News of Thursday, 26th November 2026
મોદી કેબિનેટની આવતીકાલે મહત્વપૂર્ણ બેઠક, બપોરે ૧ વાગ્યે 'સેવા તીર્થ' ખાતે મંત્રીઓનું મંથન: મહિલા અનામત અને સીમાંકન બિલ પર લાગશે મોહર!
૩૦ નવેમ્બરથી શરૂ થતા સંસદના ખાસ સત્ર પહેલા કેન્દ્ર સરકારની મોટી તૈયારી; લોકસભાની બેઠકો ૫૪૩થી વધારીને ૮૫૦ કરવા અને ૨૦૨૯ની ચૂંટણી પૂર્વે ૩૩% મહિલા અનામત લાગુ કરવા માટે બંધારણ સુધારા બિલમાં ફેરફારની સંભાવના

નવી દિલ્હી : સંસદના આગામી ખાસ સત્ર પહેલા કેન્દ્ર સરકાર મહિલા અનામત અને સીમાંકન સંબંધિત બંધારણ સુધારા બિલને આગળ વધારવા માટે સજ્જ બની છે, જેના ભાગરૂપે આવતીકાલે બપોરે ૧ વાગ્યે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 'સેવા તીર્થ' ખાતે કેન્દ્રીય કેબિનેટની અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાશે. આ બેઠકમાં તમામ કેન્દ્રીય મંત્રીઓને ફરજિયાત હાજર રહેવા જણાવાયું છે અને સૂત્રોના જણાવ્યા અનુસાર તેમાં મહિલા અનામત સંબંધિત સીમાંકન બિલમાં કેટલાક મહત્વના સુધારાઓ પર ચર્ચા કરી મંજૂરી આપવામાં આવી શકે છે. સરકાર ૩૦ નવેમ્બર, સોમવારના રોજ લોકસભામાં અને ૨ ડિસેમ્બરે રાજ્યસભામાં આ બિલ રજૂ કરવાની તૈયારી કરી રહી છે, જેની કાર્યવાહી ૩ ડિસેમ્બર સુધી ચાલવાની ધારણા છે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે ૧૩ ઓગસ્ટના રોજ અનિશ્ચિત સમય માટે મુલતવી રખાયેલા ચોમાસુ સત્રના વિસ્તરણ રૂપે આ બેઠકો આવશ્યક સરકારી કામકાજ પૂર્ણ કરવા બોલાવવામાં આવી રહી છે.
આ સૂચિત બંધારણ સુધારા બિલનો મુખ્ય ઉદ્દેશ્ય લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓને ૩૩ ટકા અનામત આપવાનો માર્ગ મોકળો કરવાનો છે. આ લક્ષ્ય હાંસલ કરવા માટે બિલમાં લોકસભાની વર્તમાન ૫૪૩ બેઠકો વધારીને મહત્તમ ૮૫૦ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જેથી વર્ષ ૨૦૨૯ની લોકસભા ચૂંટણી પહેલા સીમાંકન પ્રક્રિયા પૂર્ણ કરીને મહિલા અનામતનો અમલ કરી શકાય. અગાઉ એપ્રિલ મહિનામાં પણ સરકારે સંસદના ખાસ સત્રમાં આ બિલ રજૂ કર્યું હતું, પરંતુ તે સમયે જરૂરી સંખ્યાબળના અભાવે બિલ પસાર થઈ શક્યું ન હતું, જેથી હવે સરકાર સંપૂર્ણ રાજકીય તૈયારી સાથે ફરી મેદાનમાં ઉતરી રહી છે.
લોકસભામાં બંધારણ સુધારો બિલ પસાર કરવા માટે બે-તૃતીયાંશ બહુમતી એટલે કે ૩૬૧ મતોની જરૂરિયાત રહેશે, જ્યારે હાલ ૩ બેઠકો ખાલી હોવાથી ગૃહનું કુલ સભ્યપદ ૫૪૦ છે. એનડીએ પાસે આશરે ૩૨૦ સાંસદોનું સંખ્યાબળ છે અને એપ્રિલ બાદ વિપક્ષી છાવણીમાંથી ૨૦ તૃણમૂલ કોંગ્રેસ તથા ૬ શિવસેના મળીને કુલ ૨૬ સાંસદો પક્ષપલટો કરી ચૂક્યા હોવા છતાં સરકારને બિલ પસાર કરવા વધારાના ટેકાની જરૂર પડશે, જેમાં ડીએમકે ના ૨૨ અને શરદચંદ્ર પવારની એનસીપીના ૮ સાંસદોની ભૂમિકા અત્યંત નિર્ણાયક બની શકે છે. બીજી તરફ, કોંગ્રેસે પણ સંસદ સત્ર માટે પોતાની રણનીતિ ઘડવા ૨૭ નવેમ્બરે સાંજે ૪:૩૦ વાગ્યે દિલ્હીમાં સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં કોંગ્રેસ સંસદીય વ્યૂહરચના જૂથની બેઠક બોલાવી છે.
(10:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
