તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd November 2026
મહત્વના સમાચાર ઉડતી નજરે

દેશની તમામ રાજ્યોની રાજધાનીઓમાં ૨૦૨૭ સુધીમાં વિદેશી નાગરિક નોંધણી કચેરીઓ ખૂલશે: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની સૂચના : દેશમાં કચેરીઓની સંખ્યા ૨૦ થઈ, વિદેશીઓ માટે ૩૫ ઓનલાઇન સેવાઓ ઉપલબ્ધ : વિદેશી નાગરિકોની નોંધણી, વિઝા અને અન્ય સેવાઓ વધુ સરળ બનાવવા કેન્દ્ર સરકારે તમામ રાજ્યોની રાજધાનીઓમાં પ્રાદેશિક નોંધણી કચેરીઓ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૨૭ સુધીમાં તમામ રાજ્યોની રાજધાનીઓમાં વિદેશી નાગરિક પ્રાદેશિક નોંધણી કચેરીઓ સ્થાપવાની યોજના જાહેર કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે આ માટે સૂચના આપી છે. જયપુર, ચંદીગઢ અને ગુવાહાટીમાં વર્ષ ૨૦૨૫ દરમિયાન નવી કચેરીઓ શરૂ થઈ હતી. ચાલુ વર્ષે આઇઝોલ અને અમરાવતીમાં નવી કચેરીઓ સ્થાપવામાં આવી છે.
ગુજરાત અને રાજસ્થાનમાં હોન્ડાનું રૂ. ૨,૪૨૦ કરોડનું રોકાણ : ઉત્પાદન ક્ષમતા ૮૦ લાખ વાહન સુધી વધારશે: બે રાજ્યોના કારખાનાંમાં વાર્ષિક ૧૩.૨ લાખ વાહનોની વધારાની ક્ષમતા : ગુજરાતમાં રોજગારીની નવી તકો : જાપાનની હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાએ ગુજરાત અને રાજસ્થાનના ઉત્પાદન એકમોના વિસ્તરણ માટે રૂ. ૨,૪૨૦ કરોડનું રોકાણ કરવાની યોજના બનાવી છે. કંપનીના પ્રમુખ અને મુખ્ય કાર્યકારી અધિકારી સુત્સુમુ ઓતાનીએ વધતી માંગને પહોંચી વળવા ઉત્પાદન વધારવાની જરૂરિયાત દર્શાવી છે. કંપનીની યોજના મુજબ વાર્ષિક ૧૩.૨ લાખ વાહનોની વધારાની ક્ષમતા ઊભી થશે. સ્કૂટર, મોટરસાઇકલ અને ઇલેક્ટ્રિક વાહનોના બજારમાં કંપની પોતાની સ્થિતિ મજબૂત બનાવવા માગે છે.
સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન સમર્થિત શસ્ત્ર નિયંત્રણ પ્રસ્તાવનો ભારત અને ઇઝરાયેલે વિરોધ કર્યો: ૧૮૦ દેશોએ પ્રસ્તાવને સમર્થન આપ્યું : પ્રાદેશિક સુરક્ષાનું સંતુલન વાસ્તવિક નથી તેવો ભારતનો તર્ક : સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની નિઃશસ્ત્રીકરણ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત પ્રથમ સમિતિમાં પાકિસ્તાન અને બેલારુસ દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવ ઉપર સોમવારે મતદાન થયું હતું. પ્રસ્તાવની તરફેણમાં ૧૮૦ મત પડ્યા, જ્યારે ભારત અને ઇઝરાયેલે વિરોધ કર્યો હતો. ભારતના સંયુક્ત રાષ્ટ્ર મિશનના પ્રથમ સચિવ અનમોલ શેર બેદીએ જણાવ્યું હતું કે પરંપરાગત શસ્ત્ર નિયંત્રણ વૈશ્વિક પ્રશ્ન છે. દેશોની સુરક્ષા સંબંધિત ચિંતાઓ માત્ર પ્રાદેશિક સીમાઓ સુધી મર્યાદિત હોતી નથી.
દિલ્હીમાં ઝેરી ધુમ્મસનું સામ્રાજ્ય : જહાંગીરપુરીમાં પ્રદૂષણ આંક ૪૫૨ ઉપર પહોંચ્યો: રાજધાનીનો સરેરાશ વાયુ ગુણવત્તા આંક ૩૩૨: ૫૭માંથી ૮ કેન્દ્રો ઉપર હવા અત્યંત ગંભીર શ્રેણીમાં : દેશની રાજધાની દિલ્હીમાં મંગળવારે વાયુપ્રદૂષણની સ્થિતિ ગંભીર બની હતી. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સવારે નવ વાગ્યાના આંકડા મુજબ દિલ્હીની સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક ૩૩૨ નોંધાયો હતો, જે અત્યંત ખરાબ શ્રેણીમાં આવે છે. જહાંગીરપુરીમાં સૂચકાંક ૪૫૨ સુધી પહોંચ્યો હતો, જે ગંભીર શ્રેણીમાં ગણાય છે. કુલ ૫૭ નિરીક્ષણ કેન્દ્રોમાંથી આઠ કેન્દ્રોમાં ગંભીર અને ૩૨ કેન્દ્રોમાં અત્યંત ખરાબ હવા નોંધાઈ હતી. સોમવારે દિલ્હીની સરેરાશ હવા ગુણવત્તા ૩૨૪ હતી.
કેન્દ્રમાં સંયુક્ત સચિવ કક્ષાની નિમણૂક માટે ૨૦ વરિષ્ઠ અધિકારીઓની પસંદગી: ટેલિકોમ સેવાના ૧૦ અને મહેસૂલ સેવાના ૧૦ અધિકારીઓની યાદી તૈયાર : નિમણૂક હજુ બાકી :
કેન્દ્રના કર્મચારી અને તાલીમ વિભાગે સંયુક્ત સચિવ કક્ષાની જવાબદારીઓ માટે બે કેન્દ્રીય સેવાઓના ૨૦ અધિકારીઓને પેનલમાં સામેલ કર્યા છે. ટેલિકોમ સેવાના અધિકારીઓમાં મેહુલ આર. જોશી, અશોકકુમાર, નીરજ નારુકા, રાકેશ શ્રીવાસ્તવ અને અન્ય અધિકારીઓ સામેલ છે. મહેસૂલ સેવાના અધિકારીઓમાં અક્ષય જોશી, અરવિંદકુમાર, ગૌરવસિંહ સહિતના નામ છે.
રાહુલ ગાંધી વડાપ્રધાન બનશે અને અમિતભાઈ શાહ તિહાર જેલમાં જશે : સંજય રાઉતના નિવેદનથી રાજકીય ગરમાવો: શિવસેના ઉદ્ધવ જૂથના સાંસદનો ભાજપ ઉપર આકરો પ્રહાર : એનસીપીના નેતાઓની અમિતભાઈ શાહ સાથે મુલાકાત અંગે પણ ટીકા : શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે કેન્દ્રના ગૃહમંત્રી અને ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા છે. રાઉતે દાવો કર્યો કે આગામી સમયમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દેશના વડાપ્રધાન બનશે અને અમિતભાઈને તિહાર જેલમાં જવું પડશે. તેમણે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના કેટલાક નેતાઓએ દિલ્હીમાં અમિતભાઈ શાહ સાથે કરેલી મુલાકાતની પણ ટીકા કરી હતી. રાઉતના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રમાં એનસીપીના ભાગલા પડાવવા પાછળ ભાજપની ભૂમિકા રહી છે. તેમણે એનસીપી મૂળ શરદ પવારની અને શિવસેના ઉદ્ધવ ઠાકરેની હોવાનું જણાવ્યું હતું.
રિલાયન્સના શેરમાં ૧૨% તેજીથી મુકેશ અંબાણી ફરી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા::એક જ દિવસમાં સંપત્તિમાં ૮.૫ અબજ ડોલરનો વધારો : કુલ સંપત્તિ ૮૮.૮ અબજ ડોલર, ચીનના ઝાંગ યિમિંગને પાછળ છોડ્યા : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેનશ્રી મુકેશ અંબાણીએ સંપત્તિના મામલે ચીનની બાઇટડાન્સ કંપનીના સહસ્થાપક ઝાંગ યિમિંગને પાછળ છોડ્યા છે. ફોર્બ્સના તાજા અબજોપતિ સૂચકાંક મુજબ સોમવારે રિલાયન્સના શેરમાં લગભગ ૧૨ ટકાનો ઉછાળો આવતાં અંબાણીની સંપત્તિમાં આશરે ૮.૫ અબજ ડોલરનો વધારો થયો હતો. તેમની કુલ અંદાજિત સંપત્તિ ૮૮.૮ અબજ ડોલર થઈ હતી.
અમેરિકામાં વિવેક રામાસ્વામીની સંપત્તિ ૨.૩ અબજ ડોલર : ઓહાયોના ગવર્નર બનશે તો તે દેશના બીજા સૌથી ધનિક ગવર્નર બનશે: ભારતીય મૂળના ૪૧ વર્ષીય ઉદ્યોગપતિની સંપત્તિમાં મોટો વધારો : દવા સંશોધન કંપની રોઇવેન્ટ સાયન્સિસના શેરથી લાભ : અમેરિકાના ઓહાયો રાજ્યની ગવર્નર ચૂંટણીમાં ઉમેદવાર વિવેક રામાસ્વામીની સંપત્તિ અંગે ફોર્બ્સે મહત્વપૂર્ણ વિગતો જાહેર કરી છે. ફોર્બ્સના સપ્ટેમ્બર ૨૦૨૬ના વિશ્લેષણ મુજબ રામાસ્વામીની અંદાજિત સંપત્તિ ૨.૩ અબજ ડોલર હતી. એક વર્ષ અગાઉ આ આંકડો ૧.૮ અબજ ડોલર અને માર્ચ ૨૦૨૫માં લગભગ એક અબજ ડોલર હતો. તેમણે સ્થાપેલી રોઇવેન્ટ સાયન્સિસ કંપનીના શેરમાં તેજીથી સંપત્તિ વધી છે. ચૂંટણી જીતે તો તેઓ અમેરિકાના બીજા સૌથી ધનિક ગવર્નર અને ત્રીજા સૌથી ધનિક ચૂંટાયેલા પદાધિકારી બની શકે છે.
આજે અમેરિકાની મધ્યસત્ર ચૂંટણી પહેલાં ઓબામા દંપતીની મતદારોને અપીલ : પરિવર્તન લાવવાની શક્તિ આપણા હાથમાં છે: બરાક અને મિશેલ ઓબામાએ મતદાન અને લોકશાહી પ્રક્રિયામાં ભાગ લેવા સંદેશ આપ્યો : અમેરિકામાં મધ્યસત્ર ચૂંટણીના મતદાન પહેલાં પૂર્વ પ્રમુખ બરાક ઓબામા અને તેમના પત્ની મિશેલ ઓબામાએ મતદારોને લોકશાહી પ્રક્રિયામાં ભાગ લેવા પ્રોત્સાહિત કરતો સંદેશ આપ્યો હોવાની માહિતી મળી છે. આપેલી માહિતી મુજબ ઓબામા દંપતીએ પરિવર્તન લાવવાની શક્તિ નાગરિકોના હાથમાં હોવાનું જણાવ્યું છે.
(4:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
