તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th May 2026
મહત્વના સમાચારો ઉડતી નજરે

*ઈરાનના વિદેશ મંત્રીની અચાનક ચીન મુલાકાત: બંને દેશો વચ્ચે ગુપ્ત મંત્રણા શરૂ: અમેરિકાના દબાણ વચ્ચે ઈરાને એશિયન દિગ્ગજ દેશનો સાથ માંગ્યો: તણાવ વચ્ચે મોટો ઘટનાક્રમ*
અમેરિકા સાથે ચાલી રહેલા યુદ્ધના માહોલ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી તાત્કાલિક ધોરણે બેઈજિંગ પહોંચ્યા છે. તેઓ ચીનના વિદેશ મંત્રી સાથે દ્વિપક્ષીય સંબંધો અને વૈશ્વિક રાજકીય ઘટનાક્રમો અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવાના છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની સંભવિત મુલાકાત પહેલાં ઈરાન અને ચીન વચ્ચે થઈ રહેલી આ ઉચ્ચસ્તરીય બેઠકને વૈશ્વિક કૂટનીતિમાં ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય અમેરિકી પ્રતિબંધો અને લશ્કરી દબાણનો સામનો કરવાનો છે.*
━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━
*ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પાઠવી શુભેચ્છા: ચૂંટણી વિજયને ઐતિહાસિક ગણાવ્યો*
ભારતમાં પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ બે-તૃતીયાંશ બહુમતી સાથે મેળવેલી શાનદાર જીતને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઐતિહાસિક અને નિર્ણાયક ગણાવી છે. ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અંગત રીતે અભિનંદન પાઠવ્યા છે. ૧૫ વર્ષથી સત્તા પર રહેલા મમતા બેનર્જીની હાર અને ભાજપના ઉદયને આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ વ્યાપક કવરેજ મળી રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિનું આ નિવેદન બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધો અને વૈશ્વિક રાજકારણમાં ભારતની વધતી જતી ભૂમિકાનું સીધું પરિણામ માનવામાં આવે છે.*
━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━
*ભારતને કોલંબિયા ક્લાઈમેટ કોન્ફરન્સનું આમંત્રણ ન મળ્યું, છતાં રિન્યુએબલ એનર્જીમાં અગ્રેસર: ક્લાઈમેટ ચેન્જ સામે લડવામાં ભારતે જાળવી રાખી ગતિ: વૈશ્વિક સ્તરે પ્રશંસા*
કોલંબિયામાં તાજેતરમાં યોજાયેલી મહત્વપૂર્ણ ક્લાઈમેટ કોન્ફરન્સમાં ભારતને સત્તાવાર આમંત્રણ નહોતું આપવામાં આવ્યું. આમ છતાં, ભારત રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે પોતાની મહત્વાકાંક્ષી યોજનાઓ પર મક્કમતાથી આગળ વધી રહ્યું છે. સૌર અને પવન ઉર્જા ક્ષેત્રે ભારતના સતત વધી રહેલા રોકાણો અને કાર્બન ઉત્સર્જન ઘટાડવાના પ્રયાસોની આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ રહી છે. આ પરિસ્થિતિ દર્શાવે છે કે ભારત કોઈ પણ આંતરરાષ્ટ્રીય મંચ પર ઔપચારિક હાજરી વિના પણ પર્યાવરણ સુરક્ષા અને હરિયાળી ઉર્જાના વૈશ્વિક લક્ષ્યાંકો હાંસલ કરવા કટિબદ્ધ છે.*
━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━
*વૈશ્વિક બજારોમાં ભારતીય ટેલેન્ટની ડિમાન્ડ: કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું નિવેદન: ભારતીય ઉદ્યોગોએ સંશોધન અને વિકાસ માટે ખાનગી રોકાણ વધારવાની તાતી જરૂરિયાત*
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારતીય ઉદ્યોગજગતમાં સંશોધન અને વિકાસ પાછળ થતા ખર્ચ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે વિદેશમાં રહેલા ભારતીય યુવાનો દ્વારા વિકસાવવામાં આવતી આધુનિક ટેકનોલોજી ભારતીય કંપનીઓએ વિદેશી બજારોમાંથી મોંઘા ભાવે ખરીદવી પડે છે. સરકારે પ્રાઈવેટ સેક્ટર માટે એક લાખ કરોડ રૂપિયાના ફંડની જાહેરાત કરી હોવા છતાં, ઉદ્યોગોએ સીએસઆર ફંડના નામે નામમાત્રનો ખર્ચ કરવાને બદલે વાસ્તવિક રિસર્ચ માટે વધુ મૂડીરોકાણ કરવું પડશે.*
━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━
*મોબાઈલ રિકવરીમાં ગુજરાત પોલીસ દેશમાં ત્રીજા ક્રમે: ૫૩,૦૦૦ જેટલા ફોન પરત અપાવ્યા: નાગરિકોની સુવિધા માટે પોલીસની અદ્યતન ટેકનોલોજીનો સચોટ ઉપયોગ અને સફળતા*
નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના તાજા અહેવાલો મુજબ, ખોવાયેલા કે ચોરાયેલા મોબાઈલ ફોન શોધીને નાગરિકોને પરત કરવામાં ગુજરાત પોલીસ સમગ્ર દેશમાં ત્રીજા સ્થાને રહી છે. સાયબર ક્રાઈમ અને સ્થાનિક પોલીસના સંયુક્ત પ્રયાસોથી ૫૩,૦૦૦ કરતાં વધુ મોબાઈલ ફોન રિકવર કરવામાં આવ્યા છે. ટેલિકોમ વિભાગના વિવિધ પોર્ટલ અને ટ્રેકિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને પોલીસે નાગરિકોની કરોડો રૂપિયાની મિલકત સફળતાપૂર્વક પરત અપાવી છે, જે રાજ્ય પોલીસની અસરકારક કામગીરી અને ટેકનોલોજીના યોગ્ય ઉપયોગનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.*
━━━━━━━━━━━━━━━━━━━━
*પશ્ચિમ બંગાળમાં કારમી હાર છતાં મમતા બેનર્જીએ રાજીનામું આપવાનો સાફ ઇનકાર કર્યો: ચૂંટણી પંચ પર લગાવ્યો ગંભીર આરોપ: ૧૦૦ બેઠકો ચોરાઈ હોવાનો સનસનીખેજ દાવો: મમતા બેનર્જી રાજીનામું નહીં જ આપે તો રાજ્યપાલ તેમને હોદ્દા પરથી બરતરફ કરી શકે છે*
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬માં ૧૫ વર્ષના શાસન બાદ તૃણમૂલ કોંગ્રેસની કારમી હાર થઈ હોવા છતાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજીનામું આપવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. તેઓએ આરોપ લગાવ્યો છે કે તેઓ ચૂંટણી હાર્યા નથી, પરંતુ તેમની ૧૦૦ જેટલી બેઠકો ચૂંટણી પંચની મદદથી બળજબરીથી છીનવી લેવામાં આવી છે. ભાજપને મળેલી બહુમતીને તેમણે લોકશાહીની હત્યા ગણાવી છે. નિષ્ણાતોના મતે હવે જો મમતા બેનર્જી રાજીનામું નહીં આપે તો રાજ્યપાલ તેમને હોદ્દા પરથી બરતરફ કરી શકે છે.*
━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━
*સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા ૩૪ થી વધારીને ૩૮ કરવાના પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી: વધતા જતા પેન્ડિંગ કેસોના ભારણને ઘટાડવા અને ન્યાયપ્રણાલીને ઝડપી બનાવવા મોટો નિર્ણય*
કેન્દ્ર સરકારે ન્યાયતંત્રમાં એક અત્યંત મહત્વપૂર્ણ સુધારો કરતા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની કુલ સંખ્યા ૩૪ થી વધારીને ૩૮ કરવાના ઐતિહાસિક પ્રસ્તાવને કેબિનેટમાં મંજૂરી આપી દીધી છે. જેમાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાનો પણ સમાવેશ થાય છે. સર્વોચ્ચ અદાલતમાં વર્ષોથી પડતર રહેલા કેસોનો ઝડપી નિકાલ લાવવા અને ન્યાયિક પ્રક્રિયાને વધુ પારદર્શક તથા કાર્યક્ષમ બનાવવાના ઉદ્દેશ્યથી આ પગલું ભરવામાં આવ્યું છે. આ નિર્ણયને કારણે સુપ્રીમ કોર્ટની કામગીરીમાં મોટી રાહત મળશે તેવો દાવો કરવામાં આવ્યો છે.*
━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━
*તમિલનાડુમાં સુપરસ્ટાર વિજયની પાર્ટી ટીવીકેનો ઉદય: ૭ મેના રોજ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે: વિધાનસભા ચૂંટણીમાં ૧૦૮ બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી, બહુમતી માટે કવાયત*
તમિલનાડુ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬માં અભિનેતામાંથી રાજનેતા બનેલા સુપરસ્ટાર વિજયની પાર્ટી 'તમિલાગા વેત્રી કઝગમ' (ટીવીકે) ૧૦૮ બેઠકો જીતીને રાજ્યના સૌથી મોટા રાજકીય પક્ષ તરીકે ઉભરી આવી છે. બહુમતીના જાદુઈ આંકડાથી તેઓ માત્ર ૧૦ બેઠકો દૂર છે, જેના માટે કોંગ્રેસ અને અન્ય પક્ષો તેમને સમર્થન આપવા તૈયાર થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિજય આગામી ૭ મેના રોજ તમિલનાડુના નવા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરી શકે છે, જેનાથી રાજ્યના રાજકારણમાં નવો યુગ શરૂ થશે.*
━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━
*પશ્ચિમ બંગાળમાં પરિણામો બાદ ભીષણ હિંસા ફાટી નીકળી: ટીએમસી કાર્યકરની હત્યા: ચૂંટણી પંચે રાજ્ય સરકારને ફટકારી નોટિસ: હિંસા સાંખી નહીં લેવાય તેવી કડક તાકીદ*
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થતાની સાથે જ રાજ્યના વિવિધ ભાગોમાં રાજકીય હિંસાનો ભયંકર દોર શરૂ થઈ ગયો છે. બીરભૂમ જિલ્લામાં ટીએમસીના એક કાર્યકરની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. આ ઉપરાંત કોલકાતા, હાવડા અને અન્ય જિલ્લાઓમાં ટીએમસી અને ભાજપના કાર્યાલયો પર તોડફોડ અને આગચંપીના બનાવો નોંધાયા છે. ચૂંટણી પંચે આ મામલે કડક વલણ અપનાવતા રાજ્યના ડીજીપી અને મુખ્ય સચિવને હિંસા સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવાનો સ્પષ્ટ આદેશ આપ્યો છે.*
━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━
*પીઆઈએલના દુરુપયોગ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ: પબ્લિસિટી અને પૈસા માટેની અરજીઓ ફગાવશે: માત્ર સાચા જનહિતના મુદ્દાઓને જ પ્રાધાન્ય અપાશે: સર્વોચ્ચ અદાલતની આકરી ચેતવણી*
સુપ્રીમ કોર્ટે દેશમાં વધી રહેલી 'પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન' (પીઆઈએલ) એટલે કે જાહેર હિતની અરજીઓના દુરુપયોગ અંગે ભારે નારાજગી વ્યક્ત કરી છે. અદાલતે સ્પષ્ટ ચેતવણી આપી છે કે હવેથી માત્ર 'પ્રાઇવેટ, પબ્લિસિટી અને પૈસા' કમાવવાના હેતુથી કરવામાં આવતી કોઈપણ પીઆઈએલ ચલાવી લેવામાં આવશે નહીં અને આવા અરજદારો સામે કડક શિક્ષાત્મક પગલાં લેવાશે. સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે અદાલતોનો કિંમતી સમય બચાવવા માટે માત્ર વાસ્તવિક જનહિતના અને ગંભીર કેસોની જ સુનાવણી હાથ ધરવામાં આવશે.*
(12:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
