આ ઝુંબેશ અંતર્ગત કોઈપણ સહાયતા માટે નાગરિકો સંલગ્ન વિસ્તારના જનપ્રતિનિધિઓ અથવા સંસદીય ક્ષેત્રના કાર્યાલયનો સંપર્ક કરી શકે છે. બેઠકના અંતે તેમણે પર્યાવરણ સંરક્ષણના આ મહાયજ્ઞમાં સહિયારા પ્રયાસોને વેગ આપવા નાગરિકોને આહવાન કર્યું હતું.

(9:04 PM IST)