<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

મહત્વંના સમાચાર

ગુજરાતની કમાન સુરજેવાલાને, પંજાબમાં સચિન પાઇલટ અને આસામમાં ભૂપેશ બઘેલને જવાબદારી સોંપી કોંગ્રેસે સંગઠનના પત્તાં ફેંટ્યા

ગુજરાત સાથે કર્ણાટકનો વધારાનો હવાલો પણ સુરજેવાલાને: છ રાજ્યોના પ્રભારીઓ બદલતાં કોંગ્રેસના રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો

નવી દિલ્હી: આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે સંગઠનમાં મહત્ત્વના ફેરફાર કરી છ રાજ્યો માટે નવા પ્રભારીઓની નિમણૂક કરી છે.

કોંગ્રેસ અધ્યક્ષે ભૂપેશ બઘેલને આસામના મહાસચિવ-પ્રભારી બનાવ્યા છે. રણદીપસિંહ સુરજેવાલાને ગુજરાતની જવાબદારી સોંપાઈ છે, જ્યારે કર્ણાટકનો વધારાનો હવાલો પણ તેમની પાસે રહેશે. સચિન પાઇલટને ચૂંટણી તરફ આગળ વધી રહેલા પંજાબના મહાસચિવ-પ્રભારી બનાવવામાં આવ્યા છે.

 

સુખદેવ ભગતને છત્તીસગઢ, ડૉ. સિરીવેલા પ્રસાદને મહારાષ્ટ્ર અને પી. વી. મોહનને આંધ્રપ્રદેશના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અગાઉ જવાબદારી સંભાળતા જિતેન્દ્રસિંહ, રમેશ ચેન્નિથલા અને મણિકમ ટાગોરના યોગદાનની પક્ષે પ્રશંસા કરી છે.

મુકુલ વાસનિક અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ તરીકે યથાવત્ રહેશે. ગુજરાતમાં સુરજેવાલાની નિમણૂકને આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં સંગઠનને વધુ સક્રિય અને મજબૂત બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.

---

પિતાની સ્મૃતિને સેવાનો સ્પર્શ: સચિન તેંડુલકરે યુવા તબીબો માટે વિશેષ શિષ્યવૃત્તિ શરૂ કરી શિક્ષકદિને આપી અનોખી શ્રદ્ધાંજલિ

 

દર વર્ષે એક યુવા તબીબને શ્રીનગરમાં ચહેરા અને જડબાની જટિલ સારવારનું વર્ષભર વિશેષ પ્રશિક્ષણ તથા આર્થિક સહાય મળશે

મુંબઈ: મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે શિક્ષકદિને પોતાના પિતા અને પ્રથમ માર્ગદર્શક પ્રોફેસર રમેશ તેંડુલકરની સ્મૃતિમાં વિશેષ શિષ્યવૃત્તિ શરૂ કરી છે.

‘પ્રોફેસર રમેશ તેંડુલકર સ્મૃતિ શિષ્યવૃત્તિ’ હેઠળ દર વર્ષે એક યુવા તબીબને શ્રીનગરમાં એક વર્ષ સુધી ફાટેલા હોઠ, તાળવા તથા ચહેરા અને ખોપરીને લગતી જટિલ સારવારમાં વિશેષતા મેળવવાની તક અપાશે. પસંદ થયેલા તબીબને કાર્યક્રમ માટે આર્થિક સહાય અને અભ્યાસ પૂર્ણ થયા બાદ પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.

આ પહેલ સચિન તેંડુલકર ફાઉન્ડેશન અને ઇંગા હેલ્થ ફાઉન્ડેશનના સહયોગથી શરૂ કરવામાં આવી છે. સચિને જણાવ્યું કે પિતાએ તેમને ક્રિકેટ પસંદ કરવાની સ્વતંત્રતા આપી હતી, પરંતુ ચારિત્ર્ય, પ્રામાણિકતા અને શિસ્ત સાથે ક્યારેય સમાધાન ન કરવાનું શીખવ્યું હતું.

તેમના પિતાની શીખ હતી કે નિષ્ફળતા સ્વીકારી શકાય, પરંતુ છેતરપિંડી નહીં અને જીવનમાં ટૂંકો માર્ગ ક્યારેય અપનાવવો નહીં.

---

જાતિ પ્રમાણપત્રના વિવાદે મુંબઈના રાજકારણમાં ભૂકંપ: પૂર્વ મહાપૌર વિશાખા રાઉતનું નગરસેવકપદ રદ, છ વર્ષની અપાત્રતા

ન્યાયાલયમાંથી પણ રાહત નહીં મળતાં દાદરનો અનામત પ્રભાગ ખાલી જાહેર: ઠાકરે જૂથને મહાનગરપાલિકામાં વધુ એક મોટો ઝટકો

મુંબઈ: પૂર્વ મહાપૌર અને શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથનાં નગરસેવિકા વિશાખા રાઉતને જાતિ પ્રમાણપત્રના વિવાદમાં છ વર્ષ માટે અપાત્ર જાહેર કરાયાં છે.

વિશાખા રાઉત મુંબઈ મહાનગરપાલિકાના દાદર અને શિવાજી પાર્ક વિસ્તારને આવરી લેતા પ્રભાગ ક્રમાંક ૧૯૧માંથી અન્ય પછાત વર્ગ માટે અનામત બેઠક પર ચૂંટાયાં હતાં. પાલઘર જિલ્લા જાતિ પ્રમાણપત્ર ચકાસણી સમિતિએ ખોટા અધિકારક્ષેત્રમાં પ્રમાણપત્ર મેળવવામાં આવ્યું હોવાનું જણાવી તેમનું પ્રમાણપત્ર અમાન્ય ઠરાવ્યું હતું.

મહાનગરપાલિકા કમિશનરની કાર્યવાહી સામે રાઉતે મુંબઈ ઉચ્ચ ન્યાયાલયમાં અરજી કરી હતી, પરંતુ તેમને રાહત મળી નહોતી. ત્યારબાદ મહારાષ્ટ્રના શહેરી વિકાસ વિભાગે તેમનું નગરસેવકપદ રદ કરવાનો આદેશ બહાર પાડ્યો છે.

મુંબઈ મહાનગરપાલિકા અધિનિયમની કલમ ૧૬ હેઠળ પ્રભાગની બેઠક ખાલી જાહેર કરવામાં આવી છે. જાતિ પ્રમાણપત્ર અમાન્ય ઠરવાના કારણે પદ ગુમાવનારાં તેઓ વિપક્ષનાં પાંચમા નગરસેવક બન્યાં છે.

 

 

---

 

ગુજરાતના વહીવટી તંત્રમાં મોટી સર્જરી: સાત સનદી અધિકારીઓની બદલી, રાજકુમાર બેનીવાલને સુરત મહાનગરપાલિકાની કમાન સોંપાઈ

 

મહેસૂલથી આદિજાતિ વિકાસ સુધી ફેરફારોનો ધમધમાટ: સંજીવ કુમાર સહિત ત્રણ અધિકારીઓને મહત્ત્વના વિભાગોના વધારાના હવાલા મળ્યા

 

ગાંધીનગર: રાજ્ય સરકારે સાત સનદી અધિકારીઓની બદલી અને વધારાના હવાલાના આદેશો કરીને વહીવટી તંત્રમાં મહત્ત્વના ફેરફાર કર્યા છે.

 

ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સના વ્યવસ્થાપક નિયામક રાજકુમાર બેનીવાલને સુરત મહાનગરપાલિકાના કમિશનર બનાવાયા છે. તેઓ તેજસ પરમાર પાસેથી વધારાનો હવાલો સંભાળશે. મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમારને ખાતર કંપનીના વ્યવસ્થાપક નિયામકનો વધારાનો હવાલો અપાયો છે.

 

રાજેશ માંઝુને સ્ટેમ્પ અધિક્ષક અને નોંધણી મહાનિરીક્ષક તરીકે પૂર્ણકાલીન નિમણૂક મળી છે. નાણા વિભાગના સચિવ જેનુ દેવાનને મહેસૂલ તપાસણી કમિશનરનો વધારાનો હવાલો સોંપાયો છે. રમ્યા મોહન મુથાદથને આવાસ અને નિર્મલ ગુજરાત વિભાગના સચિવનો વધારાનો કાર્યભાર મળ્યો છે.

 

રચિત રાજને આદિજાતિ વિકાસ નિયામક બનાવાયા છે અને અનુસૂચિત જાતિ કલ્યાણ નિયામકનો વધારાનો હવાલો યથાવત્ રહેશે. હર્ષિલ આર. મીણાને મહેસાણાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિયુક્ત કરાયા છે.

(12:28 AM IST)